હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) ચીમન પટેલ ‘ચમન’

‘ધરા – ગુર્જરી’ એવોર્ડથી સન્માનિત એવા બહુમુખી પ્રતિભા ધરાવતા હ્યુસ્ટન (અમેરિકા) ખાતે  સ્થિત શ્રી ચીમનભાઈ પટેલ ‘ચમન’ ને મારા તાજેતરના અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટના ત્યાં સુરેશભાઈ  જાની અને મને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલા લઘુ સાહિત્ય સંમેલનમાં મળવાનું થયું હતું. પ્રદીપભાઈના નિવાસસ્થાને જાવન અને મારા નિવાસસ્થાને પરત આવન માટેના ખનિજતેલ રથના મારા સારથિઓ અનુક્રમે વિજયભાઈ શાહ અને ચીમનભાઈ પટેલ હતા. ઉંમરમાં મારાથીય આઠેક વર્ષે મોટા છતાંય તરવરિયા જુવાન લાગતા શ્રી ચીમનભાઈ માત્ર પ્રવૃત્તિશીલ રહેવાના હેતુમાત્રથી હજુય હ્યુસ્ટન ખાતે પેટ્રોકેમિકલ કંપનીમાં તેમના પુત્ર મિનેષ સાથે એક જ કંપનીમાં જોબ કરી રહ્યા છે.

 ભારત ખાતે સિવિલ એન્જિનીયરીંગ અને અમેરિકા ખાતે એમ. એસ. (સ્ટ્રક્ચરલ) ભણેલા એવા આ જણની સાહિત્યાદિ કલાઓ સાથેની આત્મીયતાઅને તે સઘળામાં આત્મસાતતા ધરાવવી એ The rarest of the rare  ઘટના કહેવાય.  ‘કાલ કરે સો આજ કર’ એ જીવનસુત્ર સાથે પ્રવૃત્તિમય જીવન જીવતા ચીમનભાઈ સાથે સંમેલન અને વાહનમાં અડોઅડ બેસવાનું અને તેમની સાથે વાતો કરવાનું થતાં એમ લાગ્યું કે જાણે અમે બંને એકબીજાથી ચિરપરિચિત હોઈએ. સાહિત્યસર્જનમાં ખાસ તો હાસ્ય સાહિત્ય ઉપર સાહજિક પ્રભુત્વ ધરાવતા ચીમનભાઈ વધારામાં કાર્ટુનીસ્ટ, પેઈન્ટર અને ટેનિસ પ્લેયર પણ છે. યોગાસનો એ તેમનું તંદુરસ્તીનું રહસ્ય છે, તો વળી સ્ટ્રક્ચરલ એન્જિનીયર તરીકે ખિલાસરીનાં જંગલો ઊભાં કરનાર તેઓશ્રી શાકભાજીની ખેતી પણ કરી જાણે છે. વિજયભાઈના શબ્દોમાં કહીએ તો તેઓશ્રી સારા સભા સંચાલક તથા સમયસર અને સમયબદ્ધ મુશાયરાઓનું સંચાલન પણ કરી શકે છે.

હિંદીમાંના એક મુહાવરા ‘સુબહકા ભુલા હુઆ, શામકોઘરલૌટે તો ઉસે ભૂલા નહીં કહા જા સકતા’  ની જેમ સુરેશભાઈ અને મારે હ્યુસ્ટન ખાતે ચીમનભાઈના ઘરે સવારે જવાનું હતું, પણ ‘શિકારકે વક્ત કુતિયા હઘનેકો ચલી’ જેવું થયું અને સુરેશભાઈ આગલા દિવસની સાંજે જ અમારા સારથિ તરીકે આવેલા તેમના પુત્ર વિહંગની પાંખે વળગીને કારણોવશાત્ ડલાસ (મેન્સફિલ્ડ) ખાતે ઘરભેગા થઈ ગયા હતા. મારું તેમને અને અન્ય ભાઈબહેનોને મળવું નિયતિના આયોજનમાં હશે જ અને તેથી જ તો અઠવાડિયાનો કાર્યદિવસ હોવા છતાં અમે બધાં મુક્તમને અને હળવા ભાવે મળીને જ રહ્યાં. હ્યુસ્ટન સાહિત્યસરિતા સાથેની તેમની ઉત્સાહી સભ્ય તરીકેની ગાઢ નિકટતાએ તેમને સમયસર મને મળવા માટે બોલાવી લીધા હતા અને આમ અમારા બધાયનું સુભગ મિલન શક્ય બન્યું હતું.

 અહીંઆ હાદરત્ન તરીકેની પરિચય લેખમાળામાં જ્યારે તેમના વિષે કંઈક લખવામાં આવી રહ્યું છે, ત્યારે હાસ્યદરબાર પરત્વેના તેમના યોગદાનને સંભારવું જ રહ્યું. હાસ્યદરબારના પ્રારંભિક તબક્કામાં જ્યારે તેને હાસ્યને લગતા બ્લોગ લેખકોની જરૂર હતી, ત્યારે ચીમનભાઈએ તેને સધિયારો પૂરો પાડ્યો હતો. આ બ્લોગ ઉપર તેમના નામે અને ઉપનામે શોધ કરવામાં આવે તો આપણને તેમની વાર્તાઓ, હાસ્યલેખો, હાસ્યકવિતાઓ, કાર્ટુન, જોક્સ વગેરે જડી આવશે. તેમની હાસ્ય કવિતાઓ ‘તમારા થયા પછી’ અને ‘બેસતા કરી દીધા’ બતાવી આપે છે કે તેમના દિલોદિમાગમાં હાસ્યવૃત્તિની સાથે સાથે કવિત્વશક્તિ પણ ભારોભાર ધરબાએલી પડી છે.

હાસ્યદરબાર ઉપરના મારા આ હાદરત્ન પરિચયલેખોમાં સામાન્ય રીતે જે તે રત્નોની નાની મોટી ફિલ્લમો ઊતાર્યા સિવાય હું રહી શકતો નથી, પણ આ લેખની શરૂઆતજ કંઈક એવી રીતે થઈ કે ધીમેધીમે આગળ વધતા જતાં તેમના પ્રત્યેનો વડીલ તરીકેનો મારો આદરભાવ દૃઢ થતો ગયો અને હું સંયમમાં રહ્યો. હું આટલે સુધી ચીમનભાઈ સાથે ગંભીરભાવે વર્ત્યો છું, પણ મને લાગે છે કે હાદના વાંચકો નિરાશ ન થાય તે ખાતર પણ મારે ઉત્તરકાલીન નર્મદ (યુવાવયે ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે’ કહેનાર પાછળ જતાં ‘ધીમે ધીમે સુધારાનો સાર’ કહીને ઢીલો પડવા માંડ્યો!) ની જેમ બદલાવું પડશે.

 અમે જ્યારે મારા યજમાનના ઘર તરફ તેમની કારમાં આવી રહ્યા હતા, ત્યારે હું કદાચ ભૂલતો ન હોઉં તો સાવ સ્થિતપ્રજ્ઞ ભાવે અને સહજ રીતે તાજેતરમાં જ પોતાની એક પાંખ કપાઈ ગયાની દુ:ખદ વાત તેમણે કહી હતી. મને લાગ્યું કે વિધાતા હસતા અને હસાવતા સાહિત્યસર્જકોને પણ કોઈક વાર અજમાવી લેતો હોય છે એ રીતે કે બેટમજી પોતાના અંગત જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે ધૈર્ય રાખી શકે છે કે નહિ! મનોવિજ્ઞાનપણ ‘Transfer of Training’ ના સિદ્ધાંતે સમજાવે છે કે કોઈ એક ક્ષેત્રનું કૌશલ્ય અન્યત્રે કામ લાગતું હોય છે. એટલે જ તો શ્રી ચીમનભાઈ પોતાના પરિચયપાને લખે છે કે ‘ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર; જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.’ સાધુભાવે જીવન જીવનારાઓ જીવનમાં આવતાં રહેતાં સુખ કે દુ:ખને ભૂલતા જતા હોય છે અને જીવનરાહે ‘સાધુ તો ચલતા ભલા’ ન્યાયે આગળ ને આગળ ધપતા રહેતા હોય છે. જ્યારે ચીમનભાઈ પટેલ પોતાના ‘ચમન’ તખલ્લુસને અપનાવે છે, ત્યારે તે જ બતાવી આપે છે કે તેઓ જીવનને હરિયાળા અને પલ્લવિત બાગ તરીકે નિહાળે છે અને આ ખ્યાલ  જ જીવન પરત્વેના તેમના હકારત્મક અભિગમને સૂચવે છે.

 લેખસમાપને, ચીમનભાઈની એક ગંભીર અને હૃદયસ્પર્શી વાર્તા ‘બાગબાન કા બસેરા’ ને યાદકરું છું. વાર્તાનો અંત બે પેઢી વચ્ચેના ટકરાવના બદલે સમાધાનકારીવલણે આવે છે. હું તો મારા આ ટચુકડા લેખને હળવો ફૂલ જેવો બનાવવા માટે ઉપરોક્ત વાર્તાના સમાંતરે એવા કોઈ ગ્રામ્ય વાતાવરણવાળા અને સમાધાનકારી નહિ, પણ અંતિમવાદી નિર્ણયને અમલમાં મૂકતા એક વિધુર ડોસાના પાત્રની કલ્પના કરું છું. વરસાદની ભીની ભીની મોસમમાં ભજિયાં ખાવાની તીવ્ર ઈચ્છા સામે પુત્રવધુનો છણકાયુક્ત નકારાત્મક જવાબ સાંભળીને જરા પણ અકળાયા વગર તે ખામોશ રહે છે. બીજા દિવસે પાડોશી ગામેથી એક વિધવાને નાતરે લાવીને ઘરમાં પ્રવેશતાં જ ધીમેથી રસોડામાં રાંધતી પુત્રવધુને થોડા સમય માટે તેની નવી સાસુને  રસોડું સોંપી દેવા જણાવે છે કે  જેથી તેણી ઘરનાં બધાંયના માટે, આડોશીપાડોશી અને આખા મહેલ્લાના માણસો ધરાઈ ધરાઈને ખાઈ શકે તેટલા મોટા જથ્થામાં તગારાં ભરીને ભજિયાં બનાવી શકે!

 અલમઅતિવિસ્તરેણ,

 – વલીભાઈ મુસા

———————

ચીમન ભાઈનાં સર્જનો – હાદ પર 

ચીમન ભાઈનો પરિચય

3 responses to “હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) ચીમન પટેલ ‘ચમન’

  1. Pingback: ચમનનું ફૂલ | હાસ્ય દરબાર

  2. dhavalrajgeera સપ્ટેમ્બર 16, 2011 પર 3:11 પી એમ(pm)

    હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) ચીમન પટેલ ‘ચમન’
    This is the Chiman Patel’s own website.
    http://chimanpatel.gujaratisahityasarita.org/about-me/

    Dhavalrajgeera
    Editor
    Hasyadarbar

    Like

  3. harnish5 સપ્ટેમ્બર 16, 2011 પર 9:23 એ એમ (am)

    ખરેખર,ચિમનભાઈ મળવા જેવી પ્રેમાળ વ્યક્તિ છે..સુંદર લખે છે.અને માણસ તરિકે પણ અદભૂત છે. એમના પરિચય બદલ આભાર.

    Like

Leave a comment