હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય દરબારનાં રત્નો – વલીભાઈ મુસા

નેકનામ જ્ઞ,  ઢ,  ણ હાદજનો,

ગ્રીક ઔષધશાસ્ત્રના શબ્દ Katharsis ને એરિસ્ટોટલે સાહિત્યિક  Tragedy (કરૂણાંતિકા)ને વ્યાખ્યાયિત કરવા પ્રયોજ્યો હતો. આનો સીધો દેશી અર્થ એ થાય કે ‘કાંટો કાંટાને કાઢે’, ‘લોઢુંલોઢાને કાપે’, ‘હીરો હીરાને ઘસે’. ‘શરદી શરદીને મારે’, ‘ગાંડો ગાંડાને સમજે’, ‘વગેરે વગેરેને વગેરે!’ !!!

આપ સૌનાં કંટાળેલાં, ચીડિયલ થઈ ગએલાં અને નસો ખેંચાઈગએલાં દિમાગોને તથા ઉજ્જડ થઈ ગએલાં, ઊઝરડાએલાં અને ખાલી ચઢી જવાના કારણે જૂઠ્ઠાં પડી ગએલાં દિલોને તરોતાજા બનાવવા માટે નીચેના લિંકે દર્શાવેલી કંટાળાજનક,સાવ ભંગાર અને વાંચ્યા પછી દુખતા (ઉપર ચઢી ગએલા) માથાને  મટાડવા (નીચે ઊતારવા) માટે માથાની ટીકડી ગળવી પડે તેવી આ હાદનાં રત્નોની આ પરિચયલેખમાળા બીકનો માર્યો મારા બ્લોગ ઉપર આપું છું કે જેથી હાસ્ય દરબારનાધણીધોરીઓની મારે કોઈ ઓશિયાળ રહે નહિ કે તેઓ મારી આ લેખમાળાને પ્રદર્શિત થવા દેશે કે તેનો છેદ ઊડાડી દેશે! નીચેના લિંકે જવાની ઉતાવળ ન કરતાં તેની નીચેના લખાણને સર્વ પ્રથમ વાંચી લેશો.

આ લેખમાળાનાં રત્નોને આગોતરી જાણ કર્યા સિવાય બ્લોગરૂપી આ Showcase માં પ્રદર્શિત કર્યાં છે. આ બધાં રત્નોનો પરિચય આપવામાં પૂરતી કાળજી લેવામાં આવશે કે જેથી ઉભય પક્ષે હસવામાંથી ખસવું ન થાય! આમ છતાંય જે તે રત્ન મને અલગ મેઈલથી જાણ કરશે તો તેવું વાંધાજનક સુધારી લેવામાં આવશે. અહીં નિર્દોષ આનંદને લૂંટવા માટે બહારવટે ચઢવા જેવું છે. આ એવું બહારવટું હશે કે જેમાંકોઈની જાનહાનિ તો શું, માનહાનિ પણ નહિ થાય. શારીરિક અને માનસિક રીતે સાવ અહિંસક એવા આ નકલી બહારવટાના આપ સૌ હાદના વાંચકજનો પુરસ્કર્તા બની રહેશો કે જેથી આગળ જતાં આ લેખમાળા જામે અને સૌને નિર્દોષ અને હળવું મનોરંજન મળી રહે. હું ઊંડે ઊંડે માનું છું કે હું આ એક ખતરનાક ખેલ ખેલવા જઈ રહ્યો છું. અહીં પ્રથમ ભાગમાં જ આપવામાં આવેલી રત્નોની યાદીમાં ધુરંધર વ્યક્તિત્વો છેજેમના વિષે કંઈ પણ લખવા પહેલાં ખૂબ જ સાવધાની વર્તવી પડે. યાદીમાંનાં કેટલાંક રત્નો સાથે મારો પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય ન હોવા છતાં હાસ્યદરબારમાંના તેમના યોગદાનનો અભ્યાસ કરીને કંઈક રસપ્રદ લખવાનો પ્રયત્ન કરીશ. 

માથા કરતાં પાઘડી મોટી થઈ રહી હોઈ હવે આગળ માથે વીંટાળવાનું મુલતવી રાખી અત્રેથી વિરમું છું. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

રાત્રિ (1)

‘કલારત્નયુગ્મની કલાકમાલ’માં પરોક્ષ રીતે ચરિત્રચિત્રણ પામેલા હાસ્યદરબારના આ મહાનુભાવ ભલાભોળા, ધીરગંભીર અને સેવાના ભેખધારી છે. તેઓશ્રી પોતે અને તેમનાં ધર્મપત્ની ગીતાબેન બોસ્ટન (અમેરિકા) ખાતે ડોક્ટર છે. આપ સૌ વાંચકોને યાદ અપાવું તો માધ્યમિક શિક્ષણકાળ દરમિયાન અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકરણે બોસ્ટન ટી પાર્ટી વિષે વાંચ્યું હશે, એ જ આ બોસ્ટન! શ્રી રાજેન્દ્રભાઈ અમદાવાદી હોવા છતાં તમે બોસ્ટન ખાતે તેમના મહેમાન થશો તો અડધી ચાની પાર્ટીના બદલે પૂરી લન્ચ કે ડિનર પાર્ટી માણશો તેની ખોંખારો ખાઈને હું ખાત્રી આપું છું. હું મારી પોતાની પીઠ થાબડતાં કહું છું કે મિ. વલદાના મિત્રો જેવા તેવા ન હોય!

શ્રી સુરદા (સુરેશભાઈ જાની) અને પોતે અમદાવાદ ખાતે કોલેજકાળના મિત્રો હતા. મિત્રાચારીનાં મૂળિયાં ત્યાં નંખાએલાં પણ તેનું વટવૃક્ષ તો અમેરિકા ખાતે છેલ્લાં દસ વર્ષમાં બ્લોગ માધ્યમે વિસ્તર્યું. મિ. સુરદાએ પોતાના બ્લોગ ઉપર રાત્રિને ‘હાસ્ય દરબાર’ થકી સમાવી લીધા. રાત્રિના વર્ડપ્રેસના આ બ્લોગના Id માં ધવલરાજગીરા તેમનો જ બનાવેલો એવો સંયુક્ત શબ્દ છે, જેમાં પોતાનાં કુટુંબીજનોના નામોનો સમાવેશ થયો છે. અંધજનમંડળ, વસ્ત્રાપુર, અમદાવાદના સક્રીય ટ્રસ્ટી એવા ડો. રાજેન્દ્ર ત્રિવેદી અમેરિકા બેઠે સંસ્થા માટે ફંડ મેળવી આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેમની પ્રેરણાથી જ મારા વતન કાણોદરમાંથી અંધજન મંડળ માટે રોકડ દાન ઉપરાંત ચેરિટી શોપ માટેની એક ટ્રક લોડ જેટલી સામગી પણ પહોંચાડવામાં આવી હતી.

મારી પોતાની બાયપાસ સર્જરી વખતે આ ડોક્ટર યુગલે સંયુક્ત રીતે મેઈલ દ્વારા શુભાશિષ પાઠવી હતી. પોતે ન્યુરો ફિઝિશ્યન હોવા છતાં તેમના દર્દે તેમની શરમ ન ભરી અને તાજેતરમાં તેમની સફળ બ્રેઈન સર્જરી થઈ ત્યારે તેમના ચાહકો દ્વારા ચોદિશાએથી તેમના પરત્વે શુભ લાગણીઓ વ્યક્ત થઈ હતી.

હાસ્યદરબારના સંદર્ભે તેમના યોગદાન વિષે એટલું કહી શકાય કે પોતે આ બ્લોગનું તંત્રીપદ તો સંભાળે છે જ, પણ સાથેસાથે પ્રસંગોપાત પોતાના તરફથી હાસ્યને નિરૂપતી અંગ્રેજી/ગુજરાતી/હિંદીમાં વિષય સામગ્રી પણ આપે છે. ત્રણ લાખ નજીકના વાંચકોના આંકડે આવી પહોંચેલો આ બ્લોગ ઈન્ડીબ્લોગર ગુણાંક 80 આસપાસે જ રહે છે, જે તેની સફળતા અને તેની ગુણવત્તાની સ્થિરતાને સૂચવે છે. આ ગુણાંક (Rank) તમામ ભારતીય બ્લોગો પૈકીમાં આવતો હોઈ તેની સિદ્ધિને નાનીસૂની ન ગણાય.

  1.   રાજેન્દ્ર ત્રિવેદી ( ઉપર જણાવેલ )

  2. સુરેશ જાની

  3. હરનિશ જાની

  4. ભરત પંડ્યા

  5. ચીમન  પટેલ ‘ચમન’

  6. મહેન્દ્ર શાહ

  7. હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા

  8. પ્રજ્ઞાજુ વ્યાસ

  9. વલીભાઈ મુસા (વિલિયમ) –‘વલદા’

%d bloggers like this: