હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોકસ – ૮૦

એક ગામડિયો છોકરો અને તેના પિતા જિંદગીમાં પહેલી વાર એક શહેરની મુલાકાતે ગયા. આડાઅવળા રખડ્યા પછી છેવટે તેઓ એક મોલમાં ગયા. મોલમાં તેમણે આશ્ચર્યજનક ઘણું જોયું, પણ એક જગ્યા તેમને વધારે નવાઈ પમાડતી લાગી. સિલ્વર કલરની બે નાનકડી દિવાલો ભેગી થતી હતી અને છૂટી પડતી હતી. છોકરાએ તેના પિતાને પૂછ્યું, ‘પપ્પા, આ શું છે?’ પિતાએ કહ્યું, ‘મેં મારી જિંદગીમાં આ પહેલી વાર જોયું છે. મને ખબર નથી કે એ શું છે!’

બાપદીકરો ઊભાઊભા એ સરકતી દિવાલોને જોઈ રહ્યા હતા, ત્યાં તો એક અપાહિજ જાડી અને વયોવૃદ્ધ સ્ત્રીએ તેની વ્હીલચેરને એ દિવાલો પાસે લાવીને એક બટન દબાવ્યું. થોડી જ વારમાં એ દિવાલો ખૂલી અને પેલી સ્ત્રી તેની વ્હીલચેરને સરકાવીને અંદરની એક નાનકડી ઓરડીમાં દાખલ થઈ. થોડી જ વારમાં પેલી બંને દિવાલો ભિડાઈ ગઈ. પછી તો દિવાલ ઉપર ક્રમસર આંકડા બદલાવા માંડ્યા અને છેલ્લા આંકડા સુધી તેઓ જોતા જ રહ્યા. વળી પાછા એ આંકડા ઊંધા ક્રમમાં બદલાવા માંડ્યા. છેવટે પેલી દિવાલો ખૂલી અને એ જ નાનકડી ઓરડીમાંથી એક ચોવીસેક વર્ષની રૂપાળી યુવતી બહાર આવી. પેલો પિતા તો એ યુવતીને ટીકીટીકીને જોતો જ રહ્યો અને બહુ જ ધીમા અવાજે તેણે તેના દીકરાને કહ્યું, ‘બેટા, તું હાલ તરત જ ગામડે જા અને તારી માને લઈ આવ!’

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

-વલીભાઈ મુસા

* * *

યાદ આવે છે કે? :

જો રમણલાલ મહીપતરામ નીલકંઠનું નાટક ‘રાઈનો પર્વત’ વાંચવામાં આવ્યું હશે તો! એમાં કાયાકલ્પ (વૃદ્ધમાંથી જુવાન થવું) માન્યતાને પ્રયોજવામાં આવી છે. નાટકનો ટૂંક સાર આ પ્રમાણે છે :

“રાજા પર્વતરાયે તેના આગળના રાજા રત્નદીપદેવનો કપટથી વધ કરી રાજગાદી મેળવી છે. રત્નદીપદેવની રાણી અમૃતદેવી રાજ્ય પાછું મેળવવા પોતાના પુત્ર જગદીપ સાથે રાજધાની કનકપુરમાં આવી ત્યાં પોતે માલણ જાલકા અને પુત્ર માળી રાઈને નામે રહે છે. જગદીપ પોતાનો પૂર્વવૃત્તાન્ત કે જાલકા સાથેનો પોતાનો સાચો સંબંધ જાણતો નથી. યુવાન લીલાવતીને પરણેલા વૃદ્ધ રાજા પર્વતરાયને જાલકા એક રાતે, પોતાના રહેઠાણ કિસલવાડીમાં બોલાવે છે. પર્વતરાય તેના સાથી શીતલસિંહ સાથે ત્યા જાય છે, પણ રાઈએ એને પશુ ગણી બાણ મારતાં તે મરણ પામે છે. જાલકાની સૂચનાથી એમ જાહેર કરવામાં આવે છે કે, ‘પર્વતરાય યુવાન થવા માટે એક વૈદ્ય સાથે ભોંયરામાં ઊતર્યા છે, ને ત્યાં કોઈને પેસવાની મનાઈ કરી છે; છ મહિના પછી એ બહાર નીકળશે’. અને નક્કી થાય છે કે છ મહિના પછી રાઈએ જુવાન પર્વતરાય તરીકે જાહેર થવું. આ સમયે જાલકા રાઈને પોતાની સાચી ઓળખાણ આપે છે.

છ મહિના પૂરા થવાની આગલી રાતે શીતલસિંહ રાઈને લીલાવતીના આવાસથી પરિચિત કરવા લઈ જાય છે, ત્યારે રાઈને પહેલી જ વાર ખ્યાલ આવે છે કે પર્વતરાય થવું એટલે પર્વતરાઈની સ્ત્રી લીલાવતીના પણ પતિ થવું, જે તેને અનૈતિક લાગે છે. અંતે મનોમંથન બાદ તે લીલાવતી સમક્ષ તેમજ પ્રજા સમક્ષ પોતાની સાચી ઓળખ છતી કરે છે. પ્રજાજનોને પોતાને માટે યોગ્ય રાજા શોધી લેવા કહે છે, ને પોતે પણ ગાદીનો ઉમેદવાર હોઈ પ્રજા નિષ્પક્ષપાતપણે રાજા પસંદ કરી શકે તે માટે પંદર દિવસ નગર બહાર ચાલ્યો જાય છે. ત્યાં તે, એકાન્ત મહેલમાં રહેતી પર્વતરાયની વિધવા પુત્રી વીણાવતીને અકસ્માતથી બચાવે છે, અને બંને વચ્ચે પ્રેમ થાય છે. લીલાવતીની દાસી મંજરી અને શીતલસિંહ રાજગાદી મેળવવા ખટપટ કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. અંતે લીલાવતી જગદીપ એટલે કે રાઈને તથા વીણાવતીને લગ્ન માટે આશીર્વાદ આપી મરણ પામે છે. અંતે રાઈને અને વીણાવતીને રાજગાદી પ્રાપ્ત થાય છે.” (સૌજન્ય : વિકિપીડિયા)

-વલીભાઈ મુસા (સંયોજક)

સંવર્ધિત જોકસ – ૭૯

એક માણસ આંખોમાં અશ્રુ સાથે પોલિસ સ્ટેશનમાં જઈને જવાબદાર ઓફિસર આગળ ફરિયાદ કરતાં કહે છે, ‘ગઈકાલે મારી પત્ની પૂરની ગમખ્વાર આફતમાં લોકોને સહાય કરવાના સેવાકાર્ય માટે ગઈ હતી, જે હજુ સુધી પાછી ફરી નથી!’

ઓફિસર : તેની ઊંચાઈ કેટલી છે?

ફરિયાદી : મને ચોક્કસ ખબર નથી, પણ કદાચ પાંચેક ફૂટ કરતાં થોડીક વધારે હશે.

ઓફિસર : વજન?

ફરિયાદી : ખબર નથી; પરંતુ પાતળી પણ નહિ અને વધારે પડતી જાડી પણ નહિ.

ઓફિસર : આંખની કીકીનો રંગ?

ફરિયાદી : હું માનું છું કે કદાચ ભૂખરી હોઈ શકે, કેમ કે મેં કદીય ધારી ધારીને તેની આંખો જોઈ નથી.

ઓફિસર : માથાના બાલનો કલર?

ફરિયાદી : વર્ષ દરમિયાન ડાઈ કરીને કોણ જાણે કેટલીય વાર બાલનો કલર બદલતી રહેતી હોય છે, પણ હાલ કદાચ ઘેરો ભૂખરો કલર હોઈ શકે.

ઓફિસર : તેણીનો પોશાક?

ફરિયાદી : પેન્ટ કે પછી સ્કર્ટ અને શોર્ટ્સ. મને ચોક્કસ ખબર નથી.

ઓફિસર : તે કઈ કારમાં ઘરેથી નીકળી હતી?

ફરિયાદી : તે મારી જીપમાં ગઈ હતી.

ઓફિસર : તમારી જીપ કયા મોડલની અને કેવી હતી?

ફરિયાદી (એકી શ્વાસે હીબકાં ભરતાં ભરતાં સડસડાટ બોલી જાય છે) :

It’s a 2010 Rubicon with Sprintex Supercharger with Intercooler, DiabloSport T-1000 Trinity Programmer, Teraflex Falcon 3.3 Shocks ,1350 RE Reel Drive Shafts, Method 105 Bead Locks, Toyo 37″ X 13.5″ Tires, Custom Olympic Off Road Front Bumper, Olympic Off Road Smuggler Rear Bumper with tire carrier, Seward Radius 4s LED Light, Seward 12″ LED Light bar, 50″ LED Light bar with, sPod LED switch pod with Boost gage,, Rigid LED Lights, 15# Power Tank, Rock Hard Cage, Rock Hard Under Armor, Posion Spyder Sliders, Posion Spyder Crusher Fenders, Posion Spyder Evap Armor, Posion Spyder Extreme Duty Trans-Mount Cross Member, Bushwacker rear armor, 5.13 Gears, Magnum 44 Front Axle, Off Road Evolution “C” Gussets, Cobra 75 CB Radio, Warn 10K on Front and 8K Winch on Rear, Bartact Seat Covers, Delta Quad Bar Xenon Headlamps,Tantrum LED Offroad Rock Lights, Teraflex HD Tie Rod, Teraflex Falcon Steering Stabilizer, Teraflex Alpine Long Control Arms Front & Rear, Teraflex 4″ springs, Teraflex JK Performance Slotted Big Rotor Kit, TeraFlex Monster HD Forged Front Adjustable Trackbar, Teraflex Front & Rear Brake Line Kit, Teraflex Bump Stops Front & Rear, Surprise Straps, Hothead Headliner, Teraflex D-44 Diff Covers, Wild Boar Grille, Rigid Ridge Hood, Drake Hood Latch’s & a Tuffy Security Drawer……

આટલું બોલ્યા પછી ફરિયાદી હૈયાફાટ રડી પડે છે. ઓફિસર તેને આંસુ લૂછવા માટે રૂમાલ ધરતાં કહે છે, ‘બસ બસ, દોસ્ત! અમે તમારી જીપ શોધી લઈશું!’

(ભાવાનુવાદ)

Courtesy : Ba-bamail

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સૂરસૂરિયું :

આપણને દુનિયાભરની કામની કે નકામી અઢળક માહિતીઓ જીભવગી હોય છે, પણ આપણાં આપ્તજનો વિષે આપણે ઘણું બધું જાણતાં નથી હોતાં! મારી પૌત્રીની એક સાઉથ ઇન્ડિયન બહેનપણી સાથે આત્મીયતા કેળવવા તેના કુટુંબ અંગેના મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા, તો લગભગ તેના બધા જ જવાબો ‘મને ખબર નથી’થી જ મળ્યા. વધારે અચરજની વાત તો એ બની કે તેને તેના દાદાના નામની પણ ખબર ન હતી. સાઉથ ઇન્ડિયન નામો આમ હોય છે : કે. સી. મરપ્પા, એન. ટી. રામારાવ વગેરે. આમાં મરપ્પા, રામારાવ વગેરે વ્યક્તિનાં પોતાનાં આખાં નામ છે, પણ શરૂઆતનાં બે એકાક્ષરી નામો પૈકી પહેલું જે તે વ્યક્તિના પિતાનું તથા બીજું તેના દાદાનું હોય છે. હવે એ એકાક્ષરી નામોના ફુલ ફોર્મની ઘણાંને ખબર ન પણ હોઈ શકે, તે સ્વાભાવિક છે; જો અને જો માત્ર તેમને વંશવૃક્ષ (Family tree)નો ખ્યાલ ન જ આપવામાં આવ્યો હોય તો!

-વલીભાઈ મુસા

સંવર્ધિત જોકસ – ૭૮

માંડ પંદરેક વર્ષનો એક છોકરો મોંઘી કાર લઈને ઘરે આવ્યો અને માબાપ ચોંકી ઊઠ્યાં. તેમણે પૂછ્યું, ‘તું આ કાર ક્યાંથી લાવ્યો?’

છોકરાએ શાંતિપૂર્વક જવાબ આપ્યો, ‘મેં ખરીદી લીધી છે.’

‘અમને ખબર પડે છે કે આ કારની શી કિંમત હોય! બોલ તો, કેટલામાં ખરીદી?’

‘પંદર ડોલરમાં જ તો વળી!’

‘મૂર્ખ બનાવીશ નહિ. કોઈ આવી મોંઘી કાર પંદર ડોલરમાં વેચતું હશે?’

‘ન માનતાં હો તો આપણા જ મહેલ્લાના છેડે રહેતી એ બાઈ માણસને પૂછી આવો.’

માબાપે તાબડતોબ પેલી બાઈના ઘરે જઈને પૂછપરછ કરી, તો પેલી બાઈએ ઠાવકાઈથી જવાબ આપ્યો, ‘સાચી વાત છે. મેં તેને કાર પંદર જ ડોલરમાં વેચી છે. તે બાઈક ઉપર ફરતો હતો ને!’

પિતાએ કહ્યું, ‘આપણે કોઈ પરિચય પણ નથી અને આમ ઉદાર થવાનું કારણ?’

‘એ કારણ આમ તો અંગત છે, છતાંય મને કહેવામાં વાંધો નથી. સાંભળો, આજે સવારે મારા પતિનો ફોન આવ્યો હતો. હું તો માનતી હતી કે તે ક્યાંક બિઝનેસ ટુર ઉપર ગયો છે, પરંતુ મેં મારી એક મિત્ર પાસેથી જાણ્યું કે તે તેની સેક્રેટરી સાથે મોજ માણવા હવાઈ ટાપુએ ગયો છે. તેણે ફોનમાં આ વાતનું સમર્થન આપ્યું અને વધારામાં કહ્યું કે પેલી લુચ્ચી તેને લૂંટીને ભાગી ગઈ છે. તેને ફોસલાવીને તેનાં બેંક ખાતાંઓના પૈસા પણ તેણે તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. સાવ મુફલિસ હાલતમાં મુકાઈ ગયેલા તેની પાસે હોટલનુ બિલ ચૂકવવાના પણ પૈસા નથી. આમ તેણે કહ્યું કે, ‘મારી કાર વેચી દઈને મને તાત્કાલિક પૈસા મોકલી આપ.’

‘આમ મેં તેની સૂચના પ્રમાણે કાર વેચી દીધી છે! કાર ભલે તેની હોય, પણ વેચી દેવાની સત્તા તો તેણે મને જ આપી દીધી છે ને!’

(યથોચિત ફેરફાર સાથે ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail

* * *

શું લાગે છે? :

એ બાઈ માણસે આક્રોશમાં આવીને તેના માટીડાને પડતા ઉપર પાટું તો નહિ માર્યું હોય! મિત્રો, આ પશ્ચિમી નારી છે; એક કંઈ રોદણાં રડ્યા ન કરે, હોં!

-વલીભાઈ મુસા ( હાસ્ય દરબારી રત્નાંક – ૯)



બાળ જોડકણું!

“બચપન કે દિન ભુલા ન દેના, આજ હસે કલ રુલા ન દેના|’

આ જોડકણું બાળપણમાં આપણે હજારો વાર કહી સંભળાવ્યું હશે અને સાંભળ્યું પણ હશે! કદીય કંટાળ્યા હતા ખરા? તો આજે કંટાળશો ખરા? એ યાદ રહે કે ‘બુઢ્ઢાપન બચપન એક સમાન!’ રહા ન ગયા’ અને તેથી અહીં મુકાયા ગયા!!!

https://www.facebook.com/groups/458055461438781/permalink/922226768354979/?sfnsn=scwshmo

સ્રોત અને સૌજન્ય : હિરેન તન્નારાણા : ફેસબુક (‘મુખપોથી’ – કોઈકે ભદ્રંભદ્રીય પ્રયોજ્યું છે!)

* * *

પાદપૂર્તિ (અહીં ‘પાદ’ને ‘પદ’ પરથી બન્યું હોવાનું સ્વીકારી લેવું, હોં કે! આ તો એક આડવાત છે!) :

પાણી લઈને આંબે રેડ્યું, આંબે મને કેરી આપી

કેરી કેરી ખાઈ ગયા અને એ ગોટલું વધ્યું!!

-વલીભાઈ મુસા

અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો.

ઉત્તર :

(૧) Y

(૨) Y

(૩) Y

(૪) N

(૫) N

(૬) N

(૭) Y

નિયમો :

(૧) જો સંખ્યાના છેલ્લા અંકને ૨ વડે નિ:શેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને ૨ વડે નિ:શેષ ભાગી શકાય.

(૨) જો સંખ્યાના છેલ્લા બે અંકને ૪ વડે નિ:શેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને ૪ વડે નિ:શેષ ભાગી શકાય.

(૩) જો સંખ્યાના છેલ્લા ત્રણ અંકને ૮ વડે નિ:શેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને ૮ વડે નિ:શેષ ભાગી શકાય.

(૪) જો સંખ્યાનો છેલ્લો અંક ૦ અથવા ૫ હોય, તો આખી સંખ્યાને ૫ વડે નિ:શેષ ભાગી શકાય.

(૫) જો સંખ્યાના બધા આંકડાના સરવાળાને ૩ વડે નિ:શેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને ૩ વડે નિ:શેષ ભાગી શકાય.

(૬) જો સંખ્યાના બધા આંકડાના સરવાળાને ૯ વડે નિ:શેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને ૯ વડે નિ:શેષ ભાગી શકાય.

(૭) સંખ્યાના જમણી બાજુના એકમથી શરૂ કરીને ડાબી તરફ એકી ક્રમના આંકડાઓનો સરવાળો અને એ જ પ્રમાણે બેકી ક્રમના આંકડાઓનો સરવાળો એમ અલગ અલગ સરવાળા કરો. આ બંને સરવાળાઓ વચ્ચેના તફાવતને ૧૧ વડે નિ:શેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને ૧૧ વડે નિ:શેષ ભાગી શકાય.

-વલીભાઈ મુસા

* * *

સહયોગીઓ : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) જયંતિભાઈ શાહ (૩) કમલ જોશી

સંવર્ધિત જોક્સ – ૭૭

એક મિત્રે નવી કાર લીધી.

રાત્રે ફ્રી પડ્યા પછી એણે ગ્રુપમાં કાર અને પોતાના ફેમિલી સાથેના ફોટોઝ મૂક્યા.

ગ્રુપના બધા ફ્રેન્ડ્ઝ Congratulationsના મેસેજ મોકલવા માંડ્યા.

એમાં અમારા એક મિત્રે સવારના ઊઠીને આગળની પોસ્ટ વાંચ્યા વગર જ એક સુવિચાર મૂક્યો :

*”ઈમાનદારી”* થી જીવવામાં જ તકલીફ છે સાહેબ…

બાકી, *ટોપી* ફેરવવાવાળા તો ગાડી લઈ ને ફરે છે.”

ગ્રુપ માં હજુ ડખો ચાલુ છે…!!!

સૌજન્ય : આકાશ રાઠોડ (હાસ્યની બે પળ – ક્વોરા)

* * *

બફાટ :

આંધળો સસરો ને સરંગટ (ઘૂંઘટધારી) વહુ,
કથા સાંભળવા ચાલ્યાં સહુ
કીધું કાંઈ ને સમજ્યાં કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું! (અખો)

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

અંકગણિત (Arithmetic) કોયડો – ૮

આ એક લાંબી લચક સંખ્યા છે:

૩૨૮૬૭૮૦૨૫૩૭૩૯૫૮૪૬૪૫૧૨

હવે આ સંખ્યા ઉપર ભાગાકારની મહેનત કર્યા વગર માત્ર સા.બુ. અને/અથવા કોઈક નિયમોના આધારે નીચેના પ્રશ્નોના ‘હા’ કે ‘ના’માં જવાબ આપો. (‘હા’ માટે ‘Y’ અને ના માટે ‘N’ પ્રયોજો.)

નિ:શેષ એટલે ભાગાકાર કરતાં છેલ્લે ૦ શેષ વધે તે

(૧) આ સંખ્યાને ૨ વડે નિ:શેષ ભાગી શકાય ? = Y/N

(૨) આ સંખ્યાને ૪ વડે નિ:શેષ ભાગી શકાય ? = Y/N

(૩) આ સંખ્યાને ૮ વડે નિ:શેષ ભાગી શકાય ? = Y/N

(૪) આ સંખ્યાને ૫ વડે નિ:શેષ ભાગી શકાય ? = Y/N

(૫) આ સંખ્યાને ૩ વડે નિ:શેષ ભાગી શકાય ? = Y/N

(૬) આ સંખ્યાને ૯ વડે નિ:શેષ ભાગી શકાય ? = Y/N

(૭) આ સંખ્યાને ૧૧ વડે નિ:શેષ ભાગી શકાય? = Y/N

નોંધ :-

જવાબ માટે માત્ર પ્રશ્ન નંબર અને સામે Y/N લખો.

-વલીભાઈ (પ્રશ્નકર્તા)

* * *

નિયમોની જાણકારી સાથેનો ઉત્તર અને સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે.

સંવર્ધિત જોકસ – ૭૬

એક કોલેજિયને ઘરે પત્ર લખ્યો :

વહાલાં આપ્તજનો,

મને ખૂબ જ દુ:ખ થાય છે કે મારે પૈસા માટે પત્ર લખવો પડે છે. મને શરમ પણ આવે છે અને વ્યથિત પણ છું. મારે બીજી વખત ૧૦૦ રૂપિયા માગવા પડે છે, જેથી મારા બદનના પ્રત્યેક કોષમાંથી મારી જાત ઉપર નફરતના ભાવ જાગે છે. હું ઘૂંટણિયે પડીને વિનંતી કરું છું કે આપ લોકો મને માફ કરશો.

લિખિતંગ,

તમારો વ્હાલસોયો માર્તંડ

તા.ક. (P.S.)

હું શરમનો માર્યો એવો ભયભીત બની ગયો હતો કે મારા નિવાસના ખૂણામાં આવેલા પોસ્ટના ડબ્બામાંના આ પત્રને લઈ જનાર પોસ્ટમેનની પાછળ હું દોડ્યો. હું આ પત્રને પાછો મેળવીને બાળી નાખવા માગતો હતો. મેં ઈશ્વરને પ્રાર્થના પણ કરી કે મને આ પત્ર પાછો મળી જાય, પરંતુ અફસોસ કે હું ઘણો મોડો પડી ગયો હતો.

થોડાક દિવસો પછી તેના પિતા તરફથી જવાબ મળ્યો :

વહાલા દીકરા,

એક સુખદ સમાચાર કે ઈશ્વરે તારી પ્રાર્થના સ્વીકારી લીધી છે. તારો પત્ર અમને મળ્યો જ નથી.

(ભાવાનુવાદ)

સૌજન્ય : બા-બામેઈલ

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

* * *

ઈશારો :

વ્યંગને સમજાવવાની જરૂર ખરી? જી ના, અકલમંદ કો ઈશારા કાફી હૈ! લખાણમાં ઔચિત્ય આવશ્યક બાબત હોય છે. ઘરડા સિંહની આત્મકથા લખવા બેસીએ અને છેલ્લે એમ લખીએ કે ‘છેવટે હું મરી ગયો અને ગીઘોએ મારા મૃત શરીરને ચૂંથવા માંડ્યું.’, તો કેવું લાગે?

-વલીભાઈ મુસા

સંવર્ધિત જોક્સ – ૭૫

આપણી પાસે તો બે જ પગ છે!

May be an image of text

સૌજન્ય : ચંદુભાઈ ભાવનાણી (ખિલખિલાટ – ફેસબુક)

* * *

એક ઉખાણું યાદ આવે છે ?

એવું કયું પ્રાણી કે જે સવારે ચાર પગે ચાલે, બપોરે બે પગે ચાલે અને સાંજે ત્રણ પગે ચાલે?

. . . . . . .

. . . . . . .

. . . . . . .

. . . . . . .

. . . . . . .

. . . . . . .

જવાબની કોઈ અપેક્ષા ન હોઈ જવાબ નીચે મોજુદ છે :

એરિસ્ટોટલે પણ કહ્યું છે કે મનુષ્ય સામાજિક પ્રાણી છે; તો આનો જવાબ છે, મનુષ્ય! તે બાલ્યાવસ્થામાં ભાંખડિયાંભેર (ચાર પગે) ચાલે, યુવાનીમાં બે પગે અને વૃદ્ધાવસ્થામાં લાકડીના સહારે એટલે કે ત્રણ પગે ચાલે!!!

-વલીભાઈ મુસા (જોક સંવર્ધક)

અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર)

મૂળ કોયડો આ પ્રમાણે હતો :

નીચેના સમીકરણમાં X ની કિંમત શોધો.

 x2 – 2 x = 99820080

* * *

ઉત્તર :

 x = 9992

* * *

સહયોગીઓ : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) જયંતિભાઈ શાહ (૩) બી. જી. ઝવેરી