પ્રભૂ -આ વિષય પર મેં લેખ લખી દીધો છે-જે “કુમાર”માં છપાયો હતો અને મારા હાસ્ય નિબંધ “સુશીલા”માં છે- પ્રતિભાવ આપશો-– હરનિશ જાની
પ્યાર-તકરાર – હરનિશ જાની
====================================================
જયારે પણ હું બે વ્યક્તિને ઝઘડતી જોઉં છું, ત્યારે બહુ હસવું આવે છે. તેમના ગુસ્સામાં મને રમૂજ લાગે છે. મને તે જોવામાં મઝા આવે છે; કારણ કે તે ક્ષણે મારા એકલાની જ બુદ્ધિ ઠેકાણે હોય છે. એ લોકો આવેશમાં શું બોલે છે તેનું ભાન તેમને તો હોતું જ નથી, તેથી ખૂબ રમૂજી સવાલ–જવાબ થાય છે. “તને તારા પૈસાનું ઘમંડ છે. એ જાણું છું.” હવે એ બેમાં કોઈ અંબાણી નથી અને તેમાં કોઈ સ્ત્રી હોય તો ” તું રૂપાળી ખરી ને ! તે વટ મારે છે!” હવે તે બન્નેમાં કોઈ ઐશ્વર્યા રાય નથી. પાસે જો સરીસો હોય તો બતાવાય પણ ખરું કે તે કેટલા રૂપાળા છે! અરીસો પણ નથી હોતો કે તેમને સચ્ચાઈ બતાવી શકું ! હવે તો એવી દશા છે કે મને ઝઘડતી વ્યક્તિઓ જોવાની ગમે છે. ખાસ કરીને તેમના ડાયલોગ સાંભળવાની મઝા આવે છે. મારા જેવાને મનોરંજન મળી રહે છે. એમ થાય કે વિડિયો ઉતારી લઉં.
આ ઝઘડાઓને મનોરંજનનું સ્વરૂપ આપવાની ટ્રેનિંગ મને નાનપણથી જ મળી હતી. સ્કૂલે જતાં મારે માછીવાડમાંથી જવું પડતું. ત્યાં લગભગ રોજ ઝઘડા જોવા મળતા. તેમાં રસ્તાની સામ– સામેનાં ઝૂંપડાંઓની સ્ત્રીઓ લડતી ત્યારે અમે રસ્તા વચ્ચે ટૅનિસ મેચ જોતા હોઈએ તેમ ઘડીકમાં આમ અને ઘડીકમાં તેમ જોતા. તેમની ટૅનિસ બૉલની જેમ ઊછળતી ગાળો સાંભળવા અને સમજવા પ્રયત્ન કરતા. જ્યારે બન્ને પક્ષ એક સાથે ગાળોની જુગલબંધી ચાલુ કરી દેતા ત્યારે કોણ શું બોલે છે તે મને સમજાતું નહોતું. બન્ને તરફથી ઊછળતા હાથોની મુદ્રા સાથે નીકળતી ગાળો અદ્ ભુત શબ્દ–શ્રૃંખલા ઊભી કરતી ! તે પણ અમને સમજાતી નહીં. “તારો રાજિયો કૂટી નાખીશ”; “તારો કાછડો વાળી નાખીશ”; “તારું નખ્ખોદ જાય.” હવે મારી બાને આ શબ્દોના અર્થ પૂછવાની મેં એક વાર ભૂલ કરી હતી. ફક્ત એક વાર જ. મારી સાથેના મારા સાથીઓ સ્કૂલમાં મોડા પડીશું એમ વિચારીને જતા રહેતા; પણ મારી જિજ્ઞાસાવૃત્તિને કારણે હું ઊભો રહેતો. કહેવાની જરૂર નથી કે સ્કૂલમાં હું હમેશાં મોડો પડતો. અને ક્લાસમાં પ્રવેશતી વખતે બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન ન ખેંચાય માટે મારા વર્ગશિક્ષકે મને અંદર પ્રવેશવાની રજા પણ નહીં માગવાની ‘રજા’ આપી હતી. મને એ ઝઘડાનો અંત જોવાની ઇચ્છા થતી. અને ગાળોની આપ–લે વખતે આ ઝઘડાનું કારણ શોધવા પ્રયત્ન કરતો. તેમાં જો કોઈ બાઈ કહેતી કે “તું જો તો ખરી, તારું માથું તોડી નાખું છું.” તો મને થતું કે તે તેનું માથું તોડશે કે નહીં તોડે ? આમાં મેં કોઈ દિવસ છૂટા હાથની મારામારી જોઈ નથી. હા, એક વખતે એક ધણી પોતાની ધણિયાણીને ધોલ–ધપાટ કરતો હતો અને બાઈ માર ખાધે રાખતી હતી. ત્યારે એક રાહદારીને શૂરાતન ચડ્યું અને દોડીને ત્યાં પહોંચી ગયો. તે તો પેલીના પતિને ગડદાપાટુ કરવા માંડ્યો ! “બૈરી પર શૂરો થાય છે ?” પતિ માર ખાતો હતો ત્યાં તેની પત્નીએ લાકડી લીધી અને પેલા રાહદારીને ઝૂડવા માંડ્યો ! માર પડવાથી રાહદારી તો બન્નેને ગાળો દેતો ભાગ્યો. પતિના બરડે હાથ ફેરવતી ફેરવતી પત્ની તેને ઝૂંપડામાં અંદર લઈ ગઈ. મને નથી લાગતું કે આ દંપતીને ‘વેલેન્ટાઈન ડે‘ના મહિમાની ખબર હોય.
મારો આ શોખ તો હવે અમેરિકામાં પણ પોષાય છે. અમેરિકનોથી નહીં; પરંતુ આપણા ગુજરાતી બંધુઓથી. અમેરિકનોને તો મોટેથી બોલતાંય ક્યાં આવડે છે ! તો આપણી જેમ લડતાં તો કયાંથી જ આવડે? એ લોકો વાતોનાં વડાં નથી ઉતારતાં. સીધી પિસ્તોલથી વાતનો નિવેડો લાવી દે છે.
અમેરિકામાં, અમારી બ્રાહ્મણ સમાજની સમિતિમાં જ્યારે દિવાળી પ્રોગ્રામમાં શું જમણ રાખવું તેની ચર્ચા થાય, ત્યારે ખૂબ મઝા આવે. ખાસ કરીને દાળ જોડે વાલ જાય કે તુવેર ? આ ચર્ચામાં મઝા આવે. તેમાં નડિયાદ તરફના સભ્યો તુવેર અને કઢી માંગે. સુરતના બ્રાહ્મણ મિત્રો વાલ, દાળ અને કચોરીની ફેવર કરે. ભાવનગરના સમિતિ સભ્યો સાઈડમાં રોટલો અને છાશ એપ્રુવ કરાવવા મથે. જામનગરવાળા સુખડીની રટ લે. આ દિવાળી મેન્યુ તૈયાર કરતાં કરતાં બાંયો ચડે અને ધારિયાં ઊછળે. આ લોકો ઉશ્કેરાય અને મોટે મોટેથી વઢે ત્યારે હું વચ્ચે મારી બાજુમાં બેઠેલા નડિયાદી મિત્રને ધીમેથી પૂછું કે “વાલથી ગેસ થાય ?” પછી જોઈ લો ! નડિયાદીઓને નવું શસ્ત્ર મળે. આ બધામાં રમૂજી ડાયલોગ પણ આવે. “તમે નડિયાદીઓને ખાતાં શું આવડે ?”; “તમને સુરતીઓને ખાવા સિવાય બીજું શું આવડે ?” પેલા સુખડીવાળાને, એક એંસી વરસના વડીલે કહ્યું કે, “કોઈ દિવસ લાડુ જોયો છે, લાડુ ?” પેલાએ તેમને કહ્યું, “તમે લાડુ સિવાય બીજું કાંઈ જોયું છે ખરું ?” અને બ્રાહ્મણોના ભગવાનની જેમ પેલા વડીલનું ત્રીજું નેત્ર ખૂલ્યું. પેલા વડીલે પેલા ભાઈ માફી નહીં માંગે તો સભાત્યાગ કરવાની ધમકી આપી. બધાએ તેમની માફી માંગી અને કહેવાની જરૂર નથી કે સૌએ વડીલનું મેન્યુ મંજૂર રાખ્યું. આમાં બેકગ્રાઉન્ડમાં રહેલાં સ્ત્રી સભ્યોના મિજાજની વાત તો જણાવી જ નથી. છેવટે ‘ધાર્યું તો દેવીઓનું થાય’ એમ જમણનો ઓર્ડર તો તેમણે જ આપ્યો– ‘શિખંડ, પુરી અને ઊંધિયા’નો.
બ્રાહ્મણ સમાજમાં ઉગ્ર ચર્ચા ધાર્મિક ક્રિયા વખતે થતી. બીજી કોમોમાં લગ્ન કે સત્યનારાયણની પૂજા જેવા પ્રસંગોએ લોકોની વચ્ચે એક જ બ્રાહ્મણ હોય. એટલે એ જે કાંઈ કરે–બોલે એ બ્રહ્મવાક્ય. અરે! લોકોને એમ કે મહારાજ જલદી જલદી પતાવે તો સારું. જ્યારે બ્રાહ્મણ સમાજમાં તો બધા જ ધાર્મિક ક્રિયાઓમાં એક્સપર્ટ ! એટલે એમની ધાર્મિક વિધિ કરાવનાર બ્રાહ્મણનું તો આવી જ બન્યું ! એને માટે તો જાણે અગ્નિપરીક્ષા. સહેજ ભૂલ કરે તો બીજા ચાર બોલી ઊઠે ! અને પછી ચાલુ થાય શાસ્ત્રીય છતાં ઉગ્ર ચર્ચા, જેને હું ઝઘડો કહેતો. કોઈ કહે કે શાસ્ત્રમાં આ પદ્ધતિ આપી છે. કોઈ કહે કે શિવ–પુરાણમાં શંકરની વિધિ આમ બતાવી છે. તેમાં વળી કોઈ ડાહ્યો કહે કે અમારા કુળમાં આ વિધિ આમ જ કરીએ છીએ. આવામાં એક વખત જ્યારે આવી ઉગ્ર ચર્ચા ચાલતી હતી ત્યારે કોઈ જુએ નહીં એ રીતે, યજ્ઞોપવિત–સંસ્કાર આપનારા મહારાજ જ પાછળથી રફુચક્કર થઈ ગયા ! મેં તેમને ભાગતા જોયા હતા. એનાથી મોટી રમૂજ કઈ?
હું હમેશાં કહું છું કે મારો ઊછેર ભારતીય રેલવેમાં થયો છે. આપણી ટ્રેનોનું એક કલ્ચર છે. ટ્રેનમાં મુસાફરીની મોટામાં મોટી ખાસિયત એ છે કે તમે હમેશાં નવા લોકોના સંપર્કમાં આવો. તમારે એ લોકો જોડે બોલવું હોય બોલો, ન બોલવું હોય તો ના બોલો; પરંતુ બોલાચાલી માટે વિવેકનો કોઈ બાધ નથી હોતો. જગ્યા માટે, સામાનને અડકવા માટે, બારી ખોલવા કે બંધ કરવા માટે – આવાં તો કેટલાંય કારણોસર ઝઘડા ચાલુ થાય છે. ઝઘડાનાં અમુક જ કારણો હોવાં જરૂરી નથી. એમાં ત્યાં કોઈ છોકરી હોય તો બીજા કેટલાય વિષયો ઉમેરાય. એક વખતે ગિરદીમાં વલસાડની ટ્રેનમાં ઊભો હતો. ત્યારે હું સુરત કૉલેજમાં ભણતો હતો. અને મારી પાછળ એક આધેડ વયની સ્ત્રી ઊભી હતી. ખેડૂત વર્ગની હશે. ગાડીની સ્પીડને કારણે મને તેના ધક્કા વાગતા હતા. મેં સીધું જ સંભળાવ્યું, “દૂર ઊભી રહે ને, મને ધક્કા લાગે છે.” એટલે એ મને કહે, “તું પાછો બહુ રૂપાળો ખરોને, તે હું તને ધક્કા મારું ! ” મને જવાબ આપતાં જ ન આવડ્યો. અને લોકોને એક મઝાની તકરાર જોવા ન મળી. ભારતીય રેલવે ઝઘડાના ઉદ્યોગને પોષે છે. મારા જેવાને મનોરંજન મળી રહે છે. મને યાદ આવે છે. મહાભારતના સમયથી આ ઝઘડા આજ સુધી ચાલતા આવ્યા છે. દેશો વચ્ચે, ધર્મો વચ્ચે, કુટુંબો વચ્ચે, ઝઘડા હમેશાં રહ્યા છે. પરંતુ જે મઝા બે–ત્રણ વ્યક્તિઓના ઝઘડા વચ્ચે હોય છે, તે કાંઈ ઓર જ હોય છે. પરંતુ મારી આ ઝઘડા માણવાની ટેવે મને એક વાર મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
ગયા વરસે અમે– હું અને મારાં પત્ની– રોમ,ઇટાલિ ગયાં હતાં. શહેરમાં ફરતી બે માળી ‘સાઈટ સીઈંગ’ બસમાં ઉપલા ખુલ્લા માળે અમે બેઠાં હતાં. અમારે દસ મિનિટ થોભવાનું હતું. મેં સામેના ફૂટપાથ પર જોયું તો કાર પાર્કિંગ માટે બે જણ ઝઘડતા હતા. બન્ને સાથે તેમની પત્નીઓ હતી. ઇટાલિયન લોકોની ખાસિયત એ છે કે તેઓ વાતો કરતાં કરતાં શબ્દોની સાથે હાથની મુદ્રાઓ પણ કરતા હોય છે. અને ગુસ્સે થાય તો તે મુદ્રાઓ, મુઠ્ઠીમાં પણ પરીણમે છે. મારે આ લોકોની ભાષા સમજવાની જરૂર નહોતી, બન્ને જણ કાર પાર્કિંગની જગ્યા માટે લડતા હતા. હવે તે જોઈ હું ઉશ્કેરાયો. મને બાળપણમાં જોયેલી માછણોની લડાઈ યાદ આવી. આ વખતે મારી પાસે વિડિયો કેમેરા પણ હતો. અને મેં તો તે ચાલુ કરી દીધો, આ અવસર કંડારવા માટે ! તેમાં એક જણની પત્નીએ પતિને સાથ આપવા બૂમો ચાલુ કરી દીધી, મુક્કાબાજી સાથે. જ્યારે બીજી પત્ની પોતાના પુરૂષને ન લડવા વારતી હતી. તેમાં આવી પોલીસ ! કારમાંથી બે પોલીસ ઊતર્યા. આ લોકોએ પોલીસોને પણ ધક્કે ચઢાવ્યા. તેમની વહારે બીજી પોલીસની કાર આવી. તેમાંથી બે પોલીસ ઊતર્યા. હવે પોલીસે મામલો સંભાળી લીધો. લડનારાઓમાંથી એકે તો પોલીસને પણ ધોલ અને મુક્કા માર્યા હતા ! આ દરમિયાન મારી વિડિયોગ્રાફી તો ચાલુ જ હતી. બસ પર ઉપરના માળે હું ઊભો હતો. એક પોલીસની નજરે હું ચઢી ગયો. તે પોલીસદાદા તો આવ્યા બસ ઉપર. બસને આગળ નહીં જવા ફરમાન કર્યું. ખૂબ વિવેકથી મારો વિડિયો કેમેરા લઈ લીધો. તે કોઈ ઇંગ્લીશ સમજતા નહોતા. બસમાં પણ કોઈ ઇંગ્લીશ બોલતું નહોતું. મને લઈ ગયા પોલીસ–કાર પાસે. ચારે પોલીસમાંથી કોઈ મને આવડતી ગુજરાતી કે ઇંગ્લીશ સમજતું નહોતું. મને ત્યારે સમજાયું કે ઇંગ્લીશ એ કંઈ દુનિયા આખીની ભાષા નથી.તે “આંતર્રાષ્ટ્રિય ભાષા” તરિકે ગુજરાતમાં જ ઓળખાય છે. અમારી બસની ટૂર ગાઈડ ભાંગલું–તૂટલું ઇંગ્લીશ બોલતી હતી. તેને સમયસર બસ ઉપાડવાની ચિંતા હતી. મને એમ કે મેં પોલીસની વિડિયોગ્રાફી કરી તે, સિક્યૂરીટીની દૃષ્ટીએ કદાચ કાયદાભંગ હશે. હું તો કેમેરા પણ આપી દેવા તૈયાર હતો. અને જીવનમાં મને પહેલી વાર હનુમાન–ચાલીસા નહીં આવડવાનો રંજ થયો. હવેથી કોઈ દિવસ કોઈ પણ લડાઈનો વિડિયોગ્રાફી નહીં કરવાની મેં મનોમન પ્રતિજ્ઞા કરી. પેલી ટૂર ગાઇડ મારી વ્હારે ધાઇ. તેણે મને સમજાવ્યું કે પેલા લડતા લોકોમાંથી એકે પોલીસને મુક્કા માર્યા હતા. તેની ફિલ્મ કોર્ટમાં પુરાવા તરીકે પોલીસ વાપરવા માંગે છે. એ જાણ્યા બાદ મારું બ્લડ પ્રેશર જરાક ઓછું થયું. બાજુમાં જ કૉડાક કેમેરા શોપ હતી. ત્યાં તેમણે મારી કેમેરા ચીપની કૉપી કરી લીધી અને મને છૂટો કર્યો. આ ગાળામાં મારા અને ટૂર ગાઈડ માટે બસ, ખાસ્સો અડધો કલાક રોકાઈ હતી. બસમાં બીજા બધા સહેલાણીઓ મારા પર ઊકળતા હતા. આ ગાળામાં મારી પત્નીને તો, તેઓ મને ‘જેલમાં જ પૂરી દેશે અને વેનિસ જવાનું રખડી પડશે” એવા વિચારો આવ્યા હતા.ખાસ કરીને વેનિસ નહીં જવાય તેની ચિંતા હતી. એટલે હું જેવો સીટમાં બેઠો કે મને તેણે નોટિસ આપી, “તું અને તારો કેમેરા, ઘેર પહોંચવા દે ને ! બન્નેને બહાર નાખી આવું છું.”
લખ્યા તારીખ-1st April 2009.
Harnish Jani
4 Pleasant Drive.
Yardville – NJ – 08620 – USA
Email- harnish5@yahoo.com
TeIe – 609-585-0861
વાચકોની ગોલંદાજી!