‘આદિલ’ ઘરેથી નીકળ્યો, મિત્રોને શોધવા
ઓ! દુશ્મની તું ક્યાથી સામી મળી ગઈ?
– સ્વ. આદિલ મન્સુરી
સવારના પહોરમાં કશાક સંદર્ભમાં સ્વ. આદિલ મન્સુરીની એક ગઝલના મત્લાનો આ શેર ગણગણતાં અચાનક જ એ મહાન વિચાર સ્ફૂર્યો. આદિલજીને સ્વર્ગસ્થ કહેવાય? એ જનાબ તો જન્નતમાં ગયા હશે, માટે જન્નતનશીન શબ્દપ્રયોગ વાપરવો ન જોઈએ?
અને તરત આ અદકપાંસળી જીવને બીજો અને વધારે મહત્વનો વિચાર સ્ફૂર્યો. આટલા બધા સ્વર્ગસ્થ કે જન્નત નશીન કે ‘હેવન’વાસી થાય તો શું નરક ઉર્ફે જહન્નમ ઉર્ફે હેલ ખાલીખમ હશે?!
એમ તો કેમ બને? અને પછી નર્કસ્થોનું લિસ્ટ બનવા લાગ્યું. હિટલર, મુસોલિની, ઈદી અમીન, રાવણ, અમીચંદ, મીરજાફર વિ. વિ. અને …..અગણિત, અનામી ગુંડાઓ, ચાંચિયાઓ, રાક્ષસો પણ ખરા જ ને? દુનિયામાં નર્કસ્થ થવાની લાયકાત ધરાવતા ખવીસોની કાંઈ ખોટ છે?!
અને આ લેખનું શિર્ષક જ જોઈ લો ….
નર્કસ્થ ….સુરેશ જાની !
પણ એ તો કદાચ આ જણનું મરણોત્તર સંબોધન થવાનું. હાલ તો નર્કમાં નહીં – પણ આખી દુનિયાના લોકો જ્યાં સ્થળાંતર કરવા તલસે છે તેવા, પૃથ્વી પરના સ્વર્ગ જેવા અમેરિકામાં આ જણ ગુડાણો છે!
ખેર, તમે કહેશો, ‘સવાર સવારમાં પ્રાતઃસ્મરણીય લોકોનાં નામ યાદ કરવાને બદલે નર્કસ્થ લોકોને શીદ યાદ કરવા લાગ્યા?’
પણ આ વિચાર સ્ફૂર્યો એટલે એને જસ્ટિફાય તો કરવો જ રહ્યો ને? ( હવે આ ‘જસ્ટિફાય’ નું ગુજરાતી કોણ કરી દેશે?)
‘આપણે જ હમ્મેશ સાચા.’ એ કદાચ નર્કસ્થ થવાની લાયકાતની એક પાયાની જરૂરિયાત નથી વારૂ?! વળી બધા સ્વર્ગસ્થ થવાની જ લાયકાત ધરાવતા થઈ જાય તો ચિત્રગુપ્તની નોકરીનું શું?! ઉપરવાળાને એ આખી ઓફિસ જ બંધ કરવી પડે ને? અને નર્કની જગ્યાને સ્વર્ગમાં ફેરવવામાં કેટલી બધી કડાકૂટ? વૈતરણીને ગંગા બનાવવી પડે અને થોરિયાંને કલ્પવૃક્ષ અને કરડી કરડીને ટૂકડે ટૂકડા કરી નાંખતા મગર મચ્છોની જગ્યાએ જન્નતની હૂરો …..અને આવું તો ઘણું બધું.
નર્કના પાયાના હોવાપણાનો બીજો એક ફાયદો પણ છે. નર્ક છે તો, સ્વર્ગ માટે ધખારો છે. ધારો કે, આખું વિશ્વ સ્વર્ગ બની જાય તો એમાં મજા જ શી? જીવન માટે કોઈ આદર્શ જ ન રહે. કોઈ ધ્યેય જ નહીં. સત્યના રસ્તા પર આગળ વધતા રહેવાની કોઈ ધગશ જ ન રહે.
જીવનમાં અમૃત જ અમૃત હોય તો?
કદાચ જીવવું ઝેર જેવું ન લાગે?
તમે એક એવી ફિલ્મની કલ્પના કરો કે, જેમાં કોઈ વિલન જ ન હોય. છટ! એવી ફિલમની જ ફિલમ ઊતરી જાય. બોક્સ ઓફિસ પર કાગડા ઊડે! વિલન છે તો હીરો છે! જમણમાં માત્ર બાસુદી, બરફી અને માલપુવા જ હોય તો? કારેલાના શાકની પણ એક લિજ્જત નથી હોતી?
અને સાચું કહો.. એ વિલનોને નર્કસ્થ થવા લાયક બનાવ્યા કોણે? એમની માતાઓએ તો ફૂલ જેવાં કોમળ અને દેવદૂત જેવાં ભૂલકાંઓને જ જન્મ આપ્યો હતો ને? બાળ રાવણ અને બાળ રામમાં કશો ફરક હતો; એવું કયું રામાયણ કહે છે? એ નવજાત શિશુ રામ બનશે કે રાવણ – એને માટે એમની માતાઓ નહીં, આપણે, આપણો સમાજ જ જવાબદાર નથી? ? શું બાળ ઈદી અમીન ને બાળ નેલ્સન મંડેલામાં કોઈ ફરક હતો? એમના જીવનના રસ્તા કયા પરિબળોને પ્રતાપે જૂદી જૂદી દિશાઓમાં ફંટાયા?
આવા પ્રશ્નો પૂછીને હું એમ સ્થાપિત કરવા નથી માંગતો કે, રાવણ આપણી આદર્શ મૂર્તિ હોવી જોઈએ કે, રામ મંદિરના સ્થાને રાવણ મંદિરો બનાવવા માંડવા જોઈએ. માત્ર એટલું જ દીવા જેવું, સત્ય વાચક મહાશયને વિદિત થાય કે, રાવણ વિના રામ પ્રસ્તુત નથી! રાવણ વિના રામાયણ ન સર્જાઈ શકે! શેરીની રોજબરોજની રામાયણોના જનકો આપ નથી – ગળે રૂમાલ બાંધેલા, ગોગલ્સધારી ગુંડાઓ છે!
જો એ નથી તો બધા સામાન્યો જ સામાન્યો! ખેર,એ સામાન્યોમાંથી ગંયાગાંઠ્યા ચમરબંધીઓ – ઉદ્યોગ પતિઓ, રાજ્યકર્તાઓ, ધધુપપૂઓ થવાના. પણ માળુ એ બધા નર્કસ્થ થવાના કે સ્વર્ગસ્થ – એ પણ એક વિચાર કરવા જેવા વાત નથી ?!
ખેર, આદિલજીની જેમ સૌ કોઈ ઘેરથી તો મિત્રો ગોતવા જ નીકળી પડતા હોય છે. પણ ન જાણે કેમ- સામે દુશ્મનો ભેટાઈ જાય છે- અને યુદ્ધો જ યુદ્ધો. આખું આયખું એક સમરાંગણ. હવે આ સદીઓ પુરાણી સમાજ વ્યવસ્થાનો જનક સ્વર્ગસ્થ હશે કે નર્કસ્થ?! બીજી રીતે જોઈએ તો – જો જગતની બધી રચના એ ઉપરવાળાએ કરી છે તો નર્કનો સર્જનહાર પણ ઈવડો ઈ જ ને?
લો! જોઈ લો…
ગુજરાતી નેટ જગતમાં એક માત્ર……
નર્ક-શો
~~~
માત્ર ૧૩ ચિત્રો!
This slideshow requires JavaScript.
જો કે, દાદા ભગવાન તો છાતી ઠોકી ઠોકીને કહે છે કે, ‘એનો કોઈ બાપોય બનાવનાર નથી. એ બધું ‘વ્યવસ્થિત’ છે.”
આમ નર્ક પણ એક વ્યવસ્થિત રચના છે!
નર્કસ્થનું સંબોધન સ્વર્ગસ્થ જેટલું જ પ્રચલિત થવું જોઈએ.
– એ પ્રતિપાદિત થયું
– ઈતિ સિદ્ધમ્ ॥
અને હવે તમારા મનમાં એક સંશય ઊભો કરવા આ લખનાર કદાચ સફળ નીવડ્યો છે-
નર્કસ્થ થવું કે સ્વર્ગસ્થ ?!!!!!!!!!
વાચકોની ગોલંદાજી!