હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: દેવિકા ધ્રૂવ

મળતો નથી….

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી.

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી

-દેવિકા રાહુલ ધ્રૂવ

હળવો ગરબો

(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)

ઝૂમતણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.

મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..

ઊંડું ને ઊંચું કૈં વાંચવાને બદલે,
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.

લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.

આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા લૈ નીકળીએ રે લોલ.

અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.

ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.

માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..

દેવિકા રાહુલ ધ્રુવ

[સ્વાગતમ્, દેવિકાબેન, મારી શીઘ્ર અણઘડ આ કંડિકા થકી : ‘હાદનાં આંગણિયે ભલે પધારિયાં, હાહાકાર સૌ મચાવીએ રે લોલ!’ – વલીભાઈ મુસા]