“ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ફરી પોસ્ટ કર્યું જે હાસ્ય દરબારની શરૂઆત થઇ ત્યારે મારું પ્રથમ કાર્ટુન પબ્લીશ થયેલ. હાસ્ય દરબાર ટીમનો ખૂબ ખૂબ આભાર.
વર્ષો પહેલાંની વાત છે, અમારો ગુજરાતી સમાજ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરે છે, અને દર વર્ષે ભારતથી ગાવાવાળાનું ગ્રુપ સ્પોન્સર કરે છે, સ્કુલનો ઝીમનેશીયમ હોલ ભાડે રાખી એમાં ગરબાનું આયોજન થતું હોય છે, હોલ ખીચો ખીચ ભરાઇ જતો હોય છે, બંને બાજું સ્ટેડીયમ સીટીંગ્ઝ પણ મારા જેવા ગરબા જોવાવાળા અને માણવાવાળાથી ભરાઇ જતી હોય છે, ફુલ બ્લાસ્ટમાં એસી ચાલું હોય, છતાં પણ ગરમી લાગતી હોય છે. ગરબાની રમઝટ પણ ફુલ બ્લાસ્ટમાં ચાલતી હોય છે, અને “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ગરબો લેવાય છે.., મારું કાર્ટુનિસ્ટનું મગજ તો ક્યાંક જુદી દિશામાં માં જ ચાલતું હોય છે, વળી બીજા દિવસની ડેડ લાઇન હોય, લોકો મોંડી રાત્રે ગરબામાંથી ઘરે આવ્યા હોય, છતાં વહેલી સવારે ચાની ચુસકી લેતાં લેતાં ગઈ કાલના ગરબા પર મહેન્દ્ર શાહે કયું કાર્ટુન બનાવ્યું હશે, એ લેપટોપ ખોલી જોવાની ઇંતેજારી રોકી શકતા ના હોય! મારી આ જવાબદારી નાનીસૂની નથી! મોંડી રાત્રે ઘરે આવ્યા પછી પણ પત્નીના કકળાટને ઉપરવટ જઇ ડ્રોંઇંગબોર્ડ પર તો જવાનું જ, આખા ગામની બહેનોને ખુશ રાખવાની ને?
હા, તો “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ ગાવાની શરુઆત થઇ, સ્ટેજ ત્રણ ચાર બહેનો, ત્રણ ચાર ભાઇઓ અને વાજીંત્રો વગાડવાવાળાના કાફલાથી, વાજીંત્રોથી, અને પાછળ પેડસ્ટલ પંખાઓથી ખીચોખીચ. મને એમ થયું કે હોલ ચીક્કાર હોવાને કારણે એસી ફુલ બ્લાસ્ટમાં છે છતાં ગરમી લાગે છે, એટલે ગવૈયાઓની સુવિધા ખાતર સ્ટેજ પર પેડસ્ટલ પંખાની સગવડ કરી છે, અને પંખા ફુલ બ્લાસ્ટમાં ચાલું હોવાથી પવનનો સુસવાટો ગાવાવાળી બહેનો પર પડે છે, અને એના લીધે બહેનોની ઓઢણી ઉડવા માંડે છે ને વારે વારે ઓઢવાનો પ્રયત્ન કરે છે, આ વ્યથા માઈક પર ગરબા ગાતાં ગાતાં પ્રદર્શિત કરે છે!
એ જ સમયે સમાજના કાર્યક્રરોને મેં આમ તેમ દોડાદોડી કરતા જોયા, મને શંકા ગઈ કે જરુર આ કાર્યક્રરો આ ગાવાવાળી બહેનોની વ્યથા ઉકેલવા દોડાદોડી કરતા લાગે છે, વર્ષોના અનુભવે એમને શીખવેલ, કે આ ગાવાવાળાઓનો મુડ કેવો હોય છે? જો જરાક પણ ફટકશે તો હોટલ પર એમના ઉતારે માઈક મૂકી ભાગી જશે! એમની આગતા સ્વાગતામાં જરા પણ કસર આવી તો ખેલ ખતમ! એટલે જ મેં મારું કાર્ટુનિસ્ટ મગજ કામે લગાવી ધારી લીધું કે જરૂર આ વ્યવસ્થાપકો એમના સહ કાર્યક્રરોને કહેતા લાગે છે કે ક્યાંકથી બે ચાર સેફ્ટી પીન્સ લઇ આવો ને, તો આ બહેનોને આપી આવું, અને એમની ઉડતી ઓઢણી અને બ્લાઉઝમાં ખોસે તો ઉડતી ઓઢણી કાબૂમાં આવે ને “ ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.., “ બરાડા પાડી પાડી માઈક પર ના ગાય! હવે આટલી ગીડદીમાં, અને એ પણ મારી જગ્યા જતી રહેવાના ડરે સ્ટેડીયમ સીટીંગ પરથી દસ પગથિયાં ઉતરી સાહસ કરી હું એમને ક્યાં કહેવા જાઉં કે મારી પત્ની પાસે સેફ્ટી પીન્સ છે, એ હંમેશ એની પર્સમાં રાખતી હોય છે, જ્યારે પણ લેડીઝ રૂમમાં જાય, ત્યારે એની બહેનપણીઓ પૂછતી હોય છે, “ અલી, તારી પાસે સેફ્ટી પીન છે?”
આમ “ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..,” કાર્ટુનનો થયો જન્મ!
વાચકોની ગોલંદાજી!