હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્ય હાઈકુ

હાસ્ય હાઈકૂ – ૨

રમેશ પટેલ ( આકાશદીપ)

હસતું બાળ
દાદા બોખા હસાવે
અરીસો હસે

હાસ્ય હાઈકૂ

રમેશ પટેલ ( આકાશ દીપ)

તમે તો હસ્યાં
લપસ્યા, ફસ્યા અમે
ટંગડી ઊંચી
.

ચાલો! ફરીથી હાહાકાર બનીએ

       ઘણો વખત થઈ ગયો એટલે કદાચ આ ‘હાહાકાર’ નહીં સમજાય! માટે સમજાવું.

      અલબત્ત સર્વોત્તમ ‘હાહાકાર’ ની જેમ લાંબી અને મસ્ત મજાની પ્રસ્તાવના લખવાનું આ ‘બચુડા હાહાકાર‘નું ગજું નથી જ.

હાહાકાર = હાસ્ય હાઈકૂ કાર

      હાસ્ય દરબારના દરબારીઓને ‘હાદજન’ કહેવાનો રિવાજ છે. હા-હા-હી-હી થી શરૂ થયેલા આ દરબારમાં હાસ્ય હાઈકૂનો પદ પ્રવેશ કરાવનાર  આ જનાબ છે, જેમનો ઉલ્લેખ  સર્વોત્તમ ‘હાહાકાર’  તરીકે ઉપર કર્યો છે.

Valibhaai musa

શ્રી વલીભાઈ મુસા (વિલિયમ )-“વલદા”

      ભાગ્યેજ કોઈ ગુજરાતી સર્ફર ( સફર કરનાર , Suffer કરનાર નહીં !) એમને નહીં જાણતું હોય. તેમણે અહીં પીરસેલું પહેલું ‘હાહા’ આ રહ્યું  –

ગાલે હથેલી,
મસ્ત અતીત ખ્યાલે,
કે દાઢ કળે ?

૧, એપ્રિલ – ૨૦૧૦ !

[ એની પર થયેલી ચર્ચા અહીં  માણો ]

      આ હાઈકૂ એટલું બધું ચર્ચાયું કે, ‘ હાહા ‘ લખવાનો આપણા ઘરે (!) ચાલ પડી ગયો. અત્યાર સુધીની હાહા – તવારીખ આ રહી. 

       પણ આ તો બહુ જૂની વાત કરી.  હકિકતમાં વાત એમ છે કે,  રોજિંદા ઈમેલ વ્યવહાર વાળા અમુક મિત્રોને લાગ્યું કે, આ નિર્દોષ, મનોરંજક, સર્જનાત્મક અને અલબત્ત ટાઈમ-પાસ પ્રક્રિયા ફરી ચાલુ કરવી જોઈએ. નેટ મિત્ર શ્રી. પી. કે. દાવડા એ આ બીડું ઝડપ્યું છે

.p-k-davda

             ‘નવી ગિલ્લી – નવો  દાવ’ – એ ન્યાયે તેમણે મોકલેલ  નીચેના  ‘હાહા’ થી આ બીજી ઇનિંગની શરૂઆત કરવામાં આવે  છે.

હસતા રહો

તો આનંદમાં જીવો

નહીં તો મરો

चलो ईक बार
फिरसे
हाहाकार बनें !

હાદ – ઇમોટિકોન

ઇ મોટિકોનનું ગુજરાતી શું થાય? – જે થતું હોય તે…

પણ ગુજરાતીમાં આ ‘હાદ કોન’ માણો

hi_hihi_hihi_hi

ઘણા વખત બાદ ‘હાદ’ પર હાહાકાર

ઉનાળાની ગરમીથી ત્રાહિમામ્ છો?  ફિકર ન કરો..

જૂના અને જાણીતા હાહાકાર શ્રી ચીમન પટેલે ઉનાળાને બિરદાવ્યો છે.

અતિ ’સ્નો’ પછી, 
ગમી ગઇ સહુને- 
ગ્રીષ્મ ગરમી !!

ચમન

તા.ક.

‘વેબ ગુર્જરી’વાળાઓએ ગરમાગરમ રસથાળ જેવી ઉનાળા અંગેની રચનાઓની ઈ-બુક બહાર પાડી છે – તેની ઉપર પણ જરા નજર નાંખી દેવા વિનંતી છે.

– અહીં….

‘ઉનાળો’ વરસ્યો, “ગ્રીષ્મવંદના” નામથી !!

હાઇકુ ..ને બે તાન્કા. – ચીમન પટેલ “ચમન”

 

એક (હાસ્ય) હાઇકુઃ

પેટ ભરીને

ખાવા છે પકવાન-

દાંતતો નથી!

 

એક (ધાર્મિક) હાઇકુઃ

મંદિરે ગયો,

હું પહેલી જ વાર-

વિધુર થઈ!

 

એક (માર્મિક) હાઇકુઃ

સમજ આવે

સૌને, માર્ગ ભૂલીને;

પહેલાં નહિ!

        * ચીમન પટેલ “ચમન(0૪જુલાઇ૧૨)

 

બે તાન્કાઃ(હાઇકુમાં બે સાત અક્ષ્રરની લીટીઓ ઉમેરતાં બને છે તાન્કા)

 

કૂતરા ભસે,

જોઇ ને અજાણ્યાને,

બાકી તો નહિ.

ટિકા થાય મિત્રોની,

સત્ય જાણ્યા વગર!

           ***

સાતે ભવમાં

પતિ એ જ મળેની

કરી માગણી-

પરણ્યા પહેલાં તો!

પરણી એ પસ્તાઈ !!

           * ચીમન પટેલ “ચમન(૨૬જુન૧૨)

સંસારઘાણી – હાસ્ય હાઈકુ * વલીભાઈ મુસા

સંસારઘાણી,

વરવધૂ ફેરવે

લગ્નમંડપે!

હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાએલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે. .

લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, એટલે તેમના આ કાર્યમાં સરળતા રહેવા ઉપરાંત સાત જ ફેરા ફરવાના હોઈ ફેરા ફરવાનું કામ જલ્દીથી આટોપાય છે. સપ્તપદીના આ ફેરા જાણે કે એક રિહર્સલ માત્ર જ છે, ખરી સંસારઘાણી ફેરવવાનું કામ તો હવે પછીથી શરૂ થનાર છે. જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જન કરવું, સાંસારિક અન્ય જવાબદારીઓનું વહન કરવું, પ્રજોત્પત્તિ કરવી, તેમનું પાલનપોષણ કરવું વગેરે જવાબદારીઓની ઘાણી જીવનભર ફેરવ્યા જ કરવી પડતી હોય છે.

કૃષિજગતમાં એમ કહેવાય છે કે બળદ પાસેથી ખેતીનું દરેક પ્રકારનું કામ લઈ શકાય, જેમ કે હળે જોતરવા, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જોડવા વગેરે. આમ બળદ પાસેથી ખેતીને લગતાં સઘળાં કામની અદલાબદલી થઈ શકે અને તે દરેક કામ સક્ષમતાથી પાર પણ પાડે. પરંતુ એ જ બળદને જો ઘાણીએ જોતરવામાં આવે તો પછી તે અન્ય કશાય કામનો રહે નહિ. ઘાણીના બળદની દુનિયા સીમિત થઈ જાય છે, તે દિવસરાત ગમે તેટલો ચાલે પણ ઠામનો ઠામ જ રહેતો હોય છે. બસ, આમ જ પતિપત્ની જેવાં સંસારઘાણીએ જોતરાય અને પછી તો જીવનભર તેમણે સંસારઘાણી ફેરવ્યે જ જવી પડતી હોય છે. દાંપત્યજીવનનું આ કઠોર સત્ય છે અને આ સત્યને જીવનભર જીરવવું પડતું હોય છે.

સંવાદિતા, સાહચર્ય, પરસ્પરમયતા, પ્રસન્નતા, સમાજલક્ષી જીવન, પ્રવૃત્તિશીલતા અને ફરી પાછી પ્રારંભની એ જ દૃઢિકરણ માટેની સંવાદિતા એવાં આ સાતેય સૂત્રોમાં પતિ-પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવું સમાયોજન હોવું જોઇએ તથા તે માટે કેવી રીતે જીવવું જોઇએ તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે અને આડકતરી રીતે એવું પણ કહેવાયું છે કે આ બધું સાથે મળીને જ થઇ શકે. આમ સંસારઘાણીએ જોતરાએલાં ઉભય પતિપત્નીએ કદમ મિલાવીને પરસ્પરના સહયોગથી જીવવાનું હોય છે. સુખમય દાંપત્યજીવન સંવાદિતા ઉપર આધારિત છે, જરા સરખી પણ વિસંવાદિતા જીવનને ઝેર બનાવવા સમર્થ નીવડતી હોય છે. 

-વલીભાઈ મુસા

My Parent BlogWilliam’s Tales (A Bilingual Blog by Valibhai Musa)

URL (Active)  http://musawilliam.wordpress.com

My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (Gujarati) (By Valibhai Musa)
URL (Active) – http://williammusa.wordpress.com

My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (English) (By Valibhai Musa)
URL (Active) – http://williamnmusa.wordpress.com

દેવુની પારૂ – હાસ્ય હાઈકુ – વલીભાઈ મુસા

દેવુની પારૂ

પ્લાસ્ટિક સર્જરીથી

ઘાવ રૂઝાવે!

=====================================

શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા ‘દેવદાસ’ ઉપર

આધારિત અને એ જ ‘દેવદાસ’ શીર્ષકે અનેક ભાષાઓમાં બનેલી,

પણ એકલી હિંદીમાં જ ચાર વખત બનેલી આ કરૂણાંતિકા ફિલ્મના

એક દૃશ્યની પશ્ચાદભૂમિકાએ રચાએલું આ હાઈકુ છે.

1935 થી 2002 સુધીમાં પી.સી.બરૂઆ, કંદનલાલ સહગલ,

દિલીપકુમાર (યુસુફભાઈ) અને શાહરૂખખાને ‘દેવદાસ’ પાત્રની

ભૂમિકા નિભાવી હતી.

‘ગુજરાત સમાચાર’ની સાપ્તાહિક ‘ચિત્રલોક’ પૂર્તિમાં અશોક

દવેના આ લખાણે મારા હાઈકુની પૂર્વભૂમિકા સમજાશે –

“બીજે પરણી જતી પારો દેવદાસને નદીકિનારે મળે છે, ત્યારે

બંને વચ્ચે છુપા ક્રોધની આપ-લે થાય છે, જેમાં પારો કહે છે,

તું ફક્ત બુદ્ધિશાળી જ છે, જ્યારે હું તો સુંદર પણ છું. ‘ઇતના અહંકાર.? ઇતના

અહંકાર અચ્છા નહિ’ એમ કહીને દેવદાસ પારોના ચેહરા ઉપર

સોટી ફટકારી દે છે, જેથી આટલા લાવણ્યમય રૂપ ઉપર એક

દાગ રહી જાય અને ભવિષ્યમાં પારો જેટલીવાર અરીસો જુએ,

એટલી વાર એના ‘દેવા’ને યાદ કરે!”.

રવીન્દ્રનાથ ટાગોરના સમકાલીન એવા આ નવલકથાના લેખકના

જમાનામાં મેડિક્લ સાયન્સમાં કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જરિની

સારવાર પદ્ધતિ અમલમાં હશે કે કેમ તેની તો આપણને ખબર

નથી, પણ અહીં માની લેવામાં આવ્યું છે કે પારૂના કપાળમાં

સેંથાના ભાગે સોટીથી પડેલા નિશાનને મિટાવવા પ્લાસ્સ્ટિક

સર્જરિનો સહારો લેવાય છે. આમ દેવાની લાંબા ગાળાની અને

જીવનભર પારૂના મનમાં પોતાની યાદ તાજી રહેશે તેવી ધારણા

ખોટી પડે છે.

-વલીભાઈ મુસા

My Parent Blog – William’s Tales (A Bilingual Blog by Valibhai Musa) URL (Active) – http://musawilliam.wordpress.com

My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (Gujarati) (By Valibhai Musa) URL (Active) – http://williammusa.wordpress.com

My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (English) (By Valibhai Musa) URL (Active) – http://williamnmusa.wordpress.com

ઉરે પાલવ – * હાસ્ય હાઈકુ – વલીભાઈ મુસા

ઉરે પાલવ,

લાળ ટપકતી શું!

હવે થ્યાં મોટાં!


સાહિત્યના નવ રસ પૈકી સામાન્યત: ભોક્તાઓને વધુ પ્રિય એવા બે રસનો આ હાઈકુમાં સંગમ થએલો છે. હાઈકુ રસદર્શનના આ લઘુ લેખના શીર્ષકે ‘હાસ્યરસ’નો ઉલ્લેખ તો છે જ, પણ બીજો જે છે તે ‘શૃંગારરસ’ છે. આ બંનેના પેટાપ્રકારોમાં થોડાક ઊંડા ઊતરીએ તો હાસ્યરસના ‘સૂક્ષ્મ’ અને ‘સ્થૂળ’ તથા શૃંગારરસના ‘સંભોગ (મિલન)’ અને ‘વિપ્રલંભ (વિરહ)’ એવા બબ્બે પ્રકારો બને છે. આપણા ચર્ચાની એરણે મુકાએલા આ હાઈકુમાં સૂક્ષ્મ હાસ્યરસ અને સંભોગ (મિલન) શૃંગારરસ છે. મારા સુજ્ઞ વાંચકો મને માફ કરશે, કેમ કે સાહિત્યના રસશાસ્ત્રની આપની પાસે જાણકારી હોવા છતાં મારી આ ચર્ચાને તમારે પુન: વાંચવી પડી છે. જેમને રસશાસ્ત્ર વિષેની આ મહિતી નવીન લાગવાના કારણે વાંચવામાં રસ પડ્યો હોય તેમણે પોતાને અજ્ઞ માનવાની કોઈ જરૂર નથી; કેમ કે સર્વ જન કદીય સર્વજ્ઞ હોઈ શકે નહિ! સાહિત્યના નવ રસ “શૃંગાર, કરુણ, વીર, હાસ્ય, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદભુત અને શાંત”ની યાદી દ્વારા આપના જ્ઞાનમાં વૃદ્ધિ કરીને મારા આ લેખમાં હવે હું આગળ વધું છું.

હાઈકુના વાચ્યાર્થ ઉપર જઈએ તો હાઈકુનો નાયક પોતાની પ્રિયતમાના વક્ષ:સ્થળ (Breast of woman) ઉપરના તેણે પરિધાન કરેલી સાડીના પાલવ (Loose end of sari) ને જોઈને મજાક કરે છે કે નાના બાળકોની જેમ મોંમાંથી લાળ (Spittle) ટપકે છે કે શું, કે જેથી કરીને તેઉના ‘લાળિયા’ની જેમ તેણીએ છાતી ઉપર પાલવ નાખવો પડ્યો છે! વળી એ જ મજાકને આગળ લંબાવતાં પ્રિયતમ તેણીને હળવો ઉપાલંભ (ઠપકો) આપતાં કહે છે કે જો ‘લાળિયા’ તરીકે પાલવ ધારણ થયો હોય તો તેણે સમજી લેવું જોઈએ કે તેણી હવે બાળકી રહી નથી અને મોટી થઈ ગઈ હોઈ હવે એ ‘લાળિયા’નો કોઈ અર્થ રહેતો નથી!

પરંતુ આ હાઈકુના વ્યંજનાર્થમાં થોડાક ઊંડા ઊતરીએ તો આપણને એમ લાગશે કે પ્રિયતમ પોતાના મુખેથી ખરતાં પ્રીતશબ્દો રૂપી પુષ્પો વડે પ્રિયતમાના હૃદય રૂપી પાલવને પણ ભરી દે છે! છાતી ઉપર સાડીનો પાલવ ધારણ કરવો એ તો નારીની વસ્ત્રપરિધાનની બાહ્ય મર્યાદાનો એક ભાગ છે અને તેથી નાયક ‘હવે થ્યાં મોટાં’ શબ્દો થકી તેણીનો પાલવ દૂર કરાવવા માગતો નથી: પણ, ઊલટાનો એ કથનમાંના પરોક્ષ ભાવે તો તેણીના ઉરમાં પ્રણયરસ જગાડીને તે એમ સૂચવવા માગે છે કે એ પ્રણયની લાળને પેલા ‘લાળિયા’ની જેમ અંતરમાં શોષાઈ જવા દેવાના બદલે ખુલ્લી રીતે અભિવ્યક્ત થવા દેવી જોઈએ! એ ઈશ્કને હૃદયપાલવડે ઢાંકી દેવાના બદલે ખુલ્લો જાહેર કરી દેવો જોઈએ! હવે તેણીએ શારીરિક પુખ્તતા અને માનસિક પરિપક્વતા ધારણ કર્યાં હોઈ પોતાના પોતાના પ્યારનો ઈઝહાર* કરી દેવો જોઈએ! એ પ્યારને જિગરમાં દબાવી રાખવાના બદલે તેનો ઢંઢેરો પિટાઈ જવો જોઈએ, હવે એ પ્રેમ તેમનાં લગ્નમાં પરિણમવો જોઈએ; તેમણે સત્વરે બેમાંથી એક થઈ જઈને પછી કેટલોક સમય દાંપત્યજીવનને માણી લીધા બાદ પછી સીધાં જ ત્રણ થઈ જવું જોઈએ અને Twin ના સંજોગોમાં ભાગ્યની બલિહારીએ તેઓ ચાર પણ થઈ શકે છે!!!

-વલીભાઈ મુસા

*જાહેરાત

My Parent BlogWilliam’s Tales

(A Bilingual Blog by Valibhai Musa)

URL (Active)  http://musawilliam.wordpress.comMy Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (Gujarati)

(By Valibhai Musa)
URL (Active) – http://williammusa.wordpress.com
My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks
(English) (By Valibhai Musa)
URL (Active) – http://williamnmusa.wordpress.com

દૃષ્ટિકેમેરે – હાસ્ય હાઈકુ -વલીભાઈ મુસાદૃષ્ટિકેમેરે,

થઈ ફ્લેશગન તું,

આંજે મુજને!

Photographyના ગુજરાતીમાં ભાષાંતરીય અને ભદ્રંભદ્રીય શબ્દો થાય ‘છબીકલા’ કે ‘તસ્વીરકલા’. રોજિંદાં ઉપયોગી અવનવાં ઉપકરણોમાં ક્રાંતિકારી પરિવર્તનો આવતાં જાય છે. સ્ટુડિયોમાં કેમેરાથી ફોટોગ્રાફ લેવાતો હોય તો લાઈટની વ્યવસ્થા હોય, પરંતુ Outdoor ફોટોગ્રાફીમાં કેમેરા સાથે ફ્લેશગન જોડાએલી હોય છે. ફોટો લેતી વખતે ક્લિક કરતાંની સાથે જ ફ્લેશગનનો ચમકારો થાય અને પરિણામે જેનો ફોટો લેવામાં આવતો હોય તે વ્યક્તિ કે દૃશ્ય બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે. આ ચમકારાથી સામે જો કોઈ વ્યક્તિ હોય તો તેની આંખો અંજાઈ જતાં બંધ થઈ જતી હોય છે અને ફરી ફોટો લેવો પડતો હોય છે.

આ બધી તો ફોટોગ્રાફી વિષેની વાત થઈ, પણ આપણા આ હાસ્ય હાઈકુમાં તો હાઈકુનાયકની કોઈક જુદી જ વાત છે. હાઈકુનાયકની પાસે પેલો સાધનિક કેમેરો નથી, પણ પોતાની પાસે દૃષ્ટિ રૂપી કેમેરો છે. આ કેમેરામાં ફ્લેશગન નથી, પણ સામેની હાઈકુનાયિકા પોતે જ જાણે કે ફ્લેશગન હોય તે રીતે તેના ચહેરામાંથી એવું જાજ્વલ્ય પ્રગટે છે કે જેથી હાઈકુનાયકંની આંખો અંજાઈ જતાં બંધ થઈ જાય છે, જેના પરિણામે પોતાના દૃષ્ટિકેમેરામાં નાયિકાની તસ્વીર ઝીલાતી નથી.

આમ અહીં ‘શિકાર કરનેવાલા ખુદ શિકાર હો ગય!’ જેવી સ્થિતિ નિર્માણ પામે છે. માશુક પોતાના દૃષ્ટિકેમેરામાં માશુકાના ચહેરાને ઝડપી લેવા માગે છે, એટલા માટે કે પોતે જ્યારે પણ ઈચ્છે ત્યારે તેનો વિચાર માત્ર કરતાં તેને પ્રત્યક્ષ નિહાળી શકે. તેની અપેક્ષા તો એવી છે કે ચર્મચક્ષુમાં ઝીલાએલી તસ્વીર અંત:ચક્ષુમાં એવી તો ઊંડી ઊતરી જાય કે તે કદીય વિસરાય નહિ! પણ, અફસોસ! માશુકનાં ચક્ષુઓમાં અંધકારના ઓળા ઊતરી આવે છે અને માશુકાનો ચહેરો ઓઝલ થઈ જાય છે.

-વલીભાઈ મુસા

My Parent BlogWilliam’s Tales (A Bilingual Blog by Valibhai Musa)URL (Active)  http://musawilliam.wordpress.com


My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks (Gujarati)
(By Valibhai Musa)

URL (Active) – http://williammusa.wordpress.com


My Sub (Offspring) Blog – William’s Preparatory Ebooks
(English) (By Valibhai Musa)
URL (Active) – http://williamnmusa.wordpress.com