હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્ય લેખ

કેલરીનું કૌભાંડ – શ્રી. દિપક બુચ

શ્રીમતીજીએ કહ્યું (૧) :”આ ટ્રાફિક વધી ગયો અને ફૂટપાથ પણ ન કરી તેથી હવે આપણું સાંજે ચાલવા જવાનું પણ ટળ્યું.આપણી નજીક જ જીમ ખુલ્યું છે તેમાં સવારે,વહેલા જઈએ તો?
મેં કહ્યું (૨) : “સુદામા જેવું થવું હોય તે જીમમાં જાય.!
અને વહેલી સવારની તો, વાત જ ન કરતી. સવારે વહેલા આંખ ઉઘડે અને ‘હજી પાંચ મિનીટ સુઈ લઉં’ તેમ કરતાં પચાસ મિનીટ નીકળી જાય છે તેમ, રાતે ‘બે મિનીટ’ વોટ્સેપમાં જોઈ લઉં તેમ કરું છું તો બાસઠ મિનીટ નીકળી જાય છે, તેને લીધે મારી બેટરી ચાર્જ થઇ જાય છે અને પછી માંડ ઊંઘ આવે છે!
(૧) : “ આપણે હવે મોટા થયા એટલે તબિયત તો જાળવવી પડેને? આપણે એમ કરીએ તો કે વોટ્સેપમાં હેલ્થની ઘણી બધી ટીપ્સ આવે છે તે અનુસરીને હેલ્થ મેઇન્ટેઇન કરીએ.
(૨) : એમ ટીપ્સના ટીપે ટીપે તંદુરસ્તી થોડી જળવાય?!
(૧) : “હું કહું તે તો તમારે માનવું જ નથી, કાઈ નહીં; જવા દો “
(૨)   :” લગ્ન પછી તારું માની માની ને જ, આટલા બર્થડે ઉજવ્યા ને? ચાલ, નારાજ ન થા,બોલ શું કરશું?
(૧) :” મેં વાંચ્યું’તું કે કેલેરીનું ધ્યાન રાખીએ તો વાંધો ન આવે.. એક દિવસમાં તમારે પુરુષ લોકોને ૨૫૦૦ અને અમારે સ્ત્રીઓને ૨૦૦૦ કેલેરીની જરૂર પડે, તેમ આપણો ખોરાક એડજેસ્ટ કરી શકાય..
(૨) : ઓકે, મારી સેલેરીનું તો સદાય તેં જ “ધ્યાન” રાખ્યું હતું તેમ આ કેલેરીનુંય રાખી લેજે! વળી તારી જેમ ડીટેઇલમાં તો નહી, પણ ઉપ્પરછલ્લું વાંચ્યું’તું કે માત્ર કેલેરી “અર્ન” જ નહીં, “બર્ન” નું પણ ધ્યાન રાખવું પડે…! સહેલું નથી, વેપારીની જેમ ત્રાજવે તોળીને-તોળીને, માપી-માપીને બધું ખાવું-પીવું પડે.”
(૧) :” તમારી વાત સાચી. (જવલ્લેજ સાંભળવા મળતું આ વાક્ય સાંભળી મારું મન ઝૂમી ઉઠ્યું !). આપણે નિરાંતે બેસીને, એકવાર સવારથી રાતનું ખાવા-પીવા માટેનું ટાઈમ-ટેબલ બનાવી લઈએ. પછી કેલેરી ગણી-ગણીને ખોરાક લેવાનો જેથી આપણે “બર્ન” ની ચિંતા જ ન રહે ને માત્ર “અર્ન” જ કર્યા કરવાનું…!
(૨) : તારા થોટ્સ ગજબના છે, નિરાંતે ખાવું-પીવું ને “બર્ન”ની તો, તેં કીધું તે મુજબ ચિંતા જ નહી! વાહ; જીમ પણ ટળે..ને…બાપુ,
તો-તો જામે હો, ટાઈમ-ટેબલ ને ટેબ્લેટ..જામવાનું સોશિઅલ મીડિયામાં…!
(૧) ; “ હવે અત્યારે તમેં ક્યાં ઓછું ટીપો છો? જયારે જોઉં ત્યારે, બગલો માછલી પકડવા એકાગ્ર હોય તેમ તમે મંડ્યા જ હો છો,માથું ઘાલીને ટેબ્લેટમાં.
ભૂલી ગ્યા? ડોકટરે તમને સ્પોન્ડેલાઈટીસ માટે, તે પણ એક કારણ કહ્યું’તું ?!
(૨) : “ એ તો આઈનસ્ટાઇનની થીઅરી ઓફ રીલેટીવીટી જેવું છે..! ( હું સાયન્સ ગ્રેજ્યુએટ એટલે થયું આ શબ્દ વાપરું જેથી પત્ની તે અંગેની અજ્ઞાનતાવશતાને કારણે  થોડી “રેંજ”માં રહે.!
જો કે ભલભલાને ત્યારે અને અમુકને તો અત્યારે પણ, તે થીઅરી સમજમાં આવી નથી…!) તે થિયરી પ્રમાણે, તને એમ લાગે કે હું “વોટ્સેપ્યું-વોટ્સેપ્યું” રમું છું જ્યારે મને પણ એમ લાગે કે તું “વોટ્સેપ્યું-વોટ્સેપ્યું ” રમે છે…! જવા દે એ બધું, કામની વાત કરીએ.
પછી તો મૂડમાં આવી ગયેલ પત્નીએ, વોટ્સેપમાં પુરતું “સિલેબસ” ન મળતા ડાયેટીશ્યનના કોર્સની કેટલીક ચોપડીઓ પણ ખરીદી ને વસાવી. ઉપરાંત માપ-તોલના કેટલાંક સાધનો પણ..!
ટાઈમ-ટેબલ બની ગયું અને અમલમાં મુકાઈ ગયું.
સામાન્યત: મને સવારથી– “મોર્નિંગ બ્રેકફાસ્ટ,લંચ અને ડીનર” માટે નીચે મુજબની સૂચનાઓ મળતી રહેતી જેનો મારે  ચૂસ્તપણે અમલ કરવો પડતો. વચ્ચે એક દાણો પણ, ન લેવાની મુખ્ય શરત હતી.
એકજ ઉદાહરણ પૂરતું છે…પછી ખાવા પીવાની ‘ઘરેડ-પરેડ’ એજ પ્રમાણે ચાલી:
“ પોણું ટમેટું જ લેજો,તેમાં દોઢ ઇંચ ગાજરના નાના ટુકડાઓ તેમજ કોબીચના નાના દોઢ પાન કાતરી ને નાખજો, આમ તો ન ખવાય, પણ તમને શોખ એટલે મરચાના પાંચ મીલીમીટરના છ ટુકડા નાખજો ને આંખમાં કણું પડે તેટલું જ મીઠું..! ઇઠ્યોતેર ગ્રામ ઓટ્સ મેં ૨૮૦ મીલીલીટર દુધમાં પલાળી દીધા છે. બસ તે, અને તમે બનાવેલ કચુંબર ખાજો,પછી પાણી બિલકુલ ન પીતા.આટલું ખાશો તો પણ, સવારમાં જ તમારી ૨૩૯ કેલેરી ‘અર્ન’ થઇ  જશે.”
ભણવામાં દરેક ધોરણમાં, દર વર્ષે; માત્ર ચાર પાંચ દિવસ જ ભૂમિતિના પીરીયડ આવતા; ત્યારે જ ફૂટપટ્ટી વાપરતો, બાકી, બીજી ચોપડીની મદદથી સીધી લીટી દોરતો..હવે તો સાલું, તે જ ફૂટપટ્ટી સાથે રોજનો પનારો પડ્યો.!
ડાયેટ અનુસાર જ શાક-પાન અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવાની હોવાથી, દરરોજ ખરીદી માટેની “ચિઠ્ઠીના ચાકર”ની જવાબદારીમાંથી પણ “વીઆરએસ” મળી ગયું..!
 એક ભાઈને “વીઆરએસ” જચ્યું નહોતું, ઓફીસ કરતાં ઘરમાં વધારે માથાકૂટ હતી, તેથી મને કહેતા; “વીઆરએસ” એટલે તેવો નિર્ણય લેવા માટે હવે લાગે છે: “We are Ass..!”
આમ તો “ચટપટો લારીયો જીવ “ એટલે આવા “લોચાપોચા” ડાયેટના કંટાળાથી મનમાં થતું “કેલેરી ગઈ કોડિયામાં” અને કેલેરીયો કેડો ચાતરવા, કોઈકવાર શ્રીમતીજીને કહેતો: “હમણા  થોડા દીવસથી, મને એવું ફિલ થાય છે કે કેલરી “સરપ્લસ” થઇ ગઈ છે..! ચાલીને “બર્ન” કરી આવું, થોડી?”!
“”કંટ્રોલર ઓફ કેલેરીઝ-અર્ન એન્ડ બર્ન”” જેવાં શ્રીમતીજી, કેલેરીનું નામ પડતાં; તરત જ રજા ગ્રાન્ટ કરતાં. પછી હું બહાર જઈ, કોઈ જોઈને કહી ન દે તે માટે; લારી પાસેના ઝાડના થડની ઓથે ફાફડા-જલેબી સાથે મરચાં કરડતો…! ને કેલેરીનાં આવા કૌભાંડ આચરતો રહું છું..! નસીબદાર છું કે હજી કોઈ ‘તપાસપંચ’ નિમાયું નથી. “હિંમતે ભાયડા,તો મદદે ફાફડા..!!!
 –  દિપક બુચ (dp); અમદાવાદ; 
તા. ૧૪-૪-૨૦૧૮.

Dipak_Buch
 ભલે  દિપક ભાઈએ આમ વિનોદ કરાવ્યો , પણ તેમની સાચી ઓળખ એક સેવાધારી વયસ્કની છે. નિવૃત્ત થયા બાદ તેમણે તેર વર્ષથી સાવ નિસ્વાર્થ ધૂણી ધખાવી છે. એ અંગે વિશેષ…..
ddvp

આ લોગો પર ક્લિક કરી એ પરબનાં પાણી ચાખો…

      અમદાવાદની એક કરોડને આંબી જતી વસ્તીમાં કમ સે કમ એક લાખ આવા નિવૃત્ત વયસ્કો હશે જ. એમાંથી ફક્ત ૧૦૦ જ  વયસ્કો દિપક ભાઈ અને મજરી બહેનના આ ધૂણા પરથી પ્રેરણા લઈ , માત્ર ૧૦ જ છેવાડાનાં કુટુમ્બનાં બાળકોને આમ સાચી રાહે ચઢાવે તો?

      ૧,૦૦૦ બાળકો ધૂળમાં રગદોળાતું ફૂલ મટીને મંદિરમાં કોઈ મૂર્તિને શોભા આપી શકે, તેવાં જીવન ગુજારતાં થાય.

Advertisements

PGL – વલી ભાઈ મુસા

અગત્યની નોંધ – 

વલીભાઈ મુસા PGL ના લેખક છે. PGL નથી જ.

(૧) અપવાદ

ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી.

ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, બીજા પક્ષે મારા સિવાય બધાં જ હતાં. નવાઈની વાત હતી કે પ્રોફેસર ગુજરાતી માધ્યમના હિમાયતી હતા. તેઓશ્રી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, પણ અંગ્રેજીમાં એક વિષય તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું. તેમનાં સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યાં હતાં. પોતાની નોકરીના સમય સિવાયના પોતાના દૈનિક જીવનમાં પોતે ચુસ્ત રીતે માતૃભાષાને જ પ્રાધાન્ય આપતા હતા.

સામેના પક્ષે બધાંયની હૈયાવરાળ એ હતી કે ઉચ્ચતમ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીભાષી ઉમેદવારો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ઉમેદવારો સામે શરમજનક રીતે પરાજય પામતા હોય છે. વળી આજકાલ વૈશ્વિકરણના માહોલમાં પશ્ચિમના દેશોમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી.

ચર્ચા અધૂરી હતી અને પ્રોફેસરશ્રીનું સ્ટેશન આવી જતાં તેઓ પોતાની હેન્ડબેગ લઈને દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઓચિંતી મારી નજર તેમની બેગ ઉપરના લખાણ P.G.L. ઉપર પડી. મેં મારું મૌન તોડતાં તેમને કહ્યું, ‘મિ. પ્રોફેસર, હાથીની જેમ બે જાતના દાંત ન રખાય! આ શું છે?’

પ્રોફેસરે સ્મિતસહ કહ્યું, ’મારા માટે આ જ અપવાદ છે. મારું નામ પાર્થ ગણેશ લખતરિયા છે.’

wegu_logo

આ લોગો પર ક્લિક કરો

 

હું થોડો ગાંડો થયો છું ! – જ્યોતીન્દ્ર હ. દવે

સાભાર – રીડ ગુજરાતી 

આખા લેખ માટે અહીં ક્લિક કરો     

      ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.

      દર શનિવારે ધનસુખલાલ એને મળવા જતા. હું તે વેળા કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો, તે શાળાની સામે જ આવેલી એક દુકાનમાંથી જલેબી અને ગાંઠિયા કે એવું કોઈક ચવાણું લઈને પત્નીને આપવા સારુ એ ‘મેન્ટલ હોમ’માં જતા. એક વાર એ વિષે વાત નીકળતાં મેં એમને પૂછ્યું. “તને આમ દર અઠવાડિયે ત્યાં જતાં કંટાળો નથી આવતો? તમને એ ઓળખઈ શકે છે ખરી?”

      “અરે ! બરાબર ઓળખે છે. મને દેખે છે એટલે દોડતી સામે આવે છે અને જે કંઈ હાથમાં આવે છે તે છૂટું મારા પર ફેંકે છે. સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું પણ ખરું કે, તમને જોઈને એ ઉશ્કેરાય જાય છે; તમે ન આવતા હો તો? અહીં એની ખાવાપીવાનો પ્રબંધ અમે કરીએ છીએ.”

      “ત્યારે જાઓ છો શું કામ?” મેં પૂછ્યું.

      “અરે ! એમ કંઈ થાય? એ તો ગાંડી થઈ ગઈ છે. મને ભલે ભૂલી જાય. પણ હું થોડો ગાંડો થયો છું? મારાથી એને કેમ ભુલાય?”


આપણે ભલે હાદ પર હદ વિનાનું હસીએ પણ…..

ગાંડા નો થવાય હોં !

હોટલનું મેનુ – શ્રી બીરેન કોઠારી

હો ઓર્ડર આપવાનો વિષય, તો મેન્યુની શી જરૂર? 
હોટેલના મેન્યુમાં ક્યાંય મેનેજરની સહી નથી.
-શ્રી. બીરેન કોઠારી
 

( ‘જલન’ માતરીજી માફ કરે !)

‘મેનુ’ વિશે આ…. ભાષાપ્રેમીઓ આનંદો કે શોક કરો !

menu

બીરેનજી માફ કરજો ,  કુરાન, ગીતા, બાઈબલ, ધમ્મપદ, શિક્ષાપત્રી, ચરણવિધિ કે કોઈ પણ ધર્મગ્રંથ હોય કે કાંઈ નહીં તો  હોટલનું મેનુ હોય …
આપણે મતલબ વાનગી સાથે છે, સહી સાથે નહીં – કબૂલ
પણ…

મેનુ તો જોઈએ જ ને? !

દાળવડાં- શ્રી. બીરેન કોઠારી

dv

 

આખી મજા આ રહી…dv1