મનમોજી રાજ્જાનો પડઘો પડ્યો – છેક પોર્ટલેન્ડ( ઓરેગન)માં!

આ ચિત્ર પર ક્લિક કરી મૂળ રાજ્જાને મળો…
હવે એ પડઘો ‘કરા’ ના પોતાના જ શબ્દોમાં…
મનમોજી રાજા અને બીજી વાતો – ડો. કનક રાવળ ફેબ્રુઆરી ૭, ૨૦૧૬
સુરેશ રાજાએ તો તેમના જાદુઈ ઊડન ખટોલાના રિવર્સ ગિયરમાં (યાદ છે ને H.G.Wellsના Time Machine” નું Reverse ગિયર?) નાખી મને ઉપાડીને મારા ભુતકાળના ૭૦ વર્ષ જૂના પડાવે પહોંચાડી દીધો.
સાલ: ૧૯૩૬ સ્થળ: મ્યુનિસિપલ શાળા – નં. ૧ – એલિસબ્રીજ, અમદાવાદ
બાલ મંદિરના દોઢ-બે વર્ષ પછી મને ગુજરાતી એકડિયા-બગડિયામાં ચડાવો મળ્યો હતો. શારદામંદિરમાં થોડું અક્ષર જ્ઞાન ગિજુભાઈ દવે પાસેથી મળેલું પણ ગુજરાતી વાંચવા લખવાની તાલીમ શરૂ થઈ ન હતી. તેની શરૂઆત થઈ પહેલી ચોપડીના વર્ગમાં, અને શિક્ષીકા હતાં ચંપાબેન. તે દિવસોમાં બેબી સિટર્સ ન્હોતાં એટલે પોતાના નાના બાળકને વર્ગમાં ઘોડિયા સાથે લાવવાની છૂટ હતી. શિક્ષીકાબેન કક્કો બારાખડી ભણાવે અને અમે નિશાળિયા વારા ફરતાં ઘોડિયું ઝુલાવી બાળકને સુતું રાખીએ!
અમારી પહેલી બાળપોથી હતી – દેશળજી પરમારે લખેલી “ગલગોટા.” ત્યારે જાણીતા લેખક અને સમાજ સુધારક રમણભાઈ નિલકંઠનાં (‘ભદ્રંભદ્ર’ના લેખક) સૌથી નાના પુત્રી તરંગિણીબેન અમારી શાળાનાં આચાર્યા હતાં.
એકાદ અઠવાડિયાના મારા અભ્યાસ પછી શાળામાં બાળકોએ સંવાદો દ્વારા તેમની ભણતરની પ્રગતિ દર્શાવવી, એમ તરંગિણીબેને ગોઠવ્યું. તેઓ તો શિક્ષીત પરિવારમાંથી આવેલા અને શિક્ષણ પધ્ધતિઓમાં નવા પ્રયોગો કરવાનો તેમનો ઉત્સાહ તે જમાનાથી પણ ઘણો આગળ હતો. એક રાજાનો પાઠ મને આપવામાં આવ્યો. બીજા વિશિષ્ટ ઉપકરણો તો હાથવગા નહોતા; એટલે પટાવાળાનું ફેંટિયુ મારો રાજમુકુટ થયો, અને લીમડાની ડાળની કલગી મારા મુકુટ તરીકે માથા પર ગોઠવાઈ અને કાળી શાહીથી રાજાશાહી મુછો વડે મને મુછાળો રાજા બનાવાયો! પછી મે માસની ગરમીમાં પરસેવાથી મુછોના રેલા ચાલ્યા અને રાજા હવે બાઘડા જેવો દેખાતો થયો!ને પ્રેક્ષક ગણને કોમેડી જોઈ હસહસાટની તક સાંપડી.
મને “ગલગોટા”માંની નીચેની લીટીઓ ગોખાવવામાં આવી હતી.
એક રાજા અટપટ
તેની બહુ ખટપટ
મરી ગયો ઝટપટ
બહાદુરીથી એ બધી જફાઓને અવગણીને મારો પાંચ પળનો સંવાદ મેં સફળતાથી પુરો કર્યો અને આમ મારી ભવિષ્યની અવેતન નાટ્ય પ્રવ્રુત્તિની શરૂઆત થઈ.
———————–
‘કરા’ ને ન જાણતા મિત્રો માટે….

ગુજરાતના કલાગુરૂ સ્વ. રવિશંકર રાવળના પુત્ર , નિવૃત્ત ફાર્મસી નિષ્ણાત, પોર્ટ લેન્ડ -ઓરેગન
વિશેષ વાંચન – રિવર્સ ગિયરમાં !!!.
કરા પડ્યા
કરા ઊઠ્યા
‘આતા’ ની ધરપકડ ?
વાચકોની ગોલંદાજી!