એક ગામડિયો છોકરો અને તેના પિતા જિંદગીમાં પહેલી વાર એક શહેરની મુલાકાતે ગયા. આડાઅવળા રખડ્યા પછી છેવટે તેઓ એક મોલમાં ગયા. મોલમાં તેમણે આશ્ચર્યજનક ઘણું જોયું, પણ એક જગ્યા તેમને વધારે નવાઈ પમાડતી લાગી. સિલ્વર કલરની બે નાનકડી દિવાલો ભેગી થતી હતી અને છૂટી પડતી હતી. છોકરાએ તેના પિતાને પૂછ્યું, ‘પપ્પા, આ શું છે?’ પિતાએ કહ્યું, ‘મેં મારી જિંદગીમાં આ પહેલી વાર જોયું છે. મને ખબર નથી કે એ શું છે!’
બાપદીકરો ઊભાઊભા એ સરકતી દિવાલોને જોઈ રહ્યા હતા, ત્યાં તો એક અપાહિજ જાડી અને વયોવૃદ્ધ સ્ત્રીએ તેની વ્હીલચેરને એ દિવાલો પાસે લાવીને એક બટન દબાવ્યું. થોડી જ વારમાં એ દિવાલો ખૂલી અને પેલી સ્ત્રી તેની વ્હીલચેરને સરકાવીને અંદરની એક નાનકડી ઓરડીમાં દાખલ થઈ. થોડી જ વારમાં પેલી બંને દિવાલો ભિડાઈ ગઈ. પછી તો દિવાલ ઉપર ક્રમસર આંકડા બદલાવા માંડ્યા અને છેલ્લા આંકડા સુધી તેઓ જોતા જ રહ્યા. વળી પાછા એ આંકડા ઊંધા ક્રમમાં બદલાવા માંડ્યા. છેવટે પેલી દિવાલો ખૂલી અને એ જ નાનકડી ઓરડીમાંથી એક ચોવીસેક વર્ષની રૂપાળી યુવતી બહાર આવી. પેલો પિતા તો એ યુવતીને ટીકીટીકીને જોતો જ રહ્યો અને બહુ જ ધીમા અવાજે તેણે તેના દીકરાને કહ્યું, ‘બેટા, તું હાલ તરત જ ગામડે જા અને તારી માને લઈ આવ!’
(ભાવાનુવાદ)
Courtesy : Ba-bamail
-વલીભાઈ મુસા
* * *
યાદ આવે છે કે? :
જો રમણલાલ મહીપતરામ નીલકંઠનું નાટક ‘રાઈનો પર્વત’ વાંચવામાં આવ્યું હશે તો! એમાં કાયાકલ્પ (વૃદ્ધમાંથી જુવાન થવું) માન્યતાને પ્રયોજવામાં આવી છે. નાટકનો ટૂંક સાર આ પ્રમાણે છે :
“રાજા પર્વતરાયે તેના આગળના રાજા રત્નદીપદેવનો કપટથી વધ કરી રાજગાદી મેળવી છે. રત્નદીપદેવની રાણી અમૃતદેવી રાજ્ય પાછું મેળવવા પોતાના પુત્ર જગદીપ સાથે રાજધાની કનકપુરમાં આવી ત્યાં પોતે માલણ જાલકા અને પુત્ર માળી રાઈને નામે રહે છે. જગદીપ પોતાનો પૂર્વવૃત્તાન્ત કે જાલકા સાથેનો પોતાનો સાચો સંબંધ જાણતો નથી. યુવાન લીલાવતીને પરણેલા વૃદ્ધ રાજા પર્વતરાયને જાલકા એક રાતે, પોતાના રહેઠાણ કિસલવાડીમાં બોલાવે છે. પર્વતરાય તેના સાથી શીતલસિંહ સાથે ત્યા જાય છે, પણ રાઈએ એને પશુ ગણી બાણ મારતાં તે મરણ પામે છે. જાલકાની સૂચનાથી એમ જાહેર કરવામાં આવે છે કે, ‘પર્વતરાય યુવાન થવા માટે એક વૈદ્ય સાથે ભોંયરામાં ઊતર્યા છે, ને ત્યાં કોઈને પેસવાની મનાઈ કરી છે; છ મહિના પછી એ બહાર નીકળશે’. અને નક્કી થાય છે કે છ મહિના પછી રાઈએ જુવાન પર્વતરાય તરીકે જાહેર થવું. આ સમયે જાલકા રાઈને પોતાની સાચી ઓળખાણ આપે છે.
છ મહિના પૂરા થવાની આગલી રાતે શીતલસિંહ રાઈને લીલાવતીના આવાસથી પરિચિત કરવા લઈ જાય છે, ત્યારે રાઈને પહેલી જ વાર ખ્યાલ આવે છે કે પર્વતરાય થવું એટલે પર્વતરાઈની સ્ત્રી લીલાવતીના પણ પતિ થવું, જે તેને અનૈતિક લાગે છે. અંતે મનોમંથન બાદ તે લીલાવતી સમક્ષ તેમજ પ્રજા સમક્ષ પોતાની સાચી ઓળખ છતી કરે છે. પ્રજાજનોને પોતાને માટે યોગ્ય રાજા શોધી લેવા કહે છે, ને પોતે પણ ગાદીનો ઉમેદવાર હોઈ પ્રજા નિષ્પક્ષપાતપણે રાજા પસંદ કરી શકે તે માટે પંદર દિવસ નગર બહાર ચાલ્યો જાય છે. ત્યાં તે, એકાન્ત મહેલમાં રહેતી પર્વતરાયની વિધવા પુત્રી વીણાવતીને અકસ્માતથી બચાવે છે, અને બંને વચ્ચે પ્રેમ થાય છે. લીલાવતીની દાસી મંજરી અને શીતલસિંહ રાજગાદી મેળવવા ખટપટ કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. અંતે લીલાવતી જગદીપ એટલે કે રાઈને તથા વીણાવતીને લગ્ન માટે આશીર્વાદ આપી મરણ પામે છે. અંતે રાઈને અને વીણાવતીને રાજગાદી પ્રાપ્ત થાય છે.” (સૌજન્ય : વિકિપીડિયા)
-વલીભાઈ મુસા (સંયોજક)
Like this:
Like Loading...
Related
–
રમુજમા
તારી માને લઈ આવ!’આ વાત વધુ ગમી !
–
‘વીણાવતીને રાજગાદી પ્રાપ્ત થાય છે——‘
“સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.”
LikeLike