હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એલએલજી

સાભાર – ડો. વીરેન્દ્ર ડોલાસિયા

લગભગ વીસેક વરસ પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રનાં એક નાનાં ટાઉનમાં હું જનરલ પ્રેક્ટિસ કરતો હતો. એક દિવસ એક ભાઈ મારી પાસે દવા લેવા આવ્યા. મને કહે કે સાહેબ, મને L. L. G. ની તકલીફ છે, એની દવા આપો. હું માથું ખંજવાળવા લાગ્યો કે માળું આ L. L. G. શું હશે?
મેં બે ત્રણ વાર મારી રીતે પૂછયું કે તમને શું તકલીફ થાય છે? પરંતુ એ દર વખતે L. L. G. ની જ તકલીફ છે, એવું બોલે. હવે હું મુંઝાયો કે મારે આને શું દવા આપવી? એની તકલીફ સમજાતી નથી તો મારે કઈ દવા લખી આપવી? અંતે મેં એને પૂછયું કે સારું આ તમારી L. L. G. ની તકલીફ ક્યારે વધે ને ક્યારે ઘટે? ત્યારે એણે મને જણાવ્યું કે સવારે ઊઠું ત્યારે વધુ હોય. ઉપરાઉપરી છીંક ચાલુ થઈ જાય અને નાકમાંથી પાણીની ધાર વહેવા લાગે!!
અરે તારી ભલી થાય!! હવે મને સમજાયું કે એને એલર્જીની તકલીફ હતી. મનમાં તો મને બહુ હસવું આવ્યું, પણ હસવું રોકીને એ ભાઈને દવા આપી રવાના કર્યા. એમનાં ગયાં પછી મારાં દવાખાનામાં બેઠાબેઠા મને ખડખડાટ હસવું આવી ગયું. હજી પણ જ્યારે કોઈ એમ કહે કે મને એલર્જી છે ત્યારે મને પેલા L. L. G. વાળા ભાઈ અચૂક યાદ આવી જાય.

6 responses to “એલએલજી

 1. pragnaju જુલાઇ 7, 2021 પર 9:39 એ એમ (am)

  આમ તો LLG
  The Legacy Life Group also known as LLG Financial Wealth Management & Planning
  Lycée Louis-le-Grand, a well known public high school in Paris
  Lim Lian Giok, a Malaysian education official
  The Landau–Lifshitz–Gilbert equation, used in micromagnetics
  Local-level governments of Papua New Guinea
  The Logical Language Group
  Local government માટે વપરાય તેમા એલર્જી નો ઉમેરો
  વાહ
  યાદ આવે આવી જુની વાત
  અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે. અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.!
  અમારા માટે પણ ડોક્ટરી સાથે આ માનવ સંવાદની કલા શીખવાનો પ્રથમ અનુભવ પણ મજા પડતી. અમારા ફર્સ્ટ યર રેસીડેન્ટો માં પણ વિવિધતા! પુષ્કર શ્રીવાસ્તવ નામનો મિત્ર મૂળ બિહારી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં આવીને શીખેલો પણ સ્વભાવે પરગજૂ અને મગજે આઈન્સટાઈન ને પાછો પાડી દે તેવો.! હિન્દી મિશ્રીત ગુજરાતીથી મોટા ભાગના દર્દીમાં કામ ચલાવી લે.! મોટે ભાગે શરુઆતી દોરમાં ઘણી વખત દર્દીની સાથે વાતચીતમાં ઘણી વાર અમારી કે કોઈ અન્યની અનુવાદક તરીકે સેવા લઈ ને દર્દીને તપાસી લે. સાંજ પડયે તેની ડાયરીમાં નવા ગુજરાતી શબ્દો નોંધાયેલા હોય જેનો અમારે અર્થ સમજાવવાનો દા.ત. શિરામણ-રોંઢે- આથમણે વિ. જેવા તળપદી શબ્દો.! સદભાગ્યે એક અન્ય રેસીડેન્ટ મિત્ર આશિષ પટેલ અને ગામડાનો એટલે આવા શબ્દોનો વિસ્તૃતાર્થ પુષ્કરને મળી રહે.!
  આવા સમયે એક નાના બાળકને અમારા વોર્ડમાં ન્યુમોનિયા માટે દાખલ કરેલુ. કેસ કઢાવીને બાળકના પિતા ગામડે કંઈ સગવડતા કરવા ચાલ્યા ગયા બાળક સાથે એક મોટી ઉંમરના દાદીમા રહેલા. આ દાદીમા અંદાજે 75 વર્ષના હશે ભણ્યા નહી હોય પણ ગણેલા ઘણુ એટલે બાળકની દવા વિ. નો ખૂબ ખ્યાલ રાખે અને બધી સૂચનાનો સુંદર અમલ કરે. આ બાળક શરુઆત ના બે દિવસ આશિષે જોયેલુ અને બાળક સારુ થઈ રહ્યુ હતુ. પણ આજે ત્રીજા દિવસે આશિષ અન્ય કામમાં હોઈને આ શિશુને જોવાનુ કામ પુષ્કરને આવ્યુ. પુષ્કરે સામાન્ય પણે રોજ પૂછાતા સવાલોથી શરુઆત કરી અને તપાસ કાર્ય પૂર્ણ કર્યુ.
  રોજીંદા ક્રમ પ્રમાણે અમારા સાહેબનો રાઉન્ડ આવ્યો અને પેલા દાદીમાએ સાહેબને આજે ને આજે જ રજા કરી દેવાની વિનંતી કરી. સાહેબે સમજાવ્યુ કે સારવાર અધૂરી મૂકીને ન જવાય જો કોઈ તક્લીફ હોય તો કહો . પણ દાદીમા ટસ ના મસ ના થાય્! એક સમજુ વ્યક્તિની જેમ વોર્ડમાં રહેલા આ વડીલ આમ કેમ કહી રહ્યા હતા તેનુ રહ્સ્ય શોધવાનું કામ મને અને આશિષને સોંપવામાં આવ્યુ. સાહેબ ના ગયા પછી અમે બંને દાદીમાની પાસે ગયા અને ધીરે-ધીરે દાદીમાના મન સુધી પહોંચી અમે તેમના આ નિર્ણયનું કારણ જાણ્યુ તો ખરેખર બે દિવસ સુધી હસી- હસીને પેટ દુ:ખી ગયુ!!
  વાત જાણે એમ બની કે દાદીમાનું શિશુ એક દિવસથી સંડાસ ગયુ ન હતુ. તેમના માટે આ ડૉકટર ને જાણ કરી કંઈ કરવા યોગ્ય ઘટના હતી. પુષ્કર જયારે સવારે તપાસ અર્થે ગયો ત્યારે દાદીમાએ આ વાત કરી કે “દાકતર સાહેબ છોરા એ આજે “ખરચુ “ (ગામડાની તળપદી ગુજરાતીમાં મળૉત્સર્જન કે સંડાસ જવાને – ‘ ખરચુ’ કહેવાય છે.) નથી કર્યુ !”.
  પુષ્કર હંમેશા દર્દીને મદદ કરવા તત્પર જીવ અને આ સાંભળી તેને થયુ દાદીમા ખોટા મુંઝાય છે!. એટલે એ કહે “મા ! આપ સરકારી હોસ્પીટલ માં છો અને અહિં મહિનો રહેશો તો પણ “ખરચો” નહી થાય જરાયે મુંઝાશો નહિ !! બસ દાદીમાને ફડક પેસી ગઈ ! આવી હોસ્પીટલ માં થોડુ રહેવાય જયાં છોકરાને મહિનો રાખી તો ય ‘ખરચુ’ ન થાય !!
  અમે પુષ્કર અને દાદીને આ ભાષાકીય ભૂલ સમજાવી અને તે પણ હસી પડયા.! અમારો આ આઈનસ્ટાઈન પુષ્કર આજે યુનિવર્સિટી ઓફ આઈઓવા (Iowa), અમેરીકા માં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને આજે પણ દરેક દાદીમાને પ્રેમથી સમજાવે છે !!

  Like

 2. સુરેશ જુલાઇ 7, 2021 પર 8:58 એ એમ (am)

  ત્રણ બોબડી રાણી વાળી વાર્તા યાદ આવી ગઈ.
  વાયાં તાં ને બોયાં કેમ ?
  અમે તો બોયાં ય નથી ને ચાયાં ય નથી

  Like

  • pragnaju જુલાઇ 7, 2021 પર 9:49 એ એમ (am)

   ‘…બોબડી રાણી વાળી વાર્તા .’ વિગતવાર માણો
   એક રાજા હતો તેને ત્રણ રાણીઓ હતી. રાજાના નસીબ એવા કે તેની ત્રણેય રાણીઓ બોબડી. એકવાર રાજાને થયું રાણીઓને સરખું બોલતા નથી ફાવતું એ તેમના માટે શરમજનક વાત કહેવાય. આથી, તેમણે વિચાર્યું લાવને ચોથી વાર લગ્ન કરી સારી રાણી લાવું તો મારી આબરૂ રહે. રાજાએ ચોથી વાર લગ્ન કર્યા પણ રાજાના ભાગ્યમાં ભમરો એટલે એ ચોથી રાણી પણ ગૂંગણું જ બોલતી હતી. પણ રાજાએ આ વાત પોતાની ઈજ્જત ના જાય એ કારણે કોઈને જણાવી નહીં.
   આ રાજાના મહેલમાં એક વાળંદ રોજ આવતો હતો. એક દિવસ તે વાળંદ રાજાની હજામત કરતો હતો. તે સમયે રાજમહેલમાં ચોમાસાના લીધે મંકોડા ઉભરાયા હતા. નવા રાણી મહેલની લટાર મારવા નીકળ્યા હતા ત્યારે એક મકોડાએ ચટકો ભર્યો અને રાણી એ બૂમ પાડી, “માં, મને મંતોલે ટલ્લી રે ટલ્લી”(માં મને મંકોડે કરડી રે કરડી).
   વાળંદ નવી રાણીને બોલતા સાંભળી ગયો અને તેને ખબર પડી ગઈ કે નવા રાણી પણ બોબડા છે. વાળંદના પેટમાં આ વાત રહી નહિ તેણે આ વાત પ્રધાનને કરી. પ્રધાન પણ જમાનાનો ખાધેલો એને થયું કે રાજા બધાથી આ વાત છુપાવે છે, એટલે હવે આ વાત બહાર લાવ્યે જ છૂટકો. આથી પ્રધાને એકવાર રાજાને કહ્યું, “રાજા સાહેબ તમે નવી રાણી સાહેબા લાવ્યા પણ અમને એકેવાર જમાડ્યા નહિ. નવા રાણી સાહેબાના હાથની રસોઈ તો જમાડો.”
   રાજા ના કેવી રીતે પાડી શકે? આથી તેમણે પ્રધાનને અને બીજા અમલદારોને જમવા નોતર્યા. રાણીઓએ હરખથી બધી રસોઇ કરી. રાજાએ રાણીઓને કડક સૂચના આપી કે “તમે ભલે પીરસવા આવજો પણ તમારે ચારેયમાંથી એકેયે એક અક્ષર પણ બોલવાનો નહિ. જે બોલશે તેને દેશવટો આપીશ.”
   બપોરે બરોબર બાર વાગ્યે પ્રધાન અને અમલદારો જમવા બેઠા. રાણીઓ એક પછી એક આવે અને જાતજાતની રસોઈ પીરસીને જાય પણ કોઈ મોઢા માંથી એક અક્ષર પણ બોલે નહિ. આથી ચતુર પ્રધાનને વાળંદની વાત સાચી લાગી. રાણીઓને બોલાવવા પ્રધાને એક યુક્તિ વિચારી. જમતા જમતા પ્રધાને વાત ઉપાડી “આ વડીનું શાક ભારે સ્વાદિયું થયું છે. મહેલમાં આવી સ્વાદિષ્ટ વડીઓ કોણ બનાવે છે?”
   આ સાંભળીને જે રાણીએ શાક બનાવ્યું તેનાથી બોલ્યા વગર ના રહેવાયું અને બોલી, “એ વઈઓ મેં કંઈ (એ વડીઓ મેં કરી).
   આ સાંભળી એક રાણીને ગમ્યું નહિ તેથી તે બોલી, “ટમને બોવાનું ના કહ્યું ટુ ને ચ્યુમ બોયા? (તમને બોલવાનું ના કહ્યું હતું ને કેમ બોલ્યા?)
   આથી ત્રીજી રાણીને મનમાં થયું કે રાજાજીએ ના કહ્યું છતાં એક રાણી તો બોલી પણ બીજી શું કામ બોલી? મારે તેને વાત કહેવી જ જોઈએ એટલે તે બોલી, “એ બોયા તો બોયા પણ તમે કેમ બોયા?” (એ બોલ્યા તો બોલ્યા પણ તમે કેમ બોલ્યા).
   ત્યાં ચોથી રાણીને થયું રાજાએ ના પાડી તો પણ બધા બોલ્યા પણ હું ડાહી છું, કારણકે હું બોલી નથી. આ વિચાર કરી તે બોલી ઉઠી, “આપે તો બા બોયાંય નથી કે ચાયાંયે નથી” (આપણે તો બા બોલ્યાય નથી કે ચાલ્યાય નથી). આમ રાજાની ચારેય રાણીઓ ગૂંગણું બોલે છે એમ બધાંને ખબર પડી ગઈ.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: