હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૪૧

જન્મ-પુનર્જન્મને કોઈ માને કે ન માને, એ અંગત બાબત છે; પણ અહીં ગધેડા તરીકે પુનર્જન્મ  પામેલા એક જીવાત્માની વાત છે. એક પ્રાથમિક શાળાના નવા ઓરડાઓના બાંધકામ માટે ગધેડાંઓ ઉપર લાદીને ઈંટો લાવવામાં આવી રહી હતી. એક ગધેડાને તેના માલિકે નિર્દય રીતે ખૂબ ફટકાર્યું, છતાંય તે શાળાના કમ્પાઉન્ડમાં પગ મૂકવા ઇચ્છતું ન હતું. અચાનક  એ ગધેડાને વાચા ફૂટી અને તેના માલિકને કહ્યું, ’તું મને ગમે તેટલું મારશે, પણ હું કમ્પાઉન્ડમાં પગ નહિ મૂકું. મારા પૂર્વજન્મમાં આ જ શાળાના શિક્ષક તરીકે મેં ફૂલ જેવાં માસુમ બાળકોને ભણાવતાં ક્રૂર કહી શકાય એવી વિવિધ શારીરિક શિક્ષાઓ કરી છે. એ બાળકોના નિસાસા એળે ગયા નહિ અને મને ગધેડા તરીકેનો આ અવતાર મળ્યો, જેમાં હું તારાં બેસુમાર ડફણાં ખમી રહ્યો છું. હવે આ ગધેડાના અવતારે હું શાળામાં પગ માત્ર મૂકું, તો પણ આનાથી બદતર અવતાર મને મળવાની દહેશત છે!’ આટલું કહેતાં ગધેડાની આંખોમાં પશ્ચાત્તાપનાં આંસુ તગતગવા માંડ્યાં.

(વિચાર સરવરના કાંઠેથી)

= = = = =

વલદાવાણી :

આ એવા જમાનાની શિક્ષણ પ્રણાલિ હતી, જ્યાં બાળકોને ઢોરમાર મારવામાં આવતો હતો. આ ઘાતકી પ્રક્રિયામાં વાલીઓ, આચાર્યો અને અધિકારીઓની મૂક સંમતિ રહેતી હતી. બધાંનો એક જ એજન્ડા હતો; છોકરાંને મારો-કૂટો, પણ શાળાનું ઊંચું પરિણામ લાવો. આજે અમેરિકા-યુરોપ જેવા દેશોમાં માબાપને પણ સત્તા નથી કે તેઓ તેમનાં બાળકોને શારીરિક શિક્ષા કરે. અરે, બાળકોની વાત રહેવા દો; પાળેલાં કૂતરાં-બિલાડાંને પણ ત્રાસ આપી શકાય નહિ. હે એનારજીઓ, ખરી વાત કે ?

-વલીભાઈ મુસા

નોંધ :-

ઉપરોક્ત ટુચકો ઘડી-કાઢેલો (Fabricated) છે, જેને હું કોપીરાઈટના બંધનથી આઝાદ રાખું છું; કેમ કે હસવા-હસાવવા ઉપર કોઈ નિયંત્રણ હોઈ શકે જ નહિ. (મને ખબર છે કે ટુચકાઓ એ દંતકથાઓ સમાન છે, જેને આવા કાયદાઓ લાગુ પડે નહિ. આમ છતાંય હું કોપીરાઈટના મુદ્દાને મારા દરેક પ્રકાશને ઉછાળતો રહું છું; ડરનો માર્યો નહિ, પણ અગમચેતીના ભાગરૂપે જ હોં કે!)    

1 responses to “સંવર્ધિત જોક્સ – ૪૧

  1. pragnaju જૂન 15, 2021 પર 8:03 એ એમ (am)

    સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ઘમ ઘમ નો અમારો અનુભવ સારો છે.
    એક વાર હાથમા સોટી પડી હતી અને ત્યાર બાદ પરીક્ષામા સારા પરીણામ આવ્યા છે.
    અમેરીકામા મારવાની વાત તો દૂર પણ મા-બાપ કે શિક્ષક ગુસ્સો કરે તો પણ તેઓ શિક્ષા પાત્ર બને છે ! હાલ પણ ભારતના વિદ્યાર્થીઓના પરીણામ વધુ સારા હોય છે. એક વાર પ્રેસીડેન્ટશ્રીએ પણ કહેલું કે અમેરીકાના વિદ્યાર્થીઓ બરોબર પરીણામ ન આવે તો ઇંડીયાથી બોલાવી સારી નોકરી આપશું !

    Like

Leave a comment