હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્યકથા – રમેશ તન્નાપતિ-પત્નીની મૂંઝવણઃ ખરીદી કરવી કે નહીં ?
*****
રવિવારે સવારે મૂંઝાયેલાં પતિ-પત્ની સામસામે બેઠાં છે.

ચા-પાણી પતી ગયાં છે, પણ પતિના ચહેરા પર સહેજે નૂર નથી.

પતિએ કશુંક ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો અને વાતાવરણ તંગ બન્યું.

ઊંડો વિચાર કરીને પત્ની બોલી.. એના વગર ના ચાલે ?

પતિ માંડ માંડ ધીમેથી બોલ્યો, ચલાવીએ તો ચાલે જ. બે મહિનાથી એના વિના ચલાવ્યું જ ને ?
આ તો આજે મને મન થયું કે…

પત્નીએ વચ્ચેથી તેમની વાત કાપી. બોલી, ખરેખર તો બધી સમસ્યાઓના મૂળમાં આ મન જ હોય છે. આપણે મનને જ અંકુશમાં લેવાની જરૃર હોય છે. પછી તેણે ઉમેર્યું, તમે નથી જાણતા કે મંદી કેટલી છે ?

એની તો તારા કરતાં મને વધારે ખબર છે. તું ઘરમાં હોય છે, હું બહાર હોઉં છું. આમ છતાં
આજે એવી ઈચ્છા થઈ કે થોડું બજેટ ફાળવીને…

થોડું બજેટ ? પત્ની દાઢમાં બોલી. ભાવ સાંભળ્યો છે ? સાચું કહું છું કે એના વગર બિલકુલ ચાલે. બીજા અનેક વિકલ્પો છે જ આપણી પાસે…

પતિ થોડી વાર મૂંગો રહ્યો. તેના ચહેરાના ભાવ પરથી લાગતું હતું કે તે અતીતમાં ખોવાઈ ગયો છે.

પત્નીએ શોકમય માૈનને તોડ્યું. બોલી, ક્યાં ખોવાઈ ગયા ?

હું વિચાર કરતો હતો કે ખરીદી એ તમારો બહેનોનો ઈલાકો છે, આજે આપણા ઘરમાં ઊંધુ થયું, નહીં ?

પતિ ભાવુક થયો. તેમનો હાથ પકડીને પત્ની બોલી, તમે આમ શિયાળામાં સાવ ઓશિયાળા ના થઈ જશો. મને રડવું આવશે. જો તમારું બહું જ મન હોય તો આપણે….

ના..ના.. પતિ સહસા વચ્ચે બોલ્યો. આવી કોરોનાની કાતિલ મંદીમાં આપણે એટલો મોટો ખર્ચ નથી કરવો. બધાં મનનાં કારણ હોય છે. હું મનને મનાવી લઈશ. તેના પર દબાણ કરીશ. પ્રાણાયામ કરીશ. ઊંડા શ્વાસ લઈશ. આ વિશ્વ નશ્વર છે એ વાત વારંવાર યાદ કરીશ, પણ ખરીદીને ટાળીશ.

વાતાવરણ અત્યંત ભારેખમ બન્યું.

પતિ આગળ બોલ્યો, હું મારામાં રહેલી તમામ શક્તિને નિચાવીને મનની સામે લડીશ અને જીતીશ.

પત્નીને ખૂબ સારું લાગ્યું. મનોમન ગણતરી પણ કરવા લાગી કે આજે કેટલા પૈસા બચશે. ખુશ થતાં બોલી, ખરેખર તમે બહાદુર માણસ છો. બાળકો જેવી જીદ કરતા હતા એટલે શરૃઆતમાં મને લાગતું હતું કે આજે ખર્ચો થશે જ, પણ તમે ભારે હીંમત કરી.

ત્યાં બાજુના ઘરમાંથી શાક વધારવાનો મોટો અવાજ આવ્યો. અરે, એ ઘર નજીક હોવાથી વઘારની મસ્ત મસ્ત સુગંધ પણ થોડી જ વારમાં આવી ચડી.

એ સુગંધે પતિ-પત્ની પર રીતસરનું આક્રમણ કર્યું. નાસિકામાં પ્રવેશેલી એ સુગંધે પુરુષને તરત જ વિચલિત કર્યો. તેનું મનોબળ તૂટ્યું. પુનઃ તેના ચહેરા પર દયાના ભાવો પ્રગટ્યા. જાણે કે મૃત્યુ નજીક હોય તેવો અણસાર તેના સમગ્ર દેહ પરથી આવતો જણાયો.

પત્નીથી આ વખતે ના જોવાયું. ગમે તેમ તો એ એક પરંપરાગત ભારતીય પત્ની હતી. તેણે આંખો બંધ કરીને સાવિત્રીનું સ્મરણ કર્યું. જો સતી સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને પરત લાવી શકતી હોય તો મારે તો મારા પતિ માટે…

એ તરત રસોડામાં ગઈ, સ્ટોર રૃમમાંથી કાપડની થેલી લઈ, તેણે બાજ-ઝડપે ફ્રીજ પર પડેલું પૈસાનું પાકીટ ઉપાડ્યું, એટલી જ ગતિથી ચંપલ પહેરી, ઘરનો દરવાજો ખોલીને મોટેથી બોલી..
તમે સહેજે ચિંતા ના કરતા, હું તરત જ 500 ગ્રામ ડુંગળી લઈને આવું છું….

(રમેશ તન્ના, પોઝિટિવ મીડિયા, સંપર્ક નંબરઃ 9824034475)

2 responses to “હાસ્યકથા – રમેશ તન્ના

  1. chaman ડિસેમ્બર 9, 2020 પર 5:08 પી એમ(pm)

    હાસ્યકથા હાસ્ય દરબારમાં આજે!

    ‘ચમન’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: