હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

       વહેલી સવારે વણનોંતર્યા અને અણગમતા આવી ચઢેલા મહેમાન સાંભળે તે રીતે યજમાને તેમનાં શ્રીમતીજીને કહ્યું, ‘રાત થવા આવી છે, માટે ઘરની લાઈટો ચાલુ કરી દે ને !’

        મહેમાને આશ્ચર્યસહ પૂછ્યું, ‘આવું કેમ ? હજુ તો આખો  દિવસ બાકી છે અને હાલથી લાઈટો ચાલુ કરવાનું કહી દીધું ?’

       ‘ભાઈ, એ એટલી બધી આળસુ છે કે દરેક કામ વિલંબથી કરે છે; માટે જ તેને કોઈપણ કામ વહેલેથી જ બતાવી દેવું પડે છે !’

      ‘સમજાયું નહિ !’

        “લો, સમજાવી દઉં. દાખલા તરીકે આપણે કલાક બે કલાક વાતો કરી લઈએ પછી તેને હું એમ કહું કે  ‘સાંભળ્યું કે ? આ મહેમાન આવ્યા છે તો તેમનું બપોરનું જમવાનું બનાવી દેજે !’, તો હવે  તમને સમજાશે ખરું કે હું શું સમજાવવા માગું છું ?”

         ‘ઓહ ! તો ચાલો, ત્યારે આપણે ફરી કોઈવાર મળીશું ! જુઓને, મારે શહેરમાં કેટલાં બધાં કામ આટોપવાનાં છે !’ 

= = = 

સસ્નેહ,
વલીભાઈ

Advertisements

3 responses to “આજની જોક

 1. pragnaju ઓગસ્ટ 14, 2014 પર 10:32 એ એમ (am)

  જ્યોતિન્દ્ર દવે યાદ આવ્યા
  હિન્દુસ્તાન અતિથિ સત્કારની ભાવના માટે ઘણું પંકાયેલું છે. પણ એ વિષયમાં હું હિન્દી કરતા સામાન્ય મનુષ્ય વધારે છું. અતિથિ સત્કારની ભાવનાનો કુમળો રોપો મારામાં પૂરેપૂરો વિકસ્યા પહેલાં જ કરમાઇ ગયેલો હશે એમ લાગે છે. એટલે મારા સદગત કાકાનાં એક મિત્ર (જેને હું ઓળખતો પણ ન હતો તે) થોડાક મહિના સારું એઓ મારે ત્યાં પધારવાના છે એવા મતલબનો પત્ર આવ્યો ત્યારે મને આનંદ થયો એમ હું કહી શકું તેમ નથી. પરંતુ મારી સાથે રહેતા મારા વૃધ્ધ કાકીના માનને ખાતર મને બહુ આનંદ થયો એવો મારે ઢોંગ કરવો પડ્યો.
  કોઇકે કહ્યું છે કે પ્રથમ દર્શને સામા મનુષ્ય માટે જે અભિપ્રાય બંધાઇ જાય છે તે જ અંતે ખરો ઠરે છે. પરંતુ એ સૂત્ર સાચું હોય એમ મને લાગતું નથી કારણકે જ્યારે મેં એમને પહેલવહેલા સ્ટેશન પર જોયા ત્યારે મને એ સજ્જન જેવા લાગ્યાં. મળતા વારને યુગો પહેલાનું – જન્માંતરોની – અમારે ઓળખાણ હોય એવી ઢબે તેમણે મારી સાથે વાત કરવા માંડી.મારી ખબર પૂછી, મારાં (મેં જેમને પાળ્યાં નહોતા તેમજ જેમને પાળવાનો વિચાર પણ કરવાનો નહોતો તેવાં) કૂતરાં, બિલાડી તથા પોપટની ખબર અંતર પૂછી. ખબર પૂછાઇ રહ્યા પછી એ બધાંની પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરી. વર્તમાન પ્રવૃત્તિનું જ્ઞાન થયા પછી તેમની ભૂતકાલીન પ્રવૃત્તિ શી હતી તે પૂછ્યું. ભૂતકાલીન પ્રવૃત્તિ જાણ્યાં પછી હવે ભવિષ્યમાં શી પ્રવૃત્તિ કરવા માંગે છે તે પૂછ્યું. રસ્તામાં પણ જે જે મનુષ્યો મળતાં તેમના સંબંધી; તેમનાં સગાવહાલાં સંબંધી; તેમની અર્થિક, નૈતિક, સામાજિક, ઐતિહાસીક, ભૌગોલિક સ્થિતિ સંબંધી તેઓ અનેક પ્રશ્નો પૂછતાં. ને પ્રશ્નની સંખ્યા ને પ્રકારના ભારથી મૂંઝાઇ ગયેલો હું જવાબ આપવા ફાંફા મારતો.
  ઘેર આવ્યા પછી એમણે મારા મહોલ્લા વિશે, મારા ઘર અને તેમાંના ઓરડાઓ વિશે, ઘરમાંના કબાટો અને તેમાંની વસ્તુઓ વિશે, એ વસ્તુના બનાવનારા અને તેના ભાવ વિશે – ટૂંકમાં મારા ઘરથી માંડી મારું ગામ, ગામમાંના બજારો, બજારોમાંની દુકાનો, દુકાનોમાંની વસ્તુઓ ઇત્યાદિનું ઉંડુ અને તલસ્પર્શી જ્ઞાન મેળવવા ઇચ્છા પ્રદર્શિત કરી એમણે મારાં કાકીને તથા મને જે અસંખ્ય પ્રશ્નો પૂછ્યાં તે સર્વ હું, અહીં યાદ રહ્યાં હોય તે ઉતારું તો વાચક, તું તેમજ હું કંટાળીને જરૂર આપઘાત કે અન્યાઘાતનો વિચાર કરી લઇએ.
  દુર્ભાગ્યે એમના આવ્યા પછી બે દિવસ રહીને મારી જન્મતિથિ આવતી હતી. તે દિવસે એમનાથી છોટવાને મેં બહુ પ્રયાસો કર્યા પણ તે સર્વ વ્યર્થ ગયા. સાંજે મેં મારા મિત્ર તથા સગાંવહાલાંને નોતર્યા હતાં. સૌ આવી ગયા ને થોડી વાર થઇ એટલે મારા અતિથિએ પોત પ્રકાશ્યું. હું કોઇક બીજા જોડે વાત કરતો જરા પણ અટકું એટલે તરતજ પ્રશ્નોની ધારા છોડી મૂકતાં, “આ સામે બેઠું છે તે કોણ છે?” “એનું નામ શું છે?” “એના પિતાનું નામ શું છે?” “એ શું કરે છે?” “એનો બાપ શું કરે છે?” “પરણેલો છે કે કુંવારો?” આમ પ્રશ્નબાણોની પરંપરાથી વીંધાઇ જઇને હું મારા મિત્રો સાથે વાર્તાલાપમાં બરાબર ભળી ન શક્યો, એટલે તેમણે મારા વગર વાતો કરવા માંડી. આખરે કંટાળીને હું દાદર પાસે એક ખૂણામાં જઇને બેઠો. બારમાં પછી તેરમું આવે એમ તરત મારા અતિથિ મારી પાસે આવીને ગોઠવાયાં. અમે બંને આમ બીજા બધાંથી દૂર થયાં એટલે એમને વાત કરવાની વધારે ફાવટ આવી.
  “પેલા હીંચકા પર બેઠા છે તે ખૂરશી પર બેઠા છે તેના કાંઇ સગા થાય?
  “ના”
  “ત્યારે બંનેનાં મોઢાં મળતાં કેમ આવે છે?”
  “મોઢું પોતાને કોની જોડે મળતાં આવવું એ વિષે તદ્દન બેદરકાર રહે છે.”
  “એમ કેમ હશે?”
  “એમ છે તેનું કારણ એમ છે, કે એમ હોવા સિવાય એનો છૂટકો થઇ શકે તેમ નથી.”
  “કેમ?”
  “એમ જ.”
  “પેલા હમણાં તમારી જોડે વાત કરતા હતા તે કાંઇ ભણેલા છે?”
  “હા”
  “શું?”
  “કક્કો, બારાખડી, આંકના પાડા વગેરે…”
  “એ ધનવાન છે?”
  “ખબર નથી.”
  “એના પિતા જીવે છે?”
  “અત્યાર સુધી એના મર્યાની ખબર આવી નથી.”
  “નોકરી કરે છે?”
  “હા”
  “શું કમાય છે?”
  “પૈસા”
  “કેટલા?”
  “લાકડાવાળાના અંકગણિતમાં પ્રસિધ્ધ થયેલી એક સંખ્યા”
  “પૈસાનું શું કરે છે?”
  “તિજોરીમાં પૂરી મૂકે છે.”
  “તિજોરીમાં?”
  “હા, તિજોરીમાં – તેમજ ગજવામાં”
  “તિજોરી ક્યાંની બનાવટની છે?”
  “જાણતો નથી.”
  “નથી જાણતા?”
  “નથી જાણતો”
  “આ સામે પેલો બટાકા જેવો બેઠો છે -”
  “મારા મિત્ર માટે ફાવે તેમ ન બોલતા”
  લગાર પણ હતાશ થયા વગર એમણે આગળ ચલાવ્યું : “પેલો ભરાઉ શરીરવાળો છે -”
  દાંત પીસીને હું વચ્ચે જ બોલી ઉઠ્યો, “હા, એ ભરાઉ શરીર વાળો છે તેનું શું?”
  “એનું શરીર આટલું જાડું કેમ છે?”
  “કારણકે પાતળું નથી.”
  “પાતળું કેમ નથી?”
  “કારણ કે જાડું છે.”
  “પણ જાડું કેમ છે?’
  “કારણકે પાતળું નથી.”
  “એણે કંઇ દવા ખાધી હતી?”
  “હા”
  “શી દવા?”
  “ક્વિનાઇન ને જુલાબની”
  “જાડા થવાની ખાધી હતી”
  “ખબર નથી”
  “એ કસરત કરે છે?”
  “હા”
  “શેની?”
  “દાદર ચઢવા ઉતરવાની, હાલવા ચાલવાની ને વાત કરવાની”
  “પેલો માઇકાંગલા જેવો છે…”
  “મારા મિત્ર માટે ગમે તે શબ્દ ન વાપરવાનું મેં તમને કહ્યું તે તમે ભૂલી ગયા?”
  “તમે કહ્યું હતું?’
  “હા”
  “ક્યારે?’
  “હમણાં થોડી વાર ઉપર”
  “કોને?”
  “તમને”
  “શું કહ્યું હતું?”

  અત્યંત ધીરજથી મેં એમને શબ્દેશબ્દ છૂટો પાડીને કહ્યું, “મેં-તમને-એમ-કહ્યું-હતું-કે-મારા-મિત્રો-વિશે-તમે-ગમે-તેમ-ન-બોલતા ! સમજ્યા? કે ફરી બોલી જાઉં?”
  “ફરી શા માટે બોલી જાઓ?”
  “તમે ન સમજો તેમા?”
  “હું સમજું શા માટે નહીં?”
  “કારણ કે કારણ-કે કારણ-કે તમે કેટલુંક નહીં જ સમજો તેમ મને લાગે છે.”
  “તમને એમ લાગે છે?”
  “હા”
  “કેમ એમ લાગે છે?”
  “નસીબ મારું ને તમારું એવું છે એમા&.”
  “નસીબ કેવું છે?”
  મારા મગજમાં એક ભયંકર વિચાર જાગ્યો, હ્રદય જોરથી ધબકી ઉઠ્યું; એમના ગળા તરફ નજર ગઇ ને મારા હાથમાં અદભુત પૈશાચિક ચળ આવી. ક્ષણ વાર મને લાગ્યું કે મારું ભાવી મને ફાંસીના માંચડા તરફ ઘસડી જાય છે. મારે માથે અતિથિહત્યાનું કલંક ચોંટવાનું, પણ થોડી વારમાં જ વૃત્તિ શમી ગઇ. ને સનેપાતનો ચાળો શમી જતા રોગી થાય છે તેમ હું શાંત ને શિથિલ થઇ ગયો.
  આવા તો કેટલાંય દિવસો વીતી ગયા છતાં હું જીવતો રહ્યો ને એ પણ રહ્યા. અનેક યુક્તિઓ મેં અજમાવી જોઇ પણ કેવળ આકારમાંજ નહીં, આચરણમાં પણ દાતરડા જેવું એ પ્રશ્નચિન્હ મારા હ્રદયને ઘાસની પેઠે કાપ્યા જ કરતું. બીજા પ્રશ્નો એમને ન જડતા ત્યારે, “કેમ ઉઠ્યા?” “બ્રશ લીધું?” “ટૂથપેસ્ટ કાઢી?” “દાંત સાફ કર્યા?” “કોગળા કીધા?” “ચાહ પીઓ છો?” “ચાહ નથી પીતા?” “ચાહમાં ખાંડ નથી?” “ચાહમાં ખાંડ ન નાખી?” “નહાઓ છો?” “જમ્યા?” “પાન ખાધું?” “ખમીસ ન બદલ્યું? “કોટ પહેર્યો?” “બહાર જાઓ છો?” “દીવસળી લીધી?” “દીવો સળગાવ્યો?” “ફૂંક મારી?” “ઓલવી નાખ્યો?” એવા એવા હું જે કાર્ય કરતો હૌં તે સંબંધી પ્રશ્નો પૂછતાં. જગત પર એક જાતનો મને તિરસ્કાર ઉત્પન્ન થયો. મોં પર કંટાળા ને વિષાદની રેખાઓ પડી ગઇ અને કોઇ દિવસ હસ્યો ન હોઉં તેવો ભાવ મુખ પર અને હ્રદયમાં વ્યાપી રહ્યો. શમ, દમ, તિતિક્ષા, મુમુક્ષતા, અભ્યાસ, વિવેકિતા આદિ જગત પર વૈરાગ્ય લાવવાને જરૂરનાં છે એમ વેદાંતીઓ માને છે તેનું કારણ એ જ હોવું જોઇએ કે તેઓ આવા પ્રશ્નચિહ્નોના સમાગમમાં નહીં આવ્યા હોય. નહિં તો જગત પર વૈરાગ્ય લાવવા અર્થે આવા મનુષ્યની સત્સંગતિ કરવાનોજ તેમણે બોધ કર્યો હોત.
  આખરે મૌન ધારણ કરી એ પૂછે તેનો બિલકુલ સમજાય નહીં એવી નિશાનીઓ વડે ઉત્તર આપી એમને પ્રશ્ન પૂછતાં બંધ કરી દેવાનો મેં નિર્ણય કર્યો. પણ એ યુક્તિમાં હું સફળ ન થયો. આખો દિવસ ચેષ્ટાઓ કર્યા કરવી અને તે પણ કોઇથી સમજાય નહીં તેવી, એ કાર્ય દેખાય છે તે કરતાં ઘણું કપરું છે. નિશાનીઓ કરવી છોડી દઇ એ શું પૂછે છે તે હું જરા પણ સમજતો ન હોઉં એમ મુખ પર આશ્ચર્યનો ભાવ મેં પ્રગટ કરવા માંડ્યો. તેઓ પ્રશ્ન પૂછ્યે જતા અને પ્રત્યુત્તરમાં કાંઇ બોલ્યા વગર જડભરતની પેઠે હું આશ્ચર્યથી એમની સામે જોઇ રહ્યો. નીચેના ચિહ્નો વડે અમારો એ વ્યાપાર સમજાશે.
  “?”
  “!”
  “?”
  “!”
  “?”
  “!”

  પણ એમ બારણાં દીધે કાંઇ યમદૂત જાય છે? આમ કાંઇ ફાવ્યું નહીં એટલે એ કાગળ ને પેંનસીલ લઇ આવ્યા ને મારા હાથમાં આપીને એમણે પૂછ્યું, “બોલતા કેમ નથી? લખી જણાવો.”
  “જીભ કરડાઇ ગઇ છે, બોલાતું નથી” મારે લખવું પડ્યું.
  “કેમ કરડાઇ ગઇ?”
  “પડવા જોઇએ એ કરતા વધારે જોરથી દાંત એના પર પડ્યા તેમાં” મેં લખ્યું.
  “ડોક્ટરને બતાવી?”
  “હા” મેં લખ્યું.
  “કયા?”
  “આ જ શહેરના”
  “તેનું નામ શું?”
  “શહેરનું નામ તો તમે જાણો જ છો” મેં લખ્યું.
  “ડોક્ટરનું નામ પૂછું છું”
  “પૂછો” મેં લખ્યું
  “ડોક્ટરનું નામ શું?”
  ” જાણતો નથી” મેં લખ્યું
  “આશરે”
  “આશરે ઇશ્વરનો કે યમરાજાનો” મેં લખ્યું.
  “તમે ડોક્ટરનું નામ શું ધારો છો?”
  “હું કંઇ ધારતો નથી.”
  “મગનલાલ?”
  “ના”
  “છગનલાલ”
  “ના”
  “ગમનલાલ?”
  “ના”
  “ચીમનલાલ?”
  “એ વિષય કલ્પનાતીત છે. નામ એમ ખબર ન પડે” મેં લખ્યું.
  “એના બાપનું નામ?”
  “મને વિદિત નથી”
  “કેમ?”
  “ખાસ કારણ છે.”
  “શું?”
  “પ્રશ્નો પૂછીને બીજાને કંટાળો આપવાની મને ટેવ નથી.”
  “એવી ટેવ કોઇને હોય છે ખરી?”
  “હા”
  કોને?”
  “ઘણાને”
  “મેં તો એકે એવો માણસ નથી જોયો. કોઇ વગર કારણ પ્રશ્નો પૂછે ખરો?”
  “પૂછે”
  “પૂછે?”
  “હા જરૂર પૂછે.”
  “શા માટે પૂછે?”
  “પૂછવા ખાતર પૂછે”
  “પૂછવા ખાતર તે કોઇ પૂછે?”
  “હા ભાઇ, હા”
  “એમ હોય ખરું?”
  “હોય.”
  “નકામા પ્રશ્નો કોણ પૂછે?”
  “ગધેડા”
  “માણસ પૂછે?”
  “હવે જો એક પણ પ્રશ્ન પૂછ્યો છે તો તારૂ ખૂન કરીશ !”
  મેં લખીને કાગળ એમને આપ્યો-ના, આપ્યો તો નહીં, પણ તરત ફાડી નાંખ્યો. ને આંખ મીંચીને થોડી વાર સુધી હું પડી રહ્યો. પણ એ યુક્તિમાંય હું બહુ ફાવ્યો નહીં; કારણકે થોડી વાર થઇ એટલે એમણે મને પૂછ્યું, “હવે કેમ છે?”, ત્યારે મારાથી બોલી દેવાયું, “સારું છે.” પછી પ્રશ્નોની પરંપરા છૂટી. આખરે કંટાળીને મેં એમને પૂછ્યું, “ભદ્રંભદ્રને આગગાડીમાં મળેલા તે તમેજ કે?”
  “ભદ્રંભદ્ર કોણ?”
  “અમારા પાડોશીની ગાય.” જરા વિચાર કરીને મેં કહ્યું.
  “તે આગગાડીમાં શું કામ ગઇ હતી?”
  “દૂધ વેચવા”
  “દૂધ વેચવા? કોને વેચવા? એનો માલિક દૂધ વેચે છે?”
  આમ એને સંભળાવવા જતાં મારે અનેક પ્રશ્નો સાંભળવા પડ્યા. પણ તેને લીધે મને સરસ યુક્તિ સૂઝી. ત્યાર પછી હંમેશા એ યુક્તિનું પાલન કરવા માંડ્યું. એ યુક્તિમાં હું સંપૂર્ણ રીતે સફળ થયો. મારા મોંનો દેખાવ બને તેટલો વ્યગ્ર કરી ફાટી આંખે એમના સામું ઘૂરકીને કાંઇક બેવકૂફીથી જોઇ રહેતો ને ગાંડાની માફક જવાબ દેતો. એનો એક જ દાખલો આપું.
  મારા સગામાં કોઇ સમચરી હતું. ત્યાં મારા પરોણાને લઇને મારે જમવા જવાનું હતું. ત્યાં આ યુક્તિનો મેં છૂટથી ઉપયોગ કર્યો. જમી રહ્યા પછી એણે અમારા જ્ઞાતિજનો સંબંધી પ્રશ્નો પૂછવા માંડ્યા. “પેલા તમારી જોડે બેઠા હતાં એ કોણ હતાં?”
  “શું પૂછ્યું?” જરા ડોળા ફફડાવીને મેં એમને પૂછ્યું.
  જરા ગભરાઇને મારી સામું ભયથી નિહાળી એમણે ફરી કહ્યું, “પેલા તમારી જોડે બેઠા હતાં એ કોણ હતા?”
  “મારા કાકાની બકરી.” મેં જવાબ દીધો ને ક્ષણભર એ દિગ્મૂઢ થઇ ગયા.
  “ને પેલા તમારી સામે હતા તે?”
  “મારા દાદાનો ઘોડો” મેં શૂન્ય દ્રષ્ટિએ આકાશ સામું જોઇ જવાબ દીધો.
  “બંને એક બીજા સામે ઘૂરકતા કેમ હતા?”
  “જો, સાંભળ !” મેં જોરમાં એને થપાટ મારી કહ્યું, “એ બધા મારી ફોઇના કૂતરા છે. તે માંહ્ય માંહ્ય લડ્યા. રામલાલને ગેટ પર લઇ ગયા.”
  “રામલાલ કોણ?” એણે પૂછ્યું.
  “સાંભળ !” બરાડો મારી ભયંકર અવાજે હું બોલ્યો : “રામલાલને ગેટ પર લઇ ગયા. પોલીસ તેને પગે કરડ્યો એટલે રામલાલને ઝેર ચડ્યું, ને શંભૂલાલ મરી ગયો. મગનલાલ માટે આણેલું ઘાસ ફોજદાર ખાઇ ગયો. એટલે ચીમનલાલે ફોજદારને ડાકું ભર્યું. ફોજદારે દાંત કચકચાવ્યા એટલે સિપાઇઓએ તેને ચૂડ ભેરવી. આમ” કહીને મેં અતીવ બળપૂર્વક એમનો હાથ પકડી મચડવા માંડ્યો. ઝાટકો મારી હાથ છોડી એમણે ઘર તરફ ચાલવા માંડ્યું. *

  મારા કાકી માને છે કે અમારા અતિથિ અમારું શહેર છોડીને જરા વહેલા ચાલ્યા ગયા ને બહુ પ્રસન્ન થઇને ગયા હોય એમ પણ તેમને લાગ્યું નહીં. આ બધાનું કારણ હું જ છું એમ હજીય એ માને છે. પણ માણસ સત્યને સમજવા જ ન માંગે તો તેનો ઉપાય શો? રંગતરંગ

 2. સુરેશ ઓગસ્ટ 14, 2014 પર 10:16 એ એમ (am)

  એટલેતો કહેવત પડી:
  પહેલે દિવસે પરોણો,બિજે દિવસે સઈ,ત્રિજે દિવસે રહે તેની અક્કલ ગઈ
  બાપુ રામ રામ
  -કનક્ભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: