હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પહેલો પગાર; ભાગ -૧

मेरे गुलशनकी  फिज़ा ओमें बहार आ जाये
पहली तारीखसे पहले पगार आ जाये ।

       પહેલી તારીખની પગારદાર માણસ કેવી આતુરતાથી રાહ જોતો હોય છે? પે-સ્લિપ એ સામાન્ય માણસના જીવનનો સૌથી વધુ ગમતો કાગળ હોય છે. ઓફિસના ટેબલ પરના ઇન-બોક્સમાં આવતો તે સૌથી વધુ ચિત્તાકર્ષક કાગળ હોય છે. પ્રિયતમાના પ્રેમપત્રની જેમ તેની આતુરતાપુર્વક રાહ જોવાતી હોય છે.

     પણ જીવનનો પહેલો પગાર તો સૌથી સુખદ ઘટના હોય છે. અહીં મારા પહેલા પગારની વાત કરવાની છે.

      મારી બાવીસ વરસની એ ઉમ્મર સુધી મને  રૂપિયા  મેળવવાનો  ખાસ અનુભવ ન હતો. બેસતા વરસની બહોણી કે, જન્મદિને ચાર આઠ આનાની બોણી કે, મામાને ઘેર શ્રાધ્ધનું જમવા ગયા હોઈએ ત્યારે ભાણિયાને દાનમાં અપાતા ચાર આઠ આના.. આ સિવાય પોતાની આવક શું કહેવાય; તેનો કોઈ પ્રત્યક્ષ ખ્યાલ મને ન હતો.

     હું મારા ભણતરના છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા આપીને મે વેકેશનની આરામદાયક પળોમાં લાયબ્રેરીની ચોપડી વાંચી રહ્યો હતો; ત્યાં રાજામુન્દ્રીથી મોટાભાઈનો તાર આવ્યો કે, ’પેપર મીલમાં સુરેશની નોકરી પાક્કી છે. તેને તરત અહીં મોકલી આપો.’ અને આપણે તો બાપુ ઉપડ્યા.

      એ મુસાફરીની વાત તો અગાઉ કરેલી જ છે. ( તે વાંચવા અહીં ‘ક્લિક’ કરો. )

   પહેલી નોકરી મેળવવી કેટલી દુષ્કર હોય છે? પણ મને તો ભાઈની લાગવગથી, મારો કોઈ અનુભવ ન હોવા છતાં અને કોઈ અરજી કર્યા વિના નોકરી મળી ગઈ. આપણે તો બાપુ! નોકરિયાત બની ગયા – અલબત્ત શીખાઉ તરીકે જ તો.

     કશું કામ કરવાનું હતું જ નહીં. નવી મીલ બની રહી હતી;  અને હજુ તો સિવિલ કામ  ચાલતું હતું. અમારું મિકેનિકલ મશીનરી ગોઠવવાનું કામ તો બે મહીના પછી શરુ થાય, તેવી વકી હતી. એટલે અમે નવાસવા ચાર પાંચ શિખાઉઓને ફેક્ટરી અને મશીનરીના ડ્રોઈંગનો અભ્યાસ કરવાનું કહ્યું હતું. નવોસવો ધસમસતો ઉત્સાહ અને સરખે સરખાની સંગત – વસંતમાં ગુંજતા ભમરા જેવો તરવરાટ અમારા હોવાપણામાં છલકાતો હતો. વળી કંટાળીએ એટલે એકબીજાને ભાષા  શીખવવાનું પણ માથે લીધું હતું. હું આન્ધ્રવાસીઓને હિન્દી શીખવતો, અને એ લોકો મને તેલુગુ.

      પણ બધાના દિલમાં ખરેખરી આતુરતા હતી – પહેલો પગાર મેળવવાની. હું તો ૩૧મી મેના દિવસે જોડાયો હતો. એટલે મને તો એમ કે, ‘થોડોજ એક દિવસનો પગાર મળે? આવતા મહીને જ મળશે’. એક બે જણ બે ત્રણ મહીનાથી જોડાયેલા હતા.

      છેવટે મારે માટે નસીબદાર એ સાતમી તારીખ આવી પહોંચી. હવે વાત જાણે એમ છે કે, અમારી એ મારવાડી કમ્પનીમાં પગાર પહેલી તારીખે નહીં પણ પછીના મહીનાની સાતમી તારીખે થતો. એટલે પહેલી તારીખ નહીં પણ સાતમી તારીખનો બધાને ઈંતજાર રહેતો.

     બીજા મિત્રો તો પગાર લેવા ઉપડ્યા. હું તો મારી ખુરશી પર બેસી રહ્યો હતો. ત્યાં એક અનુભવીએ કહ્યું ,” અલ્યા, જાની! ચાલ તનેય કદાચ પગાર મળશે.”

      આપણે તો બાપુ! હરખમાં અને નવીસવી ઉત્કંઠાથી તેમની સાથે જોડાયા હોં! અમારું બધું હાઉસન જાઉસન ચીફ કેશીયર શ્રી. લાહોટીજીની પનાહમાં પહોંચી ગયું. અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા. હવે ત્યાં એવી સિસ્ટમ કે, બધાને પગાર રોકડો જ મળે. ગમે તેવો મોટો ઓફીસર ના હોય! હા, જનરલ મેનેજર જેવાને લાહોટીજી જાતે તેમની ઓફિસમાં જઈને આપી આવે. પણ મારા ભાઈ જેવા ચીફ એન્જીનીયરને પણ એ લાઈનમાં ઉભા રહેવું પડતું.

     લાહોટીજીની પ્રશંસા કરતા બધા લાઈનમાં ઉભા હતા. એક જુના જોગી બોલ્યા,” અરે, ભાઈ, નોકરી ભલે સોમાણીજીની કરીએ; પણ લક્ષ્મી તો લાહોટીજીની મહેરબાનીથી જ મળે.” લાહોટીજીને પણ આવી પ્રશંસા બહુ જ ગમતી.

     ધીરજના અંતે મારો વારો આવ્યો. કપાળમાં મોટ્ટો ચાંલ્લો કરેલા લાહોટીજીએ તેમના નાકની છેક  કિનારે ઉતરી આવેલા ચશ્માંની ઉપરથી ચૂંચી આંખે મારી તરફ નજર કરી; આ નવા નક્કોર પ્રાણીને ધ્યાનથી નીહાળ્યો અને વદ્યા,

” वो सीवील ईन्जीनीयर जानी सा’बके छोटे भाई होते हो ना?!”

    મેં ગભરાતાં ગભરાતાં ડોકું ધુણાવી હા પાડી. અને તરત લક્ષ્મીનારાયણ સોમાણીના એ સેવકે પગાર પત્રકમાં પહેલાં મારી સહી લીધી, અને પછી એક દીવસના પગારના બરાબર અઢાર રુપીયા પકડાવી દીધા.

     મારો એ પહેલો પગાર હાથમાં આવતાં વિજળીના તારને અડ્યો હોઉં એવી ઝણઝણાટી મારા અંગ પ્રત્યંગમાં વ્યાપી ગઈ. એ નવી નક્કોર નોટોનો સુંવાળો સ્પર્શ અને તેની મીઠ્ઠી સુગંધ મનને તરબતર કરી ગઈ. નોટો ગણવા જેવી ધીરજ જ ક્યાં હતી?

      હું તો લાઈનમાંથી બહાર જવા નીકળ્યો. તરત લાહોટીજીએ ટપાર્યો,” एय, लडके! हमेश रुपीया गीनना सीख.” બાપાએ પણ શીખવાડેલું, એ અમદાવાદી જ્ઞાન લાહોટીજીએ તાજું કરાવી દીધું.

    પગારની આ માતબર રકમ ખીસ્સામાં ઘાલીને, મનમાં નક્કી કરી રાખ્યું હતું તેમ, હું તો મીલના કમ્પાઉન્ડની બહાર આવેલી પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયો. અમદાવાદથી નીકળ્યો ત્યારે મારા બાપુજીએ સુચના આપી હતી કે, પહેલો પગાર આવે તેમાંથી થોડીક રકમ બહેનો માટે મોકલજે. મેં પંદર રુપીયાનો મનીઓર્ડર મારી આ પહેલી કમાણીમાંથી બહેનોના નામે મોકલી આપ્યો.

      બાકી રહેલી રકમ ઘેર જઈ , સીધી ભાભીના હાથમાં મુકી દીધી. મને ખિસ્સાખર્ચ કરવાની કોઈ જ ટેવ ન હતી. ઉલટાનું હવે ઘરખર્ચમાં ભાગીદાર થયાનું મને ગૌરવ હતું. ભાભીએ ના લીધા અને કહ્યું , “આમાંથી બજાર જઈ સાંજે આઈસક્રીમ લઈ આવજો.” અને એ જમાનામાં, એ રકમમાં  ત્રણ જણા ખાઈ શકે એટલો આઈસક્રીમ મળતો પણ ખરો.

     તમને થશે કે, ‘લો, વાત પુરી થઈ.’ પણ ખરી મજાની વાત તો હવે મારા બીજા(!) પહેલા પગારની કરવાની છે.

એ તો… હવે આવતા અંકે ….

5 responses to “પહેલો પગાર; ભાગ -૧

 1. • » નટખટ સોહમ રાવલ « • મે 4, 2012 પર 11:11 પી એમ(pm)

  દાદા, પહેલો પગાર હાથમાં લેવાનો આનંદ જ કંઇક અલગ હોય છે અને એમાંથી પણ જ્યારે ઘરમાં “પોતાની કમાણી”નાં પૈસા મમ્મીના હાથમાં મુકીએ ત્યારે મમ્મીના આંખમાંથી આંસુ ના નીકળે તો નવાઇ.!!!!

  મજાનો લેખ… વાંચવાની ખરેખર મજા આવી…

  મેં પણ મારા બ્લોગ ઉપર આવો જ એક લેખ મુકેલો. અલબત્ત, પહેલા પગારનો નહીં, પણ પહેલા ઇન્ટરવ્યુનો…

  http://natkhatsoham.wordpress.com/2010/07/31/my_interview/

  Like

 2. Vinod R. Patel મે 4, 2012 પર 2:35 પી એમ(pm)

  સુરેશભાઈ, તમારા પહેલા પગારની વાત મનને જચી ગઈ .

  ખાસ કરીને પહેલા પગારના જે ૧૮ રૂપિયા તમને મળ્યા એમાંથી

  તમારા પિતાજીના કહેવા પ્રમાણે બહેનો માટે ૧૫ રૂપિયાનું મની

  ઓર્ડર તમોએ કર્યું એમાંથી બહેનો પ્રત્યેનો પ્રેમ અને એ જમાનામાં

  પ્રચલિત કુટુંબભાવનાનાં દર્શન થયા.

  અભ્યાસ કરીએ ત્યારે પિતા પાસેથી પૈસા ખર્ચીએ છીએ અને

  અભ્યાસ પૂરો કરીએ અને નોકરી કરી પહેલો પગાર જે વખતે

  પિતાના હાથમાં મુકીએ ત્યારે જે મનમાં આનંદ થાય એ ઘણાએ

  અનુભવ્યો હશે.મેં અનુભવેલો અને કુટુંબને હવે ઉપયોગી થયા

  બદલ ગૌરવની લાગણી થયેલી.

  હું ૧૯૫૯ માર્ચમાં બી.કોમ.ની પરીક્ષા પાસ કરીને તરત જ

  અમદાવાદની એક સ્ત્રીઓની સંસ્થા વિકાસ ગૃહમાં હિસાબનીશ

  તરીકે માસિક રૂપિયા ૧૪૫ના પગારથી નોકરી શરુ કરેલી એ યાદ

  આવે છે.એ વખતે આ રકમ ખુબ મોટી લાગતી હતી !સુરેશભાઈની

  માફક મારે પગાર માટે લાઈનમાં ઉભા રહેવાનું ન હતું.હું જ બધાને

  પગાર આપતો હતો એટલે સહી કરીને કેશ બોક્ષમાંથી રકમ મારી જાતે

  ઉપાડવાની રહેતી.

  આખી સંસ્થામાં માત્ર બે જ પુરુષો કામ કરતા, હું અને મારો

  કારકુન- કમ- પટાવાળો- કમ-બહારનું બધું કામમાં ખુબ હોંશિયાર

  યુ.પી.નો ભૈયો રાજ નારાયણ દુબે ! બાકીના વહીવટી કામ બહેનો

  મારફતે થતું હતું.માત્ર ૬ મહિનામાં જ બીજી જોબ એક નવી શરુ થયેલી

  કેમિકલ કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડીયા લીમીટેડમાં ક્લાર્ક

  તરીકે શરુ કરેલી.આ કમ્પનીની ફેકટરીના પાયા કઠવાડા ગ્રામ્ય વિસ્તારમાં

  નંખાતા હતા ત્યારે શેર બઝારમાં એના ૧૦૦ રૂપિયાના શેરના બઝારમાં

  ભાવ રૂ.૧૬૦૦ સુધી પહોંચી ગયેલા.! આ કમ્પનીમાં પછી મેં સળંગ ૩૫

  વર્ષ કામ કરીને સીનીયર એક્ષિક્યુતિવના પદેથી નિવૃત થઈને ૧૯૯૪માં

  અમેરિકા કાયમી વસવાટ માટે આવ્યો હતો !

  Like

 3. aataawaani મે 4, 2012 પર 5:54 એ એમ (am)

  સુરેશભાઈ તમારા પહેલા પગારની વાત જાની મારો પહેલો પગાર મારા બાપે આપેલા પૈસા પેટે આપેલો .

  Like

 4. Dipak Dholakia મે 4, 2012 પર 1:50 એ એમ (am)

  પહેલો પગાર…! ભાઈ કોને ન ગમે? પૈસા તો મળે જ, તે સાથે પોતાની અસ્મિતાનો પણ અહસાસ થાય! મેં નોકરી શરૂ કરી, અમારા ફુવાના છાપામાં રૅપર અને ટિકિટ ચોંટા્ડવાથી. મહિનાનો પગાર પચાસ રૂપિયા. તે પછી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં હેલ્પર તરીકે – રોજનો પગાર ત્રણ રૂપિયા. (તમને તો છ-ગણા મળ્યા!). કામ તો નીસરણી ઉપાડીને ફીલ્ડમાં જવાનું હતું પણ મારા મિત્ર અને યુનિયનના નેતા ઝવેરીલાલભાઈ સોનેજીએ નોકરી અપાવી હતી એટલે ઑફિસમાં બેસીને ઑફિસ રીડિંગની બુક્સ લખાવતા. ત્રણ દિવસ પછી પંચાયતની અછત શાખામાં ૯૧ રૂપિયાના સ્કેલમાં મૅટ્રિક હોવાથી ત્રણ રૂપિયાનો એક એવા ત્રણ વધારાના ઇન્ક્રીમેન્ટ સાથે નોકરી શરૂ કરી. રૂ. ૧૦૦ + રૂ. ૧૦ મોંઘવારી ભથ્થું!

  Like

 5. pragnaju મે 4, 2012 પર 1:16 એ એમ (am)

  આપણામાં કહેવત થઈ ગઈ કે-
  “સેલરી સેવીંગ અને એન્જોય ઓવર ટાઈમ.”
  સેલરી શબ્દ એ રોમન સૈનિકને મીઠું ખરીદવા અપાતી રકમ-
  તેમાંથી કામ કરવા આપવામાં આવતો પગાર માટે પણ તે શબ્દ ચાલુ રહ્યો!
  અમારા ઘરમાં લગભગ 30 વર્શ પહેલા અમારો દિકરો પહેલો પગાર લાવી ભગવાન પાસે મૂક્યો.અમને તે ગમ્યું અને તેમાં તેટલી જ રકમ ઉમેરી બીજે દિવસે પ્રસાદ કહી તેને આપી
  અને તેને કહ્યું આ જ રીતે ગમે તેટલો પગાર મળે ઈશ્વરને મનોમન પણ અર્પણ કરી પછી જ પ્રદાદ રુપે વાપરજે.
  प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
  प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: