હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા

હાસ્યદરબારના સાતમા રત્નાંકે હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા વિષે લખવા પહેલાં શોધ અને સંશોધન અન્વયે નેટમંથન કરવાના મારા આનંદ સાથે તેમના વિષેની માહિતીનો ભંડાર જેમ જેમ મારી આગળ ખુલતો ગયો, તેમ તેમ મારો એ અનેરો આનંદ અદકેરો થતો ગયો. હાદરત્ન તરીકે તેમને ઓળખવા-ઓળખવવા માટે માત્ર હાદ ઉપરના તેમના યોગદાનને આધાર બનાવવાથી આપણને તેમની ‘નવી કહેવતો’ વિષેની સીમિત માહિતી જ મળે. સુરેશભાઈએ હાદરત્નોની યાદીમાં તેમનું નામ સૂચવ્યું હોય અને હાદના દફતરે એક જ વિષયે અને તે પણ મર્યાદિત માત્રામાં તેમના નામ હેઠળ લેખનસામગ્રી ઉપલબ્ધ હોય, તો મારે થોડી વધારે મથામણ કરવી જોઈએ એમ મને લાગ્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે સુરેશભાઈએ ‘સ્પીક બિન્દાસ’ હેઠળ તેમનો લીધેલો ઈન્ટરવ્યુ મને હાથ લાગી ગયો અને જાણે કે મારું ભાગ્ય ઊઘડી ગયું! આ ઈન્ટરવ્યુ વાંચતાં કાસિમભાઈના વ્યક્તિત્વ અને વિચારોને જાણવામાં મને મળેલા આનંદને મારા સુજ્ઞ વાંચકો અખંડ આનંદ તરીકે માણી શકે તે માટેનો મારી પાસે એક જ વિકલ્પ છે કે મારે તેનો લિંક આપી દેવો; અને લ્યો, આ છે તે ઈન્ટરવ્યુનો લિંક.

હાદબ્લોગે કંઈક લખવું એટલે હાસ્યની હદમાં રહીને જ લખવું એ કંઈ જરૂરી નથી, છતાંય વાંચક પક્ષે તેમની અપેક્ષાએ જો ન્યાય વર્તવાનો હોય તો હાસ્યના દાયરામાં રહીને લખાય તે પણ તેટલું જ જરૂરી છે. સર્વ પ્રથમ તો કાસિમભાઈના ‘નવી કહેવતો’ જેવા સાવ નવીન વિષય ઉપર પ્રકાશ ફેંકું તો અહીં એક એવા કૌશલ્યનો સહારો લેવાયો છે કે જે થકી લોકજીભે બોલાતી આવતી કહેવતો કે રૂઢિપ્રયોગો આજના સંદર્ભમાં કટાક્ષમય રીતે રૂપાંતર પામે અને એ દ્વારા સમાજજીવનનાં બદલાએલાં મુલ્યો તરફ ઈશારો થાય. હાદ ઉપરથી ‘શોધ’ માધ્યમે આપ સૌ વાંચકો એ સઘળી જૂનીનવી કહેવતો વાંચીને આનંદ પ્રાપ્ત કરી શકશો. અહીં નમૂના દાખલ કેટલીક આપું છું કે જેથી એ સઘળી કહેવતો જોઈ જવાની વાંચકોની ઉત્સુકતા વધે.

“રાજાને ગમી તે રાણી , ને છાણાં વીણતી આણી”
”પ્રધાનને ગમ્યો તે પ્લોટ, ને કરાવી દીધો એલોટ!”.

“સાપ ગયા ને લીસોટા રહ્યા”
”નેતા ગયા ને વચનો રહ્યાં!”

“સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમ ધમ”.
”નોટો નાંખો છમ છમ ને વોટો આવે રમઝમ!”.

સાહિત્યમાં પ્રતિકાવ્ય કે અનુકાવ્યના પ્રયોગો થાય છે તેવો જ અહીં આ હાસ્યકારનો આ સફળ પ્રયત્ન અને પ્રયોગ છે. મારા મનમાં પણ એવો એક ઉમળકો જાગે છે કે કોઈક જૂની કહેવતોને આજના નવીન સંદર્ભોએ બદલી હોય તો કેવું લાગે? ઉદાહરણ તરીકે, (1) ‘બાર ગાઉએ બોલી બદલાય’ માંના અંતર દર્શાવતા ‘ગાઉ’ શબ્દને બદલે તેની બરાબર થતા માઈલ કે કિલોમીટર કરી નાખવામાં આવે! (2) ‘છાતી ગજ ગજ ફૂલે’ માં ગજ (2 ફૂટ) ને વાર કે મીટરમાં બદલવામાં આવે! (3) ‘પાશેરામાં પહેલી પૂણી’ માં વજનસૂચક ‘પાશેર’ શબ્દને મેટ્રિક પદ્ધતિમાં બદલવામાં આવે! મારા વાંચકો મને માફ કરે, કેમ કે સહજ ભાવે કાસિમભાઈ વિષેના આ લેખમાં મારો પગપેસારો થઈ ગયો અને મારાથી ઔચિત્યભંગ થઈ ગયો!

કાસિમભાઈના વ્યક્તિત્વનાં બહુમુખી પાસાં વિષે વિશેષ કંઈક જાણીએ તે પહેલાં તેમને પહેલી નજરે ઓળખી લઈએ. તેઓશ્રી મારી જ જેમ S.S.C. (Super Senior Citizen) છે. મૂળે ગુજરાત (ભારત)માં જન્મેલા તેઓશ્રી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યા પછી ત્યાંથી કેનેડા સ્થાયી થઈને જીવનનો મોટો ભાગ તેમણે ત્યાં જ પસાર કર્યો છે. 1956માં મેટ્રિક થયા પછી પ્રતિકુળ આર્થિક સંજોગોના કારણે નોકરી સાથે રાત્રિ કોલેજ થકી અભ્યાસ કરીને આગળ ને આગળ વધતા જતાં તેઓશ્રી B.Com., F.C.A., F.C.M.A. ડીગ્રીઓ ધરાવતા થઈ ગયા. પોતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી શક્યા અને સંતાનોને પણ તે માર્ગે આગળ ધપાવી શક્યા તેનું રહસ્ય એ છે કે તેમણે શિક્ષણના માહાત્મ્યને આ શબ્દોમાં ગ્રહણ કર્યું હતું : “Education is power, it is wealth and it is everything in life.” આમ તેમણે પોતાનાં સંતાનો અને ખાસ તો પોતાની બંને દીકરીઓને સારામાં સારું શિક્ષણ અપાવવાના હેતુથી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા મોકલ્યાં.

હવે આપણે તેમના વિષેની થોડીક હળવી વાતો કરીને હળવા થઈએ. વેક્યુમ ક્લીનરનો મૂળ સંશોધક ‘જેમ્સ સ્પેન્ગલર’ કચરાભેગો ખેંચાઈ ગયો અને તે શોધના અધિકારો સાવ સસ્તામાં ખરીદી લેનાર ‘હુવર’ નું નામ આ ઘરગથ્થુ સાધન સાથે જોડાઈ ગયું. કેટલાંક ઉત્પાદનોનાં બ્રાન્ડ નેઈમ એવાં તો લોક્જીભે ચઢી જાય કે ઉત્પાદકો કરતાં ગ્રાહકો દ્વારા જ તેમનો વધુ પ્રચાર થાય. કેટલાંક શહેરોની ખાણીપીણીની વાનગીઓ વખણાતી હોય છે. કાસિમભાઈના એક વિધાનમાં ગણિતશાસ્ત્રના ગણ સિદ્ધાંત (Set Theory)ની અવગણના થતી લાગે છે. તેઓ લખે છે કે “વેક્યુમ ક્લીનર ‘હુવર’ના નામે વખણાય, ઘારી સુરતની વખણાય, પાન પાલઘરનાં, કેળાં વસઈના, તો દાબેલી પણ માંડવીની વખણાય!” કોઈપણ ગણના સભ્યો સમાન લક્ષણો ધરાવતા હોવા જોઈએ, પણ અહીં તેમ થતું નથી. આમ છતાંય હું વિરોધાભાસી એવા એક સામાન્ય લક્ષણે અને દલીલે તેમના વિધાનને ન્યાયી (Justified) ઠેરેવીશ. ઘર’નો પર્યાયવાચક શબ્દ ‘દર’ પણ છે. પેલું વેક્યુમ ક્લીનર ‘દર’ ને સાફ કરે અને પેલી ખાદ્ય સામગ્રી ‘ઉદર’માં જઈને ‘ઘન કચરા’ માં રૂપાંતરિત થઈને ત્યાં એકત્ર થાય!

વળી પાછા કાસિમભાઈના વ્યક્તિત્વના ગંભીર પાસાને યાદ કરીએ તો તેઓ ધાર્મિક રીતે ઉદારમતવાદી છે અને માનવધર્મને પ્રાધાન્ય આપે છે. તેઓ Rationalist (બુદ્ધિવાદી) વિચારધારા સાથે અંધશ્રદ્ધા, ધર્માંધતા અને આડંબરી વિધિવિધાન જેવા નકારાત્મક મુદાઓ પૂરતા અંશત: સંમત થાય છે ખરા, પણ ઈશ્વરના અસ્તિત્વને નકારતા નથી અને શુદ્ધ ભાવનાએ કરવામાં આવતી તેની સ્તુતિ કે ભક્તિને આવકારે છે. તેઓશ્રી એક જગ્યાએ પોતાનો મત આપતાં જણાવે છે કે ‘મારો ઈશ્વર તે છે જે મને સતત સત્ય માર્ગદર્શન આપ્યા કરે છે અને મને શીખવે છે કે માનવતા જ સાચો અને પહેલો ધર્મ છે, અને સ્તુતિ તે પછી આવે છે.’ જીવન વિષેનો તેમનો અભિગમ તેમના આ શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે: ’જીવન જીવવા માટે છે અને જીવવું એક કળા છે. વળી પારકાંઓનાં દુ:ખોને દૂર કરવા માટે જીવવું એ એક મહાન કળા છે.’ આગળ પોતે નરસિંહ મહેતાના પદના આ શબ્દો કે જે મહાત્માગાંધીને પણ પ્રિય હતા તેમને યાદ કરે છે :’વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.’ તેઓ સ્વામી વિવેકાનંદના આ અવતરણ સાથે સંમત થાય છે કે ‘હું એવા કોઈ ધર્મમાં નથી માનતો, જે ગરીબ અને વિધવાનાં આંસુ નથી લૂછતો તથા ગરીબ અને ભૂખ્યાના મોંમાં રોટલીનો ટુકડો નથી નાખતો’. “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” શીર્ષકે તેમણે લખેલા એક મનનીય લેખને વાંચવાની હું મારા વાંચકોને ભલામણ કરું છું. (આ લેખનો લિંક ફરીથી મેળવી ન શક્યો, પણ તેમની કૃતિ “પૈસાનું ગ્રુપ” અને તેમના ઉપરનો એક લેખ “સેવાના સુકાની જનાબ કાસિમ અબ્બાસ સાહેબ—જનાબ મુન્શી ધોરાજવી”ના લિંક મળી ગયા છે જે બદલ હું ખુશી વ્યક્ત કરું છું)

તેમનો ‘પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબનો જન્મદિન’ વિષયે એક ઉમદા લેખ ગુજરાત ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયો હતો અને કેનેડા સ્થિત મોહમ્મદઅલી ‘વફા’ના બ્લોગ ‘બઝમે વફા’માં JPG Image તરીકે સ્થાન પામ્યો છે. અહીં તેનો લિંક છે, જે ડબલ ક્લિકે વાંચી શકાશે. સદરહુ લેખ માઈકલ એચ. હાર્ટ નામના અમેરિકન લેખક દ્વારા લિખિત તેમના પુસ્તક “The 100 – A ranking of the most influential persons in history” (100 – જગતના ઈતિહાસમાં અતિ અસરકારક વ્યક્તિઓની તુલના) ઉપર આધારિત છે. આ પુસ્તકમાં ઈસ્લામના પયગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. અહીં આ બાબતનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી બની જાય છે કે જે થકી વાંચકોને કાસિમભાઈની વાંચનપ્રિયતા અને તેમની લેખનશક્તિનો પરિચય પ્રાપ્ત થઈ શકે.

અંતે કાસિમભાઈએ પોતાના એક લેખમાં QUOTE કરેલા સંત કબીરના આ શબ્દો “ કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે; કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે.” ને યાદ કરીને આપણે છૂટા પડીએ.

પ્રણામ/સલામસહ

દુઆગીર/સ્નેહાધીન,

વલીભાઈ મુસા

One response to “હાસ્ય દરબારનાં રત્નો – 7 (રત્નાંક – 7) * હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા

  1. Pingback: ભારતીય વિસા ના મળે ! | હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: