પ્રભૂ -આ વિષય પર મેં લેખ લખી દીધો છે-જે “કુમાર”માં છપાયો હતો અને મારા હાસ્ય નિબંધ “સુશીલા”માં છે- પ્રતિભાવ આપશો-– હરનિશ જાની
પ્યાર-તકરાર – હરનિશ જાની
====================================================
જયારે પણ હું બે વ્યક્તિને ઝઘડતી જોઉં છું, ત્યારે બહુ હસવું આવે છે. તેમના ગુસ્સામાં મને રમૂજ લાગે છે. મને તે જોવામાં મઝા આવે છે; કારણ કે તે ક્ષણે મારા એકલાની જ બુદ્ધિ ઠેકાણે હોય છે. એ લોકો આવેશમાં શું બોલે છે તેનું ભાન તેમને તો હોતું જ નથી, તેથી ખૂબ રમૂજી સવાલ–જવાબ થાય છે. “તને તારા પૈસાનું ઘમંડ છે. એ જાણું છું.” હવે એ બેમાં કોઈ અંબાણી નથી અને તેમાં કોઈ સ્ત્રી હોય તો ” તું રૂપાળી ખરી ને ! તે વટ મારે છે!” હવે તે બન્નેમાં કોઈ ઐશ્વર્યા રાય નથી. પાસે જો સરીસો હોય તો બતાવાય પણ ખરું કે તે કેટલા રૂપાળા છે! અરીસો પણ નથી હોતો કે તેમને સચ્ચાઈ બતાવી શકું ! હવે તો એવી દશા છે કે મને ઝઘડતી વ્યક્તિઓ જોવાની ગમે છે. ખાસ કરીને તેમના ડાયલોગ સાંભળવાની મઝા આવે છે. મારા જેવાને મનોરંજન મળી રહે છે. એમ થાય કે વિડિયો ઉતારી લઉં.
આ ઝઘડાઓને મનોરંજનનું સ્વરૂપ આપવાની ટ્રેનિંગ મને નાનપણથી જ મળી હતી. સ્કૂલે જતાં મારે માછીવાડમાંથી જવું પડતું. ત્યાં લગભગ રોજ ઝઘડા જોવા મળતા. તેમાં રસ્તાની સામ– સામેનાં ઝૂંપડાંઓની સ્ત્રીઓ લડતી ત્યારે અમે રસ્તા વચ્ચે ટૅનિસ મેચ જોતા હોઈએ તેમ ઘડીકમાં આમ અને ઘડીકમાં તેમ જોતા. તેમની ટૅનિસ બૉલની જેમ ઊછળતી ગાળો સાંભળવા અને સમજવા પ્રયત્ન કરતા. જ્યારે બન્ને પક્ષ એક સાથે ગાળોની જુગલબંધી ચાલુ કરી દેતા ત્યારે કોણ શું બોલે છે તે મને સમજાતું નહોતું. બન્ને તરફથી ઊછળતા હાથોની મુદ્રા સાથે નીકળતી ગાળો અદ્ ભુત શબ્દ–શ્રૃંખલા ઊભી કરતી ! તે પણ અમને સમજાતી નહીં. “તારો રાજિયો કૂટી નાખીશ”; “તારો કાછડો વાળી નાખીશ”; “તારું નખ્ખોદ જાય.” હવે મારી બાને આ શબ્દોના અર્થ પૂછવાની મેં એક વાર ભૂલ કરી હતી. ફક્ત એક વાર જ. મારી સાથેના મારા સાથીઓ સ્કૂલમાં મોડા પડીશું એમ વિચારીને જતા રહેતા; પણ મારી જિજ્ઞાસાવૃત્તિને કારણે હું ઊભો રહેતો. કહેવાની જરૂર નથી કે સ્કૂલમાં હું હમેશાં મોડો પડતો. અને ક્લાસમાં પ્રવેશતી વખતે બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન ન ખેંચાય માટે મારા વર્ગશિક્ષકે મને અંદર પ્રવેશવાની રજા પણ નહીં માગવાની ‘રજા’ આપી હતી. મને એ ઝઘડાનો અંત જોવાની ઇચ્છા થતી. અને ગાળોની આપ–લે વખતે આ ઝઘડાનું કારણ શોધવા પ્રયત્ન કરતો. તેમાં જો કોઈ બાઈ કહેતી કે “તું જો તો ખરી, તારું માથું તોડી નાખું છું.” તો મને થતું કે તે તેનું માથું તોડશે કે નહીં તોડે ? આમાં મેં કોઈ દિવસ છૂટા હાથની મારામારી જોઈ નથી. હા, એક વખતે એક ધણી પોતાની ધણિયાણીને ધોલ–ધપાટ કરતો હતો અને બાઈ માર ખાધે રાખતી હતી. ત્યારે એક રાહદારીને શૂરાતન ચડ્યું અને દોડીને ત્યાં પહોંચી ગયો. તે તો પેલીના પતિને ગડદાપાટુ કરવા માંડ્યો ! “બૈરી પર શૂરો થાય છે ?” પતિ માર ખાતો હતો ત્યાં તેની પત્નીએ લાકડી લીધી અને પેલા રાહદારીને ઝૂડવા માંડ્યો ! માર પડવાથી રાહદારી તો બન્નેને ગાળો દેતો ભાગ્યો. પતિના બરડે હાથ ફેરવતી ફેરવતી પત્ની તેને ઝૂંપડામાં અંદર લઈ ગઈ. મને નથી લાગતું કે આ દંપતીને ‘વેલેન્ટાઈન ડે‘ના મહિમાની ખબર હોય.
મારો આ શોખ તો હવે અમેરિકામાં પણ પોષાય છે. અમેરિકનોથી નહીં; પરંતુ આપણા ગુજરાતી બંધુઓથી. અમેરિકનોને તો મોટેથી બોલતાંય ક્યાં આવડે છે ! તો આપણી જેમ લડતાં તો કયાંથી જ આવડે? એ લોકો વાતોનાં વડાં નથી ઉતારતાં. સીધી પિસ્તોલથી વાતનો નિવેડો લાવી દે છે.
અમેરિકામાં, અમારી બ્રાહ્મણ સમાજની સમિતિમાં જ્યારે દિવાળી પ્રોગ્રામમાં શું જમણ રાખવું તેની ચર્ચા થાય, ત્યારે ખૂબ મઝા આવે. ખાસ કરીને દાળ જોડે વાલ જાય કે તુવેર ? આ ચર્ચામાં મઝા આવે. તેમાં નડિયાદ તરફના સભ્યો તુવેર અને કઢી માંગે. સુરતના બ્રાહ્મણ મિત્રો વાલ, દાળ અને કચોરીની ફેવર કરે. ભાવનગરના સમિતિ સભ્યો સાઈડમાં રોટલો અને છાશ એપ્રુવ કરાવવા મથે. જામનગરવાળા સુખડીની રટ લે. આ દિવાળી મેન્યુ તૈયાર કરતાં કરતાં બાંયો ચડે અને ધારિયાં ઊછળે. આ લોકો ઉશ્કેરાય અને મોટે મોટેથી વઢે ત્યારે હું વચ્ચે મારી બાજુમાં બેઠેલા નડિયાદી મિત્રને ધીમેથી પૂછું કે “વાલથી ગેસ થાય ?” પછી જોઈ લો ! નડિયાદીઓને નવું શસ્ત્ર મળે. આ બધામાં રમૂજી ડાયલોગ પણ આવે. “તમે નડિયાદીઓને ખાતાં શું આવડે ?”; “તમને સુરતીઓને ખાવા સિવાય બીજું શું આવડે ?” પેલા સુખડીવાળાને, એક એંસી વરસના વડીલે કહ્યું કે, “કોઈ દિવસ લાડુ જોયો છે, લાડુ ?” પેલાએ તેમને કહ્યું, “તમે લાડુ સિવાય બીજું કાંઈ જોયું છે ખરું ?” અને બ્રાહ્મણોના ભગવાનની જેમ પેલા વડીલનું ત્રીજું નેત્ર ખૂલ્યું. પેલા વડીલે પેલા ભાઈ માફી નહીં માંગે તો સભાત્યાગ કરવાની ધમકી આપી. બધાએ તેમની માફી માંગી અને કહેવાની જરૂર નથી કે સૌએ વડીલનું મેન્યુ મંજૂર રાખ્યું. આમાં બેકગ્રાઉન્ડમાં રહેલાં સ્ત્રી સભ્યોના મિજાજની વાત તો જણાવી જ નથી. છેવટે ‘ધાર્યું તો દેવીઓનું થાય’ એમ જમણનો ઓર્ડર તો તેમણે જ આપ્યો– ‘શિખંડ, પુરી અને ઊંધિયા’નો.
બ્રાહ્મણ સમાજમાં ઉગ્ર ચર્ચા ધાર્મિક ક્રિયા વખતે થતી. બીજી કોમોમાં લગ્ન કે સત્યનારાયણની પૂજા જેવા પ્રસંગોએ લોકોની વચ્ચે એક જ બ્રાહ્મણ હોય. એટલે એ જે કાંઈ કરે–બોલે એ બ્રહ્મવાક્ય. અરે! લોકોને એમ કે મહારાજ જલદી જલદી પતાવે તો સારું. જ્યારે બ્રાહ્મણ સમાજમાં તો બધા જ ધાર્મિક ક્રિયાઓમાં એક્સપર્ટ ! એટલે એમની ધાર્મિક વિધિ કરાવનાર બ્રાહ્મણનું તો આવી જ બન્યું ! એને માટે તો જાણે અગ્નિપરીક્ષા. સહેજ ભૂલ કરે તો બીજા ચાર બોલી ઊઠે ! અને પછી ચાલુ થાય શાસ્ત્રીય છતાં ઉગ્ર ચર્ચા, જેને હું ઝઘડો કહેતો. કોઈ કહે કે શાસ્ત્રમાં આ પદ્ધતિ આપી છે. કોઈ કહે કે શિવ–પુરાણમાં શંકરની વિધિ આમ બતાવી છે. તેમાં વળી કોઈ ડાહ્યો કહે કે અમારા કુળમાં આ વિધિ આમ જ કરીએ છીએ. આવામાં એક વખત જ્યારે આવી ઉગ્ર ચર્ચા ચાલતી હતી ત્યારે કોઈ જુએ નહીં એ રીતે, યજ્ઞોપવિત–સંસ્કાર આપનારા મહારાજ જ પાછળથી રફુચક્કર થઈ ગયા ! મેં તેમને ભાગતા જોયા હતા. એનાથી મોટી રમૂજ કઈ?
હું હમેશાં કહું છું કે મારો ઊછેર ભારતીય રેલવેમાં થયો છે. આપણી ટ્રેનોનું એક કલ્ચર છે. ટ્રેનમાં મુસાફરીની મોટામાં મોટી ખાસિયત એ છે કે તમે હમેશાં નવા લોકોના સંપર્કમાં આવો. તમારે એ લોકો જોડે બોલવું હોય બોલો, ન બોલવું હોય તો ના બોલો; પરંતુ બોલાચાલી માટે વિવેકનો કોઈ બાધ નથી હોતો. જગ્યા માટે, સામાનને અડકવા માટે, બારી ખોલવા કે બંધ કરવા માટે – આવાં તો કેટલાંય કારણોસર ઝઘડા ચાલુ થાય છે. ઝઘડાનાં અમુક જ કારણો હોવાં જરૂરી નથી. એમાં ત્યાં કોઈ છોકરી હોય તો બીજા કેટલાય વિષયો ઉમેરાય. એક વખતે ગિરદીમાં વલસાડની ટ્રેનમાં ઊભો હતો. ત્યારે હું સુરત કૉલેજમાં ભણતો હતો. અને મારી પાછળ એક આધેડ વયની સ્ત્રી ઊભી હતી. ખેડૂત વર્ગની હશે. ગાડીની સ્પીડને કારણે મને તેના ધક્કા વાગતા હતા. મેં સીધું જ સંભળાવ્યું, “દૂર ઊભી રહે ને, મને ધક્કા લાગે છે.” એટલે એ મને કહે, “તું પાછો બહુ રૂપાળો ખરોને, તે હું તને ધક્કા મારું ! ” મને જવાબ આપતાં જ ન આવડ્યો. અને લોકોને એક મઝાની તકરાર જોવા ન મળી. ભારતીય રેલવે ઝઘડાના ઉદ્યોગને પોષે છે. મારા જેવાને મનોરંજન મળી રહે છે. મને યાદ આવે છે. મહાભારતના સમયથી આ ઝઘડા આજ સુધી ચાલતા આવ્યા છે. દેશો વચ્ચે, ધર્મો વચ્ચે, કુટુંબો વચ્ચે, ઝઘડા હમેશાં રહ્યા છે. પરંતુ જે મઝા બે–ત્રણ વ્યક્તિઓના ઝઘડા વચ્ચે હોય છે, તે કાંઈ ઓર જ હોય છે. પરંતુ મારી આ ઝઘડા માણવાની ટેવે મને એક વાર મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
ગયા વરસે અમે– હું અને મારાં પત્ની– રોમ,ઇટાલિ ગયાં હતાં. શહેરમાં ફરતી બે માળી ‘સાઈટ સીઈંગ’ બસમાં ઉપલા ખુલ્લા માળે અમે બેઠાં હતાં. અમારે દસ મિનિટ થોભવાનું હતું. મેં સામેના ફૂટપાથ પર જોયું તો કાર પાર્કિંગ માટે બે જણ ઝઘડતા હતા. બન્ને સાથે તેમની પત્નીઓ હતી. ઇટાલિયન લોકોની ખાસિયત એ છે કે તેઓ વાતો કરતાં કરતાં શબ્દોની સાથે હાથની મુદ્રાઓ પણ કરતા હોય છે. અને ગુસ્સે થાય તો તે મુદ્રાઓ, મુઠ્ઠીમાં પણ પરીણમે છે. મારે આ લોકોની ભાષા સમજવાની જરૂર નહોતી, બન્ને જણ કાર પાર્કિંગની જગ્યા માટે લડતા હતા. હવે તે જોઈ હું ઉશ્કેરાયો. મને બાળપણમાં જોયેલી માછણોની લડાઈ યાદ આવી. આ વખતે મારી પાસે વિડિયો કેમેરા પણ હતો. અને મેં તો તે ચાલુ કરી દીધો, આ અવસર કંડારવા માટે ! તેમાં એક જણની પત્નીએ પતિને સાથ આપવા બૂમો ચાલુ કરી દીધી, મુક્કાબાજી સાથે. જ્યારે બીજી પત્ની પોતાના પુરૂષને ન લડવા વારતી હતી. તેમાં આવી પોલીસ ! કારમાંથી બે પોલીસ ઊતર્યા. આ લોકોએ પોલીસોને પણ ધક્કે ચઢાવ્યા. તેમની વહારે બીજી પોલીસની કાર આવી. તેમાંથી બે પોલીસ ઊતર્યા. હવે પોલીસે મામલો સંભાળી લીધો. લડનારાઓમાંથી એકે તો પોલીસને પણ ધોલ અને મુક્કા માર્યા હતા ! આ દરમિયાન મારી વિડિયોગ્રાફી તો ચાલુ જ હતી. બસ પર ઉપરના માળે હું ઊભો હતો. એક પોલીસની નજરે હું ચઢી ગયો. તે પોલીસદાદા તો આવ્યા બસ ઉપર. બસને આગળ નહીં જવા ફરમાન કર્યું. ખૂબ વિવેકથી મારો વિડિયો કેમેરા લઈ લીધો. તે કોઈ ઇંગ્લીશ સમજતા નહોતા. બસમાં પણ કોઈ ઇંગ્લીશ બોલતું નહોતું. મને લઈ ગયા પોલીસ–કાર પાસે. ચારે પોલીસમાંથી કોઈ મને આવડતી ગુજરાતી કે ઇંગ્લીશ સમજતું નહોતું. મને ત્યારે સમજાયું કે ઇંગ્લીશ એ કંઈ દુનિયા આખીની ભાષા નથી.તે “આંતર્રાષ્ટ્રિય ભાષા” તરિકે ગુજરાતમાં જ ઓળખાય છે. અમારી બસની ટૂર ગાઈડ ભાંગલું–તૂટલું ઇંગ્લીશ બોલતી હતી. તેને સમયસર બસ ઉપાડવાની ચિંતા હતી. મને એમ કે મેં પોલીસની વિડિયોગ્રાફી કરી તે, સિક્યૂરીટીની દૃષ્ટીએ કદાચ કાયદાભંગ હશે. હું તો કેમેરા પણ આપી દેવા તૈયાર હતો. અને જીવનમાં મને પહેલી વાર હનુમાન–ચાલીસા નહીં આવડવાનો રંજ થયો. હવેથી કોઈ દિવસ કોઈ પણ લડાઈનો વિડિયોગ્રાફી નહીં કરવાની મેં મનોમન પ્રતિજ્ઞા કરી. પેલી ટૂર ગાઇડ મારી વ્હારે ધાઇ. તેણે મને સમજાવ્યું કે પેલા લડતા લોકોમાંથી એકે પોલીસને મુક્કા માર્યા હતા. તેની ફિલ્મ કોર્ટમાં પુરાવા તરીકે પોલીસ વાપરવા માંગે છે. એ જાણ્યા બાદ મારું બ્લડ પ્રેશર જરાક ઓછું થયું. બાજુમાં જ કૉડાક કેમેરા શોપ હતી. ત્યાં તેમણે મારી કેમેરા ચીપની કૉપી કરી લીધી અને મને છૂટો કર્યો. આ ગાળામાં મારા અને ટૂર ગાઈડ માટે બસ, ખાસ્સો અડધો કલાક રોકાઈ હતી. બસમાં બીજા બધા સહેલાણીઓ મારા પર ઊકળતા હતા. આ ગાળામાં મારી પત્નીને તો, તેઓ મને ‘જેલમાં જ પૂરી દેશે અને વેનિસ જવાનું રખડી પડશે” એવા વિચારો આવ્યા હતા.ખાસ કરીને વેનિસ નહીં જવાય તેની ચિંતા હતી. એટલે હું જેવો સીટમાં બેઠો કે મને તેણે નોટિસ આપી, “તું અને તારો કેમેરા, ઘેર પહોંચવા દે ને ! બન્નેને બહાર નાખી આવું છું.”
લખ્યા તારીખ-1st April 2009.
Harnish Jani
4 Pleasant Drive.
Yardville – NJ – 08620 – USA
Email- harnish5@yahoo.com
TeIe – 609-585-0861
Like this:
Like Loading...
Related
Pingback: (227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ) | William’s Tales (Bilingual Multi Topic Reads)
Pingback: (227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ) | William's Tales
શ્રી હરનિશભાઈ,
સરસ મજાનો હાસ્યલેખ વર્ષો બાદ વાંચવા મળ્યો. ‘વર્ષો બાદ’ શબ્દો મને જ લાગુ પડે છે અને તે એટલા માટે કે છેલ્લાં ત્રણેક વર્ષ પહેલાંના લગભગ ત્રણેક દસકાનો સમયગાળો મારા માટે સાહિત્યવાંચન પરત્વેનો મોટો વિરામ રહ્યો હતો, જે મારા ધંધાકીય કામકાજમાં ગળાડૂબ રહેવાના કારણે જ સર્જાયો હતો.
પ્યાર-તકરાર શીર્ષકેથી શરૂ કરીને “તું અને તારો કેમેરા, ઘેર પહોંચવા દે ને ! બન્નેને બહાર નાખી આવું છું.” સુધી સતત મરકમરક હસાવ્યે જતી આ કૃતિ કંઈ અમસ્તી જ ‘કુમાર’ નાં પાનાંએ નહિ જ ગઈ હોય; અને તેનું ‘કુમાર’નાં પાને ચમકવું, એ પોતે જ સર્જક અને સર્જન માટે એક મોટા પ્રમાણપત્ર સમાન છે.
હાસ્યપ્રધાન રચનાનું એક માત્ર લક્ષ્ય હાસ્ય જ હોઈ શકે નહિ, એણે સાહિત્યકારના અન્ય કેટલાક ધર્મ પણ નિભાવવાના હોય છે. કોઈ નાટકનો સૂત્રધાર વચ્ચે વચ્ચે આવતો રહીને કંઈક કહેતો જાય તેમ અહીં શ્રી હરનિશભાઈ “એ લોકો આવેશમાં શું બોલે છે તેનું ભાન તેમને તો હોતું જ નથી.” જેવી વાત એવી સહજ રીતે મૂકી દે છે કે આપણા હસવાના મુડને જરાય વિક્ષેપ ન અનુભવવો પડે.
લેખકે કેટલાંક શબ્દચિત્રોની સરસ મજાની એવી માવજત કરી છે કે એ દૃશ્યો આપણી નજર સામે ભજવાતાં હોય તેવું લાગ્યા વિના રહે નહિ. મારી આ વાતના સમર્થનમાં ફરી વાંચો : “ત્યારે કોઈ જુએ નહીં એ રીતે, યજ્ઞોપવિત–સંસ્કાર આપનારા મહારાજ જ પાછળથી રફુચક્કર થઈ ગયા ! મેં તેમને ભાગતા જોયા હતા.”
આખાય લેખમાં ઠેર ઠેર ‘થોડામાં ઘણું કહી જાય’ એવાં લેખકતરફી વિધાનો જોવા મળશે જેવાં કે, ‘મને નથી લાગતું કે આ દંપતીને ‘વેલેન્ટાઈન ડે‘ના મહિમાની ખબર હોય!’ અને ‘લોકો સીધા પિસ્તોલથી વાતનો નિવેડો લાવી દે છે.’
લેખકની વક્રોક્તિઓ કે જેમને તેમના જમાપાસામાં મૂકી શકાય તેવી કેટલીક આ પ્રમાણે છે; જેવી કે, ‘હું હમેશાં કહું છું કે મારો ઊછેર ભારતીય રેલવેમાં થયો છે.’; તો વળી, ‘ભારતીય રેલવે ઝઘડાના ઉદ્યોગને પોષે છે.’ કોઈપણ સાહિત્યપ્રકાર અને એમાંય હાસ્યરચનાઓમાં તો ખાસ જરૂરી એવી વક્રોક્તિની વિભાવનાને સંસ્કૃતના વિદ્વાન કુન્તકે સરસ રીતે ઉદાહરણો સાથે સમજાવી છે, જે અહીં પર્યાપ્ત રીતે સિદ્ધ થઈ છે.
મારા વિવેચનની કદમર્યાદાને અવગણીને પણ રેલવે મુસાફરો વચ્ચે થતા ઝગડાઓની નાની યાદીમાં ‘બારી ખોલવા કે બંધ કરવા’ સબબે મારા તરફની એક રમુજી વાતને મૂકવાની લાલચને રોકી નથી શકતો. પેલા બે જણ લડતા ઝગડતા વારાફરતી કાચની બારી ખોલબંધ કર્યે જ જાય છે, પણ તેમને ખબર હોતી નથી કે બારીને કાચ છે જ નહિ અને તેઓ માત્ર ફ્રેમને જ ઊંચાનીચી કર્યે જાય છે!
અંતે લેખક અને તેમનાં પત્નીની રોમ, ઇટાલિની સફર વાંચકો માટે પણ યાદગાર સફર બની રહી. આ પ્રસંગમાં પણ માર્મિક હાસ્ય તો વેરાએલું પડ્યું જ છે, છતાંય એક તટસ્થ વિવેચક તરીકે મારો ધર્મ બજાવું તો મારે કહેવું પડે કે આખાય પ્રસંગને યથાવત જાળવી રાખીને કેંઈક ભાષાકીય ટેકનિક વડે આ છેલ્લા ફકરાને ટૂંકાવી શકાય તેમ હતો. કોઈ પણ કૃતિના અંતિમ ચરણમાં એવું ન બનવું જોઈએ કે જેથી વાંચક થોડા માટે કરીને પણ વાંચનમાંથી પોતાનું મોંઢુ ફેરવી લે અને પરાકાષ્ઠામાંથી પ્રાપ્ત થનાર આનંદથી વંચિત રહી જાય!
પ્યાર-તકરારે મારા ઉપર એક વશીકરણ તો અવશ્ય કર્યું છે અને તે એ છે કે મારે લેખકનો હળવા નિબંધોનો સંગ્રહ ‘સુશીલા’ કોઈપણ સ્રોતે વાંચવો જ રહ્યો.
હરનિશભાઈ, હાસ્યનિબંધ વિષે તો લખ્યું, પણ છેલ્લે છેલ્લે શીર્ષક વિષે માત્ર એટલું જ કહીશ કે ‘પ્યાર-તકરાર’ સરસ શીર્ષક લાવી જાણ્યા છો.
ધન્યવાદ.
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
LikeLike
Pragnaben Vyas said….
” ‘તેની રાહમા હવેતો ખાવાનુ બન્ધ…’
ઇતના ના તડપાઓ કિ દર્દ કે ભી આઁસૂ છલક જાયેં,
યે સજા મત દો પ્યાર મે કિ હમ દર્દ કી પરિભાષા બન જાયેં,
યુઁ જલા કર, ગમ દે કર, તડપા કર,
ઇતના મત ઇન્તજાર કરવાઓ કિ આઁખેં સમય કા પૈમાના બન જાયેં .”
LikeLike
હરનિશભાઈની ઝઘડા નીરખવાની કળાને દાદ આપવી પડે.
ઈટાલીમા ઝઘડાને કેમેરામા કંડારવાના સાહસને સલામ !
પોલીસે presence of mind અને evidence આપવા માટે ઈનામ આપવુ જોઇતુ હતુ !
LikeLike
Pingback: પ્યાર-તકરાર – હરનિશ જાની | indiarrs.net Featured blogs from INDIA.
મિત્રો તમારી કોમેન્ટસ બદલ આભાર.ભજમનભાઇની વાત વિચારવા જેવી છે-એ ઝગડો You tubeપર મુકવા જેવો છે-એ ઇટાલિયનએ પોલીસે આપેલી ટીકીટ ફાડી નાખી હતી અને એક પુરુષ અને એક સ્ત્રી પોલીસને ધક્કે ચઢાવ્યા હતા- અને એની બિચારી પત્ની એને વાળતી હતી- That was funny-
LikeLike
પિય હરનિશભાઈ,
તમારા બન્ને પુસ્તકો ક્યારે મળશે તેની રાહમા હવેતો ખાવાનુ બન્ધ કરવાના દિવસ આવવાના લાગે છે.
દરેક લેખમા કઈ ને કઈ કટાક્શ સાથે સત્ય ને શિખવાનુ મળે છે.
તમારી આપેલી ભેટ ગીતા સન્તાડીને રાખે છે!
અને બા બાપુજીને તમે આ પુસ્તકો મા બધાના હ્રુદય મા વસાવી દીધા છે.
રાજેન્દ્ર ત્રિવેદી
http://www.bpaindia.org
LikeLike
અરે ભાઇ, ક્લિપ મુકી હોત તો અમે પણ માણતે! આમે ય બીજાના ઝગડા જોવાની માનવ સહજ (કે ગુજ્જુ સહજ!) નબળાઇ તો ખરી જ.
LikeLike
કેમેરા પાછો મેળવવા માટે હરનિશભાઈને અભિનંદન.
જો કે. આ ઝગડો મિંયાબીબીનો ન કહેવાય. ઉલટાનું આમાં તો બીબીએ મિયાંને સાથ આપ્યો હતો.
મારે તો આંતરિક ઝગડાની તમારી કહાણી વાંચવી છે ! ઘરમાં ના થતા હોય તો, ઊભો કરજો!
LikeLike
વાહ હરનિશભાઈ. ઈટાલીવાળો કીસ્સો સહુથી વધુ રમુજ કરાવી ગયો. બ્રહ્મભોજન નશો બહુ ચઢાવે, એમાં પણ જો લાડુ, વાલ અને દાળ-ભાત હોય પછી તો પુછવું જ શું?
LikeLike
જ્ઞાની થઇને મારે ગાલ, ભકત થઇ વઢવાનો ખ્યાલ ;
ભકિત-જ્ઞાન ત્યાંહાં ઠામે હશે, એ તો બેહુ વઢે છે રસે.
અખા એ નિષ્કારણ વેર, જયમ ચૌટે ભેંસ ને વઢવાડ ધેર
ભકત દેખે સધળે ભગવંત, દેખીને દુહુવે તે શાના સંત ?
જ્ઞાનીને નિરદાવો ધટે, તે તાંહાં નિત્ય વઢી આવટે ;
ભકિત-જ્ઞાન નોહે એ ખેદ, વંઠયા જીવ, અખો કહે વેદ
અખાએ વર્ણવેલા સંપ્રદાયના ઝગડા કે કુટુંબના બોલાચાલીના ઝગડામા વાંદરાને તો મઝા જ હોય ! પણ તેને રમુજી સ્વરુપે લઈએ તો તો ઝગડા ઝગડાની રમતની ગંમત જેવું લાગે.
લેખ માણવાની મઝા આવી…
થયું થોડા ચિત્રો મૂકું…ન ગમે તેને ડીલીટની મિટાવી દેજો.
ગાળના સ્વરુપમાં અહીં અમેરિકામા મૂર્ખના સ્વરુપ મૉરૉન,ઈડીયટ,રીટારડેડ કહેવાથી ખોટું લાગે અને સેક્સ વિષેની ગાળમા નવાઈ જેવો ચહેરો કરે ત્યારે ભારતમા તેનાથી ઊલટું…
બાકી કેવી રીતે બોલાય છે તે પર આધાર રહે…અમારા ભૂમિતિના પ્રોફેસર ટેં જં ટ એવી રીતે બોલતા કે ભયંકર ગાળ લાગતી………
Pragnaben
LikeLike
Suresh Jani said….
” એમ ન બને કે, એમની પત્ની તેમને વધારે મજબૂત વિશેષણોથી નવાજતી હોય?
અને કો’ક ડાહ્યા જણે કહ્યું હતું કે –
‘મિયાંબીબીના ઝગડામાં કદી ન પડવું ! ક્યારે એ બે એક થઈ જાય, તે ન કહેવાય! ”
જો કે, તમને તો એક સરસ મજેનો હાસ્ય લેખ લખવાનો વિષય મળી ગયો. “
LikeLike