’ બીરબલે ચોર પકડ્યો. ‘ એ વાર્તા તો હવે બહુ જુની થઈ ગઈ. અંગ્રેજીમાં ત્રેવીસમી સદીની એક નવી વાર્તા મળી છે – એ વાંચો અને બીરબલને યાદ કરો , અથવા ભુલી જાઓ !
———————————–
એક મહાન વૈજ્ઞાનીક હતો – જેનેટીક એન્જીનીયર. તેણે અત્યંત સંશોધન કરી, કોઈ પણ પ્રાણીની અદ્દલ નકલ બનાવી શકાય તેવી ટેક્નીક હાંસલ કરી હતી. હવે તે વૃધ્ધ થયો હતો. તેને ખબર પડી ગઈ કે, યમરાજા તેને લેવા કોઈ પણ ઘડીએ આવી પહોંચશે.
તેણે પોતાની બરાબર નકલ કરી, બીજા અગીયાર વૈજ્ઞાનીકો બનાવી નાંખ્યા. બધા આબેહુબ પોતાની જ પ્રતીકૃતી. કશો ફરક કોઈ કળી જ ન શકે.
યમરાજા તો ભાઈશ્રીને લેવા આવ્યા, પણ અસમંજસમાં પડી ગયા. આ બાર નંગમાંથી કયું અસલી? અને આવા ભયંકર કામ રોજ કરવાના , એટલે એમની બુધ્ધી લઠ્ઠ જેવી તો થયેલી જ હોય ને? એ તો પાછા ગયા અને ચીત્રગુપ્તને પોતાની આપદા વર્ણવી.
ચીત્રગુપ્ત તો હોંશીયાર જણ . એમણે યમરાજાને કાનમાં કશુંક કહ્યું.
યમરાજા તો પાછા વૈજ્ઞાનીકો પાસે આવી ગયા.
તે વદ્યા ,” જુઓ , તમારી કોઈ ચાલાકી હવે ચાલવાની નથી. તમે ગમે તેટલા હોંશીયાર હો, પણ એક ખામી તમારી આ બનાવટોમાં રહી ગઈ છે. હમણાં જ હું એ પકડી પાડવાનો છું .”
હવે મુળ ભાઈનો અહમ ઘવાયો. એમણે બધા સાધનો વાપરી, ચકાસી જોયું હતું કે , કોઈ ખામી રહી ગઈ નથી.
એમનાથી બોલ્યા વીના ન રહેવાયું ,” અરે! એમ હોય જ નહીં. મને કહો, ક્યાં ખામી છે?”
અને યમરાજા એમને બગલમાં ઘાલીને પાડા ઉપર વીદાય થઈ ગયા.
—————————————-
બીરબલને યાદ ન કરવા હોય તો ,
” વઈઓ તો મેં તઈયો ,” વાળી બોબડી રાણીને યાદ કરી લો !
——————
સૌજન્ય : ‘ ફન ફોર અમદાવાદી’ - ગ્રુપનાં સભ્ય શ્રીમતી ચેતનાબેન ભગત ( તેમણે મોકલેલી અંગ્રેજી વાર્તાનો ભાવાનુવાદ )