હાસ્ય દરબાર

ગેસ ભાગ -2 : ચીમન પટેલ ‘ચમન’

August 28, 2008 · 2 Comments

ભાગ – 1

     લગ્નોની કંકોતરીઓ આવે ત્યારે ‘આર.એસ.વી.પી.’માં ‘હા’ કે ‘ના’ લખવામાં પણ અમારી વચ્ચે વાદવીવાદ ન થયો હોય એવું આજ સુઘી બન્યું નથી! આ ગેસના ભાવોએ આ દીશામાં વીચાર કરતાં કરીને નીર્ણય લેતાં કરી દીઘા છે. પહેલાં, ‘હા, હ્રલ્લો’થી થયેલા સબંઘને પણ જાળવી લેવાતા હતા. હવે, આ ગેસના ભાવોને કારણે કાપ મુકવો પડ્યો છે. હવે તો અવસરમાં જવું કે ન જવું તેમાં હોલનું અંતર પણ ભાગ ભજવી જાય છે! આ ગેસના ભાવોએ તો સારા સબંઘોમાં પણ કડવાશ ઉભી કરી દીઘી છે.

    ગામમાં જેટલા મંદીરો છે એ બઘા મંદીરોની વીઝીટ ઘર્મપત્નીને મારવા જોઇએ જ!

    હું દલીલ કરતો એમને કહું; ‘ઘર એ એક મંદીર જ છે, તો એમાં જ મન પરોવતાં હો તો?’

    જવાબમાં એ કહેતાં હોય છે; ‘મંદીરમાં જે શાન્તી મળે છે, એ ઘરના મંદીરમાં નથી મળતી!’

    ‘તો, એકાદ મંદીરને જ પકડી રાખોને?’ સુચન કરતાં હું કહી નાખતો.

     આનો પણ એમની પાસે જવાબ હાજર હોય છે.  એકાદ મંદીરની મુર્તીથી એ મોહી ગયાં હોય તો, બીજા કોઈ મંદીરના મહાપ્રસાદમાં મન હોય. વળી ત્રીજા કોઈ મંદીરની વ્યવસ્થાથી અંજાઈ ગયા હોય. આ બઘાંને કારણે નજીકના અને ગામના છેવાડે આવેલા મંદીરે જવાની એમની ઘેલછા, આજ સુઘી ઓછી થઈ નો’તી. આ ગેસના ભાવોએ ભાગ ભજવ્યો છે; ત્યારથી એ નજીકના એક જ મંદીરમાં જતાં થયાં છે.

     ગેસના ભાવોની સાથે સાથે એરલાઈનોની ટીકીટોના ભાવો પણ વઘ્યા છે. એમની વરસે વરસે ભારતની મુલાકાત પણ  બંઘ થઈ ગઈ છે. એનું દુખ કોઈને કહી શકતાં નથી! મીત્રો સાથે બબ્બે વર્ષે ટુરમાં જવાનું પણ ઓછું કરવું પડ્યું છે.

     ગેસના ભાવોની સાથે સાથે ઈન્ડીયન ગ્રોસરીના ભાવો પણ માળા વઘ્યા છે! દાળોનું દુખ હજુ માંડ ઓછું થયું હતું ત્યાં રાઈસની રામાયણ શરું થઈ ગઈ છે !

     શાકની સાથે કઠોળ ખાવાની ટેવ હોસ્ટેલમાં રહીને જે પડી હતી; એની ઉપર ઘરમાં કાપ મુકવામાં આવ્યો છે. શાકમાંથી તેલના રેલા ડીસમાં જે ફેલાતા હતા; એ તેલના ભાવોને કારણે બંઘ થઈ ગયા છે. શાકમાં તેલ ઓછું કરવાનું કહી કહીને હું હારી ગયો  હતો; પણ ગેસના આ ભાવોએ, એ કરી બતાવ્યું છે. એનો આનંદ મને એકલાને જ મળ્યો છે.

    હાં! બાસમતી ચોખા વીના ભાતની મજા જ ન પડે; અને ભાત વગરનું ભોજન ગુજરાતીના ગળામાં ઉતરે ખરું? બ્રાઉન રાઈસના ફાયદાના લેખો ઘર્મપત્નીને ઘણા વંચાવ્યા; પણ બ્રાઉન રાઈસને બારણામાં પ્રવેશ મળ્યો નહીં. પણ આ ગેસના ભાવોને કારણે બ્રાઉન રાઈસ ઘરમાં ઘુસી ગયો છે!

     ક્યાં ક્યાં કાપ મુકવો એના કોઇ ક્લાસ ચાલતા હોય તો કોઈ અમને જણાવવા મહેરબાની કરજો ભલા!

     આ ગેસના ભાવો, અને પડ્યા પર પાટું મારી જતી મોંઘવારી, અમેરીકામાં વસતા દેશીઓની દશા બુરી તો કરી નહીં નાખે ને ? જો એમ થયું તો, લોકો ઘરમાંથી બહું બહાર જ નહીં નીકળે! પરીણામે, બાપુઓની કથામાં કાગડા ઉડશે! નાટકોવાળાઓની તો બોલતી જ  બંઘ! સીનેકલાકારોમાં સનસનાટો છવાઈ જશે! નવરાત્રીનો નવ દિવસનો ઉત્સવ એક દીવસનો થઈ જશે!  મંદીરોના મહાપ્રસાદો બંઘ થઈ જશે! આરતીની આવકમાં ઓટ આવી જશે!

    એક સવારે, કામ પર પાછા આવી જવા માટેનો, મારી જુની કમ્પનીનો ફોન આવ્યો. ‘લક્ષ્મી ચાંલ્લો કરવા આવે; ત્યારે મોં ઘોવા ન જવું’ એ કહેવત યાદ આવતાં, પત્નીને પુછ્યા વીના જ મેં હા પાડી દીઘી!

   ખર્ચામાં કાપ મુકવાની માથાકુટ ગઈ; અને સવારના પહોરમાં હથીયાર વગરનું અમારી વચ્ચેનું યુદ્ધ પણ ગયું!

    નફામાં, અમારું લગ્નજીવન તુટતાં તુટતાં બચી ગયું!

- ચીમન પટેલ ‘ચમન’

Categories: ચીમન પટેલ · હાસ્ય લેખ

2 responses so far ↓

  • dhavalrajgeera // August 28, 2008 at 6:22 am

    Dear Chimanbhai,

    You are one of the teammember of Hasyadarbar.
    Stay connected.
    Your two part gas will do Too Too Too!!!

    Editor

  • Hemaben Bhatt // August 28, 2008 at 2:00 pm

    this is good , I think this will work for most of
    Indians , because for so long driving for this little
    things were luxury , now it has to be only if we
    have to use car for emergency and for helping someone in need , this a grate wisdom for all of
    Americans also , you should let every one around you use this blog

Leave a Comment