હાસ્ય દરબાર

‘ગેસ’ ભાગ -1 : ચીમન પટેલ ‘ચમન’

August 26, 2008 · 5 Comments

      ખુબ ખવાઇ ગયા પછી, પેટમાં થતા ગેસની આ વાત નથી! આમેય પેટમાં થતો ગેસ, મન અને તનને ઘડીભર ગજબની ગાડીમાં સહેલ કરાવે છે. પેટના ગેસને દાદીમાની કોઇ ઘરગથ્થું દવાથી દુર કરી શકાય છે; પણ આ દરરોજ વઘતા ગાડીઓના ગેસના(પેટ્રોલના) ભાવોની દવાની મને ખબર નથી. એટલે આજે આ ગેસની ગાથા ગાવાનું મન થયું છે.

     સુર્ય ઉગવાની સાથે જ આસમાને ચડતા આ ગેસના ભાવોએ અમારા જેવા રીટાયડૅ થયેલાઓની નીંદર હરામ કરી મુકી છે.  ઘર્મપત્નીને કહી કહીને મારી તો જીભ પણ ઘસાઇ ગઇ છે કે, ‘ખરીદી કરવાનું લીસ્ટ બનાવીને નીકળતાં હો તો? ‘ લીસ્ટ વગર, એમની સ્મૃતી પર આધાર રાખી- આ ઉમ્મરે- એ આજ સુઘી શોપીંગ કરતાં રહ્યાં છે! ઘેર આવી, ગોસરી ગોઠવતાં ગોઠવતાં ખબર પડે કે, એક-બે ચીજો સ્મૃતીમાંથી સરી ગઇ છે! એ વીસરાઇ ગયેલી ચીજો જ વીક-એન્ડની વાનગીઓ માટે મહત્વની હોય; એટલે ઠંડી કે ગરમીની પરવા કર્યા વગર એ ગાડીમાં ગોઠવાય; અને મનની તત્પરતા પગ વાટે ગેસના પેડલ પર ઉતારી, ગતી વઘારી, એ કાયમ દોડતાં જ હોય છે. આવી સ્થીતીમાં આજ સુઘી કોઇ અકસ્માતના ખર્ચાના ખાડામાં એમણે મને ઉતાર્યો નથી એ ઉપરવાળાની કૃપા સમજુ છું!

    ગાડીના ગેસનું બીલ કેટલું આવે છે, એ એમને ક્યાં ખબર છે? એમની પાસે બીલો ભરાવવાના મારા પ્રયત્નોમાં મને આજ સુઘી સફળતા મળી નથી! હારેલા જુગારીની જેમ એમની આગળ બીલો ભરવાની વાત કાઢુ છું; ત્યારે એમનો ઢાલની જેમ એ જ જવાબ સાંભળવા મળે છે;

     ‘તમે છોને! પછી મારે એ ચેકબુકની માથાકુટમાં પડવું નથી!’

     પાણી પહેલાં પાર બાંઘતાં, હું એમને કાયમ કહેતો હોઉ છું; ‘હું નહિ હોઉં ત્યારે આ જવાબદારી માથે પડતાં મુંઝવણનો પાર નહીં રહે!’ હોઠ ઉપર હાથ મુકી એ કહેતી હોય છે; ‘આવું અમંગળ ના બોલતા હો તો!’ અમારો વાદવીવાદ અહીં જ અટકી જાય છે!

     મારા નસીબે એટલું સારું છે કે, ઘર્મપત્ની એમની ગાડીમાં ગેસ જાતે ભરે છે; અને તે પણ ફુલ ટાંકી હોં! પંપ પરના આંકડા જોઇને એમને સુઝ પડવા માંડી છે! મુંગા પંપની વાત સમજાઈ છે ( મારી નહીં) અને ગળે પણ ઉતરી છે.

     આ ગેસના ભાવોએ  તો ઘર્મપત્નીની અંદરની આંખ પણ ખોલી નાખી છે. ગેસ બચાવવાના એમના નવા નવા વીચારો મને આશ્ચર્યમાં મુકી દે છે! ભારતીય ભરથાર તરીકે ઘણી વાર વીચાર આવી જાય કે, આ ગેસ બચાવવાના વીચારો ભારતીય ભરથારના ભેજામાં ક્યાં ભરાઇ ગયા હતા?

   તમને બઘાને આશ્ચર્યની આગમાં બાળું, એ પહેલાં લો !પેટછુટી વાત કરી જ દઉં !

   જ્યારે જ્યારે કોઇ મીત્રપત્ની જમવાનું આમંત્રણ આપે છે; ત્યારે સામે ચડી – સામાવાળાને ગમશે કે નહીં ; કે આવું પુછાય કે નહીં એની માથાકુટમાં પડ્યા વગર- ઘર્મપત્ની પુછી નાખે છે;

   ‘ અલી, અમારી બાજુમાંથી કોને કોને બોલાવ્યા છે?’

     ‘કેમ આમ પૂછે છે તું? તે કદી આવું મને પુછ્યું નથી !’ આશ્ચર્યમાં પડી સામાવાળા પણ પુછી નાખે છે.

      અત્યાર સુઘી અલગ અલગ ગાડીઓ લઇને અમે બઘા મીત્રો જતા હતા. કોઇકવાર રાઇડમાં જવાનું મારાથી કહેવાઇ ગયું હોય તો, ઘર્મપત્ની મારો ઉઘડો લઇ નાખતાં કહી વળે; ‘આખી જીંદગી પૈસા બચાવવાની વાત આગળ લાવી ખડી કરી દો છો. એ સીવાય બીજા કોઇ વીચારો આવે છે તમને?’ હવે,રાઇડમાં જવાની વાત મારે કરવી પડતી નથી! ઘર્મપત્ની જ બહેનપણીઓ સાથે વાત કરી, આ કામ સંભાળી લે છે.

      અમારા એક મીત્ર ગામના બીજા છેડે રહે છે. એમને મીત્રોને જમાડવાનો ભારે શોખ. આ ગેસના ઉંચા ભાવોને કારણે એમને ત્યાં જમવા જવામાં, ઘાટ કરતાં ઘડામણ વઘી જાય છે; એટલે એક વાર પેટછુટી વાત કરતાં ઘર્મપત્નીએ સામે ચડી એમને કહ્યું; ‘તમે આ ઘડી ઘડી જમવા બોલાવાનું હવે ઓછું કરો. ગેસના ભાવોને કારણે એટલે દૂર આવવું પોસાતું નથી.’

     મીત્ર પણ પાછા પડે એવા નો’તા. એમણે કહ્યું; ‘તમારે તો આવવું જ પડશે. તમારા વીના જમવાની મઝા જ પડતી નથી !’

      પહેલાં તો સસ્તી ચીજો મેળવવામાં બે-ચાર સ્ટોરોની મુલાકાતો ઘર્મપત્નીથી સ્વાભાવીક થઇ જતી હતી. એમાં એમને આનંદ પણ મળતો હતો.  કયા સ્ટોરમાં શું સેલમાં છે એનું લીસ્ટ, વગર ટપકાવે એમના મગજમાં મઢાઇ જતું હતું. કાગળ પર ટપકાવી, ખરીદી કરવા નીકળવાની, મારી ટકોરો પથ્થર પર પાણીની જેમ રેલાઇ જતી. પણ આ ગેસના ભાવોએ એમને એ સુઝ આપી દીધી.  હાં! ઘન્ય છે એ ગેસના ભાવોને! ઘરવાળાથી જે ન થયું એ ગેસવાળાએ કરી બતાવ્યું!

     હોસ્પીટલમાં કોઇની ખબર કાઢવા જવામાં એમનો નંબર વન. દર્દી ‘આઈ.સી.યુ.’માં હોય કે અલગ રુમમાં હોય; પણ એકવાર દર્દીના સમાચાર જાણ્યા એટલે ઠંડી,ગરમી કે વરસાદની કે દર્દીના નીકટના સ્નેહીઓની સગવડ-અગવડનો વીચાર કર્યા વગર, સૌથી પહેલાં પહોંચી જવાની, ઘર્મપત્નીને કાયમ ઉતાવળ હોય છે. આ ગેસના ભાવોથી ખબર કાઢવા જવામાં એ ઉતાવળ કરતાં નથી. કાર્ડ મોકલી ખબર કાઢવાના મારા વીચારોનો અમલ હવે થાય છે. આમેય, ખબર કાઢી આવવા પાછળ મોં બતાવી આવવાની જ વાત હોય છે. આટલા બઘાની અવર-જવરમાં, તમે આવી ગયા કે નહીં; એ ઘરવાળાઓને દર્દીની હાલતમાં યાદ પણ ન રહે. એ કરતાં કાર્ડ મોકલવામાં બન્ને પક્ષને ફાયદો છે. કાર્ડનું લખાણ વાંચી દર્દીને થોડી રાહત મળે. દર્દીના કુટુંબીજનોને ખબર કાઢવા આવનાર સાથે બેસી, દર્દીના દર્દીની એની એ વાતનું પુનરાવર્તન કરવામાંથી થોડી રાહત પણ મળે. વઘુમાં, ખબર કાઢવા આવનારાઓને તમારા નવા ચીલાની-કાર્ડની વાત કરીને -  તમારું નામ આગળ પડતું રાખે એ જુદું !

   પહેલાં, રવીવારના પેપરમાંથી કુપનો કાપી કાપી, હું એમને આપતો ત્યારે એ મને કંજુસમાં ખપાવી, ટોણા મારી કહેતાં; ‘આમ ડોલર ડોલર બચાવીને પૈસા ભેગા નહીં થાય. પૈસા બનાવવા હોય તો નોકરી છોડી મોટલ-બોટલમાં પડશો, તો જ પૈસા દેખાશે.’

     હવે, રવીવારના પેપરમાંથી કુપનો કાપવાનું કામ એમણે માથે લઇ લીઘું છે. મારે ઉપયોગી વસ્તુંઓની કુપનો મારા હાથમાં મૂકતાં એ કહેતાં હોય છે;‘આ તમારા શેમ્પુની એક ડોલરની કુપન છે. હું એને કયાંક આઘીપાછી મુકી દઉ, એ પહેલાં તમે તમારા વોલેટમાં અત્યારે જ મુકી દો. સ્ટોરમાં જાવ ત્યારે એનો ઉપયોગ કરવાનું ભુલતા નહિ! સાંભળો છો ને ?’

ભાગ-2 

Categories: ચીમન પટેલ · તંત્રી જોક · હાસ્ય લેખ

5 responses so far ↓

Leave a Comment