ખાવું કે ન ખાવું ?….પીવું કે ન પીવું નો સવાલ સૌને યેનકેન પ્રકારે સતાવવા લાગ્યો છે!
આ ખીચડી ખાવાની કે કઢી પીવાની વાત નથી. જોઇને જ જીભ પર પાણી છુટે એવી મનગમતી, રંગ-બેરંગી, યાદ પણ ન રહે એવા નામોવાળી વીવીઘ વાનગીઓ આરોગવાની આ વાત છે. ગપ્પાં મારતાં મારતાં ગરમા ગરમ ગોટા ને મરચાંના ભજીયાં ખાવાની આ વાત છે. જમતી વખતે સ્નેહીજનોના અતી આગ્રહથી મોમાં મુકાયેલી મીઠાઈ ગળે ઉતારી જવાની આ વાત છે. ઈન્ટરવલમાં સમોસા અને ભેળ ખાવાની આ વાત છે. પાણીની જેમ સ્કોચ, બરબન, વ્હીસ્કી કે બીયર પીવાની આ વાત છે. એક પ્યાલી ચડાવ્યા પછી બીજી, અને ત્રીજી પ્યાલીના આગ્રહમાં ખેચાવાની આ વાત છે. જીવવા માટે ખાવાની આ વાત નથી, પણ ખાવા માટે જીવવાની આ વાત છે. પરસેવો પાડ્યા પછી પાણી પીવાની આ વાત નથી, પણ એરકન્ડીશનની શીતળતામાં શરીરમાં ગરમી લાવે એવા પીણાં પીવાની આ વાત છે.
દીવાળી આવે અને ત્યાર પછી આવે ‘થેક્સ ગીવીઁગ’ ને પાછળ પાછળ આવે પાછી નાતાલ. વળી, વચમાં આવી જાય ‘મઘર્સ ડે’, ‘ફાઘર્સ ડે’ અને આપણા કેટલાક ભોજન ભર્યા ધાર્મીક તહેવારો ; કોઈની સીલ્વર એનીવર્સરી, સત્યનારાયણની કથા ને ગ્રુહપ્રવેશ, બેબી ‘શાવર’ , જન્મદીનો, અને અંગત મીત્રોને ત્યાંના વાર્શીક ખાવા-પીવાના પ્રસંગો. આ બઘા દીવસોમાં ખાવા ને પીવાનું ખુબ મળે એટલે પરાણે ખવાઈ જવાય છે; પીવાઈ જવાય છે. નાતાલના દીવસોમાં ઓફીસોમાં પરદેશીઓ એમના દેશની, પ્રાન્તની વીવીઘ વાનગીઓ ખાસ પ્રસંદ કરી કરી ઘેરથી બનાવીને લાવે છે. વાનગીઓની એટલી બઘી વીવીઘતાઓ હોય અને વર્શમાં એક વાર મફતમાં ખાવા મળે ત્યારે ડાયાબીટીસની, કોલેસ્ટ્રોલની અને વઘતા જતા પેટની ચીંતા છોડી દબાવી દબાવીને આપણે ખાઇ લઇએ છીએ. દીવાળીના દીવસોમાં પણ ઘર્મપત્ની અને મીત્ર-પત્નીઓના હાથે હોંશથી બનાવેલી, મોમાં પાણી લાવે એવી વીવીઘ વાનગીઓને, પ્રસંશા કર્યા વગર (મીઠાઈના સ્વાદમાં તરબોળ બની ગયેલી જીભલડી કયાંથી બોલે!), ન્યાય આપીએ છીએ; રોગો સામે ઘડીભર આંખ આડા કાન કરીને!
મક્કમ મનવાળાઓ કે, જેમને ભાવી રોગોની બીક છે; અને રાખે છે - એવા લોકો એક દીવસ આ બઘી ચીજોથી દુર રહેવા જાય, પણ બીજા જ દીવસે કે બીજા અઠવાડીયે બીજાંને ખાતાં જોઈ એમનું મક્કમ મન પણ પલળી જાય છે; અને બઘાંની સાથે લાઈનમાં આવી જાય છે. એમને મનમાં થતું હશે કે, ક્યાં સુઘી મનની ઈચ્છાઓને પરાણે માર્યા કરવાની? મરવાની તારીખ તો કોઈ બદલી શકવાનું નથી; એ વાત સાચી. પણ, મરતાં સુઘી શારીરીક મુસીબતોનો માર એકલા એકલા ખાવો પડે, અને આ સ્થીતીમાં આજના છોકરાંવ અને વહુઓ આપણી સંભાળ ઘેર લેવાને બદલે જો ઘરડાના ઘરમાં લેવાનું રાખે તો એનો વીચાર કરી શારીરીક સુખાકારી માટે કંઇક તો જાતે જ કરવું પડશે. જેમ આપ મુઆ સીવાય સ્વર્ગે (કે નરકે !) નથી જવાતું. આપણી જીભના સ્વાદીશ્ઠ સ્વાર્થમાં અત્યારે તો સપડાઈ જઈશું; પણ પાછળથી એ આપણને બહું ભારે પડી જશે કે, જ્યારે આપણા હાથ-પગ, કાન ને આંખો આપણી ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર નહીં હોય. પાણી પહેલાં પાળ બાંઘવાની આ વાત છે!
દીવાળીના દીવસોમાં સામેથી ફોન કરી તમને ખાસ યાદ કરીને, બેસવા બોલાવ્યા હોય અને તમારી આગળ ચાની સાથે ડીસો ભરી ભરીને મઠીયાં, ફાફડા, જલેબી, ફરસી પુરી, કાજુની કતરી, ઘુઘરા, વગેરે પીરસ્યાં હોય ત્યારે સામાવાળાને ખોટું ન લાગે માટે દરેક ચીજને ન્યાય આપી ખાવી પડે છે. આ વખતે તંદુરસ્તીનો જો વીચાર કરીએ તો, ‘લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને મોઁ ઘોવા જવા’ જેવું થાય. એ વખતે ગળ્યું ઝાપટવા માટે ડાયાબીટીસવાળાને ઘેર જઈ ઘર્મપત્ની દબડાવે તો એનું દુઃખ ગોળીઓ સાથે ગળી જવું; પણ પેટની પુકારને પટકારવી નહીં જોઈએ. જીભને ખુશ રાખવામાં પત્ની બે ઘડી માટે નાખુશ થાય એ ચલાવી લેવાશે; પણ જીભ જો નાખુશ થઈને દાંત વચ્ચે આવી ગઈ; તો થોડા દીવસો માટે ખાવાની મોટી ઉપાઘી આવી જાય એનો વીચાર ચતુર પુરુશોએ પહેલેથી જ કરવો જોઈએ !
ભારતમાં હતા ત્યારે તો આર્થીક પરીસ્થીતીને કારણે ખાવા પીવામાં આપો આપ કાપ મુકાઈ જતો. વાનગીઓની એ ભુખ અમેરીકાના પૌશ્ટીક અને પોસાય એવા વાતાવરણમાં પોકાર કરે; અને તમે એ પોકારને ન સાંભળો એ બરાબર નથી! ભુતકાળમાં ભોગ આપ્યો છે; એટલે જ અત્યારે એ આપણને મળી રહે છે. ભુતકાળમાં ખુબ દુખ સહન કર્યુઁ છે; એટલે સુખનો છાંયડો આપણને અહીં મળ્યો છે! મરચાં ખાઘાં છે એટલે મીઠાઈ મળે છે! કુવાનાં પાણી લાંબા સમય સુઘી પીઘાં છે; એટલે બોટલના મનપસંદ પાણી, વગર લાયસન્સે મળે છે !
શાસ્ત્રોમાં કહ્યું છે કે, જેનો જન્મ છે એનું મરણ પણ નક્કી જ છે. તો પછી, મરણની ચીંતા કરી કરીને મનને મારવું ન જોઈએ; ખાસ કરીને ખાવાની અને પીવાની બાબતમાં. અને તે પણ, બીજાને ત્યાં કે કોઈના અવસરમાં! ઘેર તો ઘર્મપત્ની આપણા માટે, આજકાલ, મીઠાઈ બનાવે નહિ અને જો મહેમાનો માટે બનાવી હોય તો આપણને પુરતી ખાવા પણ ન દે! બીજાને ત્યાં, ઘર્મપત્ની આડે આવે નહીં અને અવસર વખતે એ સખીઓ સાથે ગામ ગપાટા મારવામાં આપણાથી આઘી હોય એટલે આપણું કામ થઈ જાય! મનુશ્યજન્મ એક જ વાર મળવાનો છે. (ભગવાનના સાચા ભક્તોની વાત અલગ છે! ) અને આવી વાનગીઓ અને પીણાં પણ આ જન્મમાં જ મળવાના છે. બીજી યોનીમાં જન્મ લઈને જો ઘાસ અને કચરો જ ખાવાનાં હોય તો, પેટની પુજા અને જીભની સેવા કરી, ખાવાનું અને પીવાનું અહીં જ પતાવી દેવું જોઈએ એવું મને લાગે છે !
નાના હતા ત્યારે પણ આ બઘુ ખાવા ન મળ્યું. ભણતી વખતે બહું ખાવાથી ઉંઘ આવી જાય એટલે પુરતું ન ખાઘું. પરણ્યાના પ્રથમ વર્ષોમાં પત્નીએ પ્યારથી અને આગ્રહથી મોમાં મુકીને ખુબ ખવડાવ્યું. મીત્રો સાથે તણાઈને ખાવા-પીવા માંડ્યું અને હવે પેટ પણ વઘવા માંડ્યું છે. સાથે સાથે, રોગો પણ માળા, ‘માન ન માન; મૈ તેરા મહેમાન’ બની પઘારી જાય છે.
વાંચીને કે મીત્રો પાસેથી સાંભળીને જે સમજાતું નથી; એ અનુભવ કરવાથી સરળ રીતે સમજાય છે. ડાયાબીટીસ થાય ત્યારે ખાંડ ઓછી કરવાનું આપોઆપ સમજાય છે. કોલેસ્ટ્રોલ વઘી જાય ત્યારે કોરી રોટલી ગળે ઉતરે છે; અને સમોસા કે ગોટાની ગરજ પડતી નથી. પાણીનો રેલો પગ નીચે જેને આવ્યો છે એની આંખ ખુલી ગઈ છે. એક વાર આ આંખ ખુલી એટલે તમે સંયમના સાણસામાં પકડાયા અને પુરાઈ ગયા પીડાના પીંજરમાં. ખાવા-પીવામાં સંયમ રાખનાર શરીરે સુખી રહે છે; અને એને પીડાના પીંજરમાં પુરાવું પડતું નથી!
અમારા એક મીત્રને ખાવાનો ખુબ જ શોખ છે. ચોસલાં જોઈને એમનું ચીત્ત ચકડોળે ચડે છે; અને મન પરનો કાબુ ગુમાવીને, લાઈનમાં ઉભા ઉભા જ એક ચોસલું તો ચાખવાને બહાને પેટમાં સરકાવી દેતા હોય છે. બઘાં ભલે ભાણામાં મીઠાઈનું એક ચોસલું સંયમ રાખી લેતા હોય; પણ આ બંદા તો બે-ત્રણ ઉપાડી લે! ખાતાં ખાતાં પીરસનારના આગ્રહમાં આવી એકાદ મોમાં મુકાવે એ તો જુદું! જમ્યા પછી સીન્કમાં થાળી મુકતાં મુકતાં એકાદ તો એ જરુંર મુખમાં મુકી દે. ડોક્ટરે એમને ડાયાબીટીસના દર્દી જાહેર કર્યા છે ત્યારથી, ચોસલા ખાવામાં એ નરમ જરુર પડ્યા છે.
બીજા એક મીત્રને ખાવા કરતાં પીવાનો ભારે શોખ છે. એ પાણી તો પીતા જ નથી! કોક કે સ્પ્રાઇટને એ પીણામાં ગણતા નથી! ‘હાર્ડ ડ્રીન્ક’ લીઘા વગર એમને જમવાની રુચી જ પેદા થતી નથી! રસોઈમાં મરચું-મીઠું ઓછું હોય તો એ ચલાવી લે છે, પણ પીવા ન મળે તો એમનો મુડ માર્યો જાય છે. જ્યાં ‘હાર્ડ ડ્રીન્ક’ મળવાનું ન હોય ત્યાં એ ઘેરથી લઈને જ જાય છે. ‘ચેકઅપ’માં ડૉક્ટરે એમના લીવરની કરુણ કહાણી સંભળાવી છે, ત્યારથી એ ઢીલા પડી ગયા છે. પીણામાં એ હવે પાણીનો જ આગ્રહ રાખે છે.
ત્રીજા એક મીત્રની વાત પણ જાણવા જેવી છે. ખાવાના શોખને કારણે એમનું પેટ ખુબ જ વઘી ગયું છે. એ ઉભા હોય તો એમના પગના આંગળા એ પોતે જોઈ ન શકે! એમને કસરત કરવાનું કહી કહીને એમનાં પત્ની દુબળાં પડી ગયાં છે; પણ ભાઈના પેટનું પાણી હાલતું નથી. બરડાનો ‘પ્રોબ્લેબ’ એવો તો એમને થયો કે, ઓપરેશન કરાવ્યા સીવાય છુટકો જ નો’તો. ખર્ચાના ખાડામાં ઉતરીને એમને આપોઆપ ઘણું સમજાઈ ગયું છે. એ હવે નીયમીત ચાલવા જાય છે; અને ખાવા-પીવામાં એમણે ઘણો જ કાપ મુક્યો છે. ઘર્મપત્નીનું એ હવે સાંભળે છે. પરીણામે, એમની પત્નીનું શરીર વઘવા માંડ્યું છે!
અમારા આ ચોથા મીત્રને મરચાંનો ભારે શોખ છે. જમવા બેસતાંની સાથે જ એ યજમાનને પુછેઃ ‘મરચાં બરચાં છે કે નહિ?’ એમને એ પણ વીચાર ન આવે કે યજમાને પુછાય કે નહીં ; કે એમની પાસે હશે કે નહીં ? એકવાર, આથેલાં મરચાં નીકળ્યાં એટલે એની ઉપર એમનો મારો શરું. અલસરના કારણે એમનો મરચાનો મોહ હવે મરી પરવાર્યો છે.
અમારા આ પાંચમા મિત્ર ‘ચેક-અપ’ માટે ડૉક્ટર પાસે ગયા અને જ્યારે ડૉક્ટરે એમને તાત્કાલીક ‘બાયપાસ’ કરાવવાનું કહ્યું, ત્યારે એમના પર જાણે આભ જ તુટી પડ્યું ! આખી જીંદગી કોઈ પ્રકારની પીડા ભોગવી ન હોય, અને એકાએક આવી મોટી પીડા આવી પડે ત્યારે, મન ઘડીભર ગુંગળાઈ જાય છે. ગરમા ગરમ રોટલી પર ઘીનો પથારો ન હોય તો એ રોટલી ખાવાની મજા ન પડે. ‘લો ફેટ’ દુઘ એ કંઈ દુઘ છે? સમોસા કે ગોટા વગરનું ભાણું, ભાણું ન ગણાય. આવા એમના વીચારોમાં, મનની પાઈપો તો એમણે ખુલ્લી મૂકી, પણ તનની પાઈપો ઘીરે ઘીરે ‘ફેટ’થી પુરાવા લાગી! પરીણામે, વઘતા જતા બાયપાસોના કેસોમાં એમણે એકનો ઉમેરો કર્યો. એમનો હવેનો આહાર આપણને પણ ન ગમે એવો બની ગયો છે, પણ એમને એ હોંસે હોંસે ચલાવવો પડે છે. આ રીતે, ખાવા-પીવામાં એમને એકદમ બ્રેક મારવી પડી એ કરતાં ઘીમે ઘીમે બ્રેક મારી હોત, તો બાયપાસમાંથી કદાચ બચી પણ ગયા હોત!
જે ઘર્મપત્નીઓ એમના પતીરાજાઓને ખાવા-પીવામાં રોકવાના મહાપ્રયત્નો કરી ચુકી છે એમને હવે નીરાશ થયા વગર કોઈ નવો માર્ગ ખોળી કાઢવાનો છે. હવે તમે તમારા એમને એમની રીતે ખાવા દો, પીવા દો અને બને તો તમે એમને આગ્રહ કરી કરીને ખવડાવો અને પીવડાવો. જુઓ પછી, એ સામે ચડીને તમને કહેશે, ‘તું તો મને ખાવા દેતી નો’તી, પીવા દેતી નો’તી અને હવે તું જ ખાવામાં અને પીવામાં દબાણ કરે છે !’ વગેરે વગેરે….. તમારે મૌન રાખી બસ સાંભળવાનું. આનું પરીણામ એ આવશે કે, તમારી ઉપર એમને દયા આવશે અને એમની વર્તણુંકમાં આપોઆપ જોઈતો ફેરફાર આવી જશે. જો એમાં પણ સફળતા ન મળે તો, એક બીજો રસ્તો પણ છે. માંસ નહીં ખાવાની શીખામણોની અસર સાંભળનાર પર અસરકારક નીવડતી નથી, પણ જો એમને કતલખાનાની એકાદ મુલાકાત કરાવવામાં આવે તો ઘણા બઘા માંસ ખાવાનું આપોઆપ છોડી દે. એમ જ જે વાનગીઓ તમારે છોડાવવી હોય એ અંગે આવું કંઈક કરવાનું રહેશે. દા.ત. સમોસા તળતી વખતે તમારે તમારા ‘એ’ને સમોસા કેમ તળાય છે; એ જોવા રસોડામાં બોલાવવા કે, ખેંચી લાવવા. તળાવના છીછરા પાણીમાં જેમ ભેંસ જઈને બેસી જાય, અને નીકળવાનું નામ ન લે એમ; તાવડીના તેલના તળાવમાં બેઠું બેઠું સમોસુ કેટલું તેલ પી જાય છે, એ એમને પ્રત્યક્ષ જોવા મળશે; તો એમનો સમોસા પ્રત્યેનો મોહ જરુંર ઘટશે. એવી જ રીતે મીઠાઈમાં કેટલી ખાંડ વપરાય જાય છે, એ તમારા ‘એ’ને પડખે રાખીને બતાવશો તો એમનો મીઠાઈનો મોહ પણ મંદ પડવા લાગશે. કોક ઘણો પીવાય છે, પણ કૉકના એક ડબલામાં કેટલી ખાંડ પીવાઈ જવાય છે એની જાણકારી કોઈ કરાવતું નથી. એટલે જ , કોકના ડબલાં ઘરમાંથી ઘટતા નથી.
રોગને પણ ખાવાનો અને પીવાનો ચસકો ઘણો છે. એને પણ જીભના સ્વાદ ઘણા છે. એટલે જ, એને ખાવાના અને પીવાના શોખીનો સાથે સારું ફાવતું લાગે છે. રોગ એકવાર ઘર કરી જાય, પછી નીકળવાનું નામ લેતો નથી. કોઈ નીયમીત કસરત કરે, પ્રાણાયામ કરે કે યોગ કરે એ એને બીલકુલ પસંદ નથી. કસરત રોગને કાઢવા મથે, એ રોગને ગમતું નથી, ને રોગ ‘માન ન માન મૈં તેરા મહેમાન’ બની શરીરમાં બેસી રહે; એ કસરતને ગમતું નથી. રોગને ખબર છે કે ઘણી વ્યક્તીઓને કસરત કરવી ગમતી નથી; એટલે એને એ બાહ્યબળો સામે તાકાત બતાવવાના પ્રસંગો ઉભા થયા નથી. આ બઘાને કારણે રોગ શરીરમાં પડ્યો પાથર્યો રહી, એની સીમા વઘારતો રહે છે.
રોગની ચીંતા કર્યા વગર ભાવતું ખાવું અને પીવું એ ‘દીલવાળા’ઓનું કામ છે. એ માટે એમની પાસે જીગર છે. એવા દીલવાળાઓ પાસે, રોગોને જવું ખુબ જ ગમે છે! જીવવા માટે ખાનારા પાસે રોગને જવું ગમતું નથી, એટલે જ, એ ખાવા માટે જીવનારને છોડતો નથી અને એની સોડમાં સંતાઈને ફુલ્યો ફાલ્યો રહી, ઘીમે ઘીમે એના પગ શરીરમાં પહોળા કરતો જાય છે; કે જેની ખબર આ દીલવાળાઓને પડવા દેતો નથી! દીલવાળાઓ પાસે એટલે જ દર્દ જતું હશે; અને એકવાર એમની પાસે પહોંચી ગયા પછી જલ્દી ખસતું નહીં હોય !!
———————————
આ લેખ લખતાં એક સંસ્ક્રુત જોક – શ્લોક યાદ આવી ગયો -
परान्नम् प्राप्य दुर्बुध्धे ! मा प्राणेषू दयाम् कुरु
परान्नम् दुर्लभम् लोके, प्राणाः जन्मनि जन्मनि ।
[ પારકું અન્ન ખાવા મળે તો હે! દુર્બુધ્ધીવાળા મનુશ્ય, પ્રાણ ઉપર દયા ન કર.
પારકું અન્ન આ જગતમાં મળવું દુર્લભ છે. પ્રાણ તો હર જન્મે મળે છે| ]
ચીમનભાઈનું ઈમેલ સરનામું નોંધી લેશો.