એક બર્થડે પાર્ટીની વાત છે. પાર્ટીનો છેવટનો ભાગ હતો. કેક તો ક્યારનીય કપાઈ ગઈ હતી. જમવાનું પણ સમાપ્તીમાં હતું. બધા પોતપોતાના ગ્રુપમાં વાતોમાં મશગુલ હતા. અમે ચાર પાંચ ઘૈડીયાઓ ડાઈનીંગ ટેબલ પર બધું પતાવીને ગપાટા મારતા બેઠા હતા. એક જુવાનીયો પણ હતો. મને તેનું નામ અત્યારે યાદ નથી.
પણ તેણે કાંઈક વાત કહી અને તેની બાજુના એક કાકા ખડખડાટ હસી પડ્યા. મને સમજાયું નહીં કે, એ કેમ હસ્યા અને વાત શી હતી.
એટલે મેં કહ્યું,” અરે, —– ભાઈ! થોડું મોટેથી બોલો, તો અમારા જેવા સાંભળવાની તકલીફવાળા પણ લાભ લઈ શકે. “
મારી બાજુમાં બેઠેલા મારા જેવા બીજા કાકાએ મારી વાતમાં ટાપશી પુરાવી.
હવે નરહરીભાઈ કુદી પડ્યા. તેમણે કહ્યું ,” એમની વાત પછી. જુઓ, મેં બહુ રીસર્ચ કરીને એક સાંભળવાનું યંત્ર બનાવ્યું છે. આપણા જેવાની બધી તકલીફ દુર થઈ જાય. અને ખર્ચ પણ સાવ મામુલી. વેસ્ટ જેવી વસ્તુઓમાંથી બનાવાય. “
બધા તરત બોલી ઉઠ્યા,” અરે , હા! હા! મારેય તે જોઈએ. જે ખર્ચ થાય , પણ અમને તે બનાવી આપો.”
નરહરીભાઈ કહે,” જુઓને, તમે બધા સમદુખીયા મીત્રો જ છો. મારે આમાં કાંઈ ખાનગી રાખવાની જરુર નથી. મારી આખી ફોર્મ્યુલા જ તમને કહી દઉં. સૌ પોતપોતાની રીતે બનાવી લે. “
મેં આતુરતાથી કહ્યું,” જરુર, જલદી કહો.”
નરહરીભાઈએ બહુ જ ગંભીરતાથી આગળ ચલાવ્યું ,” જુઓ આટલી સામગ્રી જોઈએ. એક દીવાસળીનું બાકસ, બે વાપરી ન હોય તેવી દીવાસળી, અને એક રબરબેન્ડ.”
મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મનમાં થયું; નરહરીભાઈનું દીમાગ ઠેકાણે તો છે ને?! કાંઈ પીધું નથી, તો પણ આમને તો ચઢી હોય તેમ લાગે છે!
મારા હાવભાવ તે સમજી ગયા, “ તમે નહીં માનો, પણ આ યંત્ર ખરેખર કામ કરશે. નીવડેલું અને ચકાસણી કરેલું છે.”
મારી બાજુએ બેઠેલા બીજા કાકાએ તો ખીસ્સામાંથી ડાયરી અને પેન કાઢીને લખવાની તૈયારી પણ કરી લીધી. તે આતુરતાથી બોલ્યા,” અરે નરહરીભાઈ, જલદી કહોને.”
હવે નરહરીભાઈ આગળ વધ્યા,” જુઓ. બાકસની એક બાજુએ એક દીવાસળી લગાવવાની- તેનું કાળું ટપકું અડધો ઈંચ ઉપર રહે તે રીતે. પછી તેની સામેની બાજુ બીજી દીવાસળી આ જ રીતે લગાડવાની. પણ તે થોડી ઉંચી રહે તેમ. પછી રબર બેન્ડ બાકસની ઉપર લગાડવાનું, અને જે કાનમાં ઓછું સંભળાતું હોય તે કાનની ઉપર બરાબર ફીટ થાય, તેમ લગાડી દેવાનું. જો બેય કાનમાં તકલીફ હોય , તો આવું બીજું મશીન બનાવીને બીજા કાન પર લગાવી દેવાનું.”
હવે મારાથી ન રહેવાયું, “ અરે નરહરીભાઈ, તમને અત્યારે આવી મજાક સુઝે છે?આ તે કાંઈ કામ કરતું હશે?”
નરહરી ભાઈ બોલ્યા,” જુઓ, જાણે વાત એમ છે કે, તમને વધારે સંભળાય કે ન પણ સંભળાય. પણ સામેની વ્યક્તીને ખબર પડી જશે કે, આમને સાંભળવાની તકલીફ છે, એટલે તમારા કહ્યા વગર તે મોટેથી બોલવા માંડશે. તમારું કામ બોલ્યા વગર બની જશે.! “
અને વીજયી મુદ્રાથી નરહરીભાઈ સ્મીત કરી રહ્યા. અને અમે બધાં? હસી હસીને ગોટપોટ…
- સુરેશ જાની