હાસ્ય દરબાર

તથાસ્તુ ! – પલ્લવી મિસ્ત્રી ; ભાગ – 2

October 6, 2007 · 3 Comments

ભાગ -1  

એ બધી પ્રાર્થનાઓમાંની તારી એક પ્રાર્થના ‘મંગળ મંદીર ખોળો’ ફળી.  અને જરા નવરો પડ્યો એટલે તને લેવા આવ્યો.

  • તમે નવરા પડ્યા જ શા માટે? તમે પેલી કહેવત નથી સાંભળી; ‘નવરો બેઠો નખ્ખોદ વાળે?’  મારે હજી ઘણાં કામ બાકીછે. મારાથી નહીં અવાય.મારાં બાળકો અને પતીને મારી જરુર છે.

એવું તું માને છે. બાકી  તો  ‘મારી હસ્તી મારી પાછળ વીસરાઈ ગઈ. જળમાંથી નીકળી આંગળી અને જગ્યા પુરાઈ ગઈ”. માટે ચાલ. તૈયાર થા.

  • અરે વાહ દેવદુતજી! આપ ભી ક્યા ખુબ શાયરી કરતે હૈં.

તારા સંગનો રંગ લાગ્યો લેખીકાજી. ચાલ તૈયાર થા. બાળકો અને પતીને આવજો કહી દે.

  • જીગર બેટા-હું દેવદુત સાથે જાઉં છું.

મમ્મી, તારી કાર તો રીપેરીંગમાં ગઈ છે. જોઈએ તો મારું સ્કુટર લઈ જા.

  • બેટા તમને લોકોને મારા વગર ગમશે?

ગમશે તો નહીં મોમ !  પણ ચલાવી લઈશુ.  ટેક કેર ! બાય.

  • ઓહ! હું મારા પતીને મળી લઉં?

ભલે, પણ જરા જલ્દી કરજે.  મારે હજી ઘણાં ઘરે જવાનું છે,

  • કહું છું, સાભળો છો?

ના.અત્યારે હું વાંચી રહ્યો છુ. જે કહેવું હોય તે રાત્રે કહેજે.

  • પણ રાત્રે હું નહીં હોઉં. વાત એકદમ અરજ્ન્ટ અને ઈમ્પોર્ટન્ટ છે.

તારે પીયર જવું છે? બાળકોની ચીંતા ના કરતી. હું સાચવીશ.

  • પીયર નથી જતી. ઉપર,  ભગવાનના ઘરે જાઉ છું.

ઉપર તો જમુકાકા રહે છે, ભગવાન તો ત્રીજે માળે !!

  • મજાક ના કરો. હું દેવદુત સાથે સ્વર્ગમાં જાઉ છું.

મજાક તો તું કરી રહી છે.

  • ના, ના.  સાચુ કહું છું. સી આ દેવદુત. મને લેવા આવ્યા છે.

અરે વાહ! ભગવાને મારી(!)  એટલે કે તારી પ્રાર્થના છેવટે સાભંળી લીઘી ખરી!

  • એટલે હું મરી જાઉં તો તમને બહુ ગમે ખરું ને?

એવું તો મારાથી કેમ કહેવાય? પણ તને સ્વર્ગ મળતું હોય તો રુકાવટ ઉભી કરું એવો સ્વાર્થી તો હું નથી  જ.

  • જોઈ લીધો તમારો પ્રેમ! અમસ્તા જ કહેતા હતા. તારા વગર હું જીવી જ ના શકું.

અરે હોય કંઈ?  તદન સાચી વાત. તારા વગર મને ટુથપેસ્ટ, કાંસકો, ટુવાલ, કપડાં, દાઢીનો સામાન, બુટ ,હાથરુમાલ કોણ શોધી આપશે?

  • જો એવું જ હોય તો દેવદુતને સમજાવીને પાછો વાળો.

અરે ! હું કંઈ ‘સત્યવાન’ છું કે ‘સાવીત્રી’ ને લેવા આવેલા યમદુતને પાછા વાળું?!   ++

  • સારુ, ન કરતા દખલગીરી, મને મરવા દો બસ?

અરે અરે !હું તો મજાક કરતો હતો. ભાઈ દેવદુત!  આને લઈ જવી રહેવા દે.

  • શા માટે?

શા માટે? જો તને સમજાવું. તું પરણેલો છે?

  • ના.

તો સાંભળ. ‘સ્ત્રીને લઈ જવી’ કેટલું ‘ડેન્જરસ’ કામ છે; તે હું તને સમજાવું. આ મારું અને મારા જેવા ઘણા અનુભવીઓનું તારણ છે.  વીશ્વાસ ના હોય તો જા ડલાસ કે બોસ્ટન અને પુછી આવ સુરેશ જાનીને કે રાજેન્દ્ર ત્રીવેદીને. તે તને સમજાવશે!!  માટે જ કહું છું.  આને છોડી દે. ** 

  • તથાસ્તુ !!!!

__________________________________________________________________

++  બાવીસમી સદીમાં સત્યવાન સાવીત્રીની વાત નવેસરથી લખવી પડશે નહીં વારુ?!  

**    ( રચનાકાર રાજેન્દ્ર !!!!!!!  -પલ્લવીબેન નહીં ! ) .  આ સાંભળીને જ દેવદુતજીએ પલ્લવીબેનને છોડ્યાં; અને તમને બધાને આ વાત વાંચવા મળી !!!! હવે માળો ઈવડો ઈ અમેરીકા  આવવાનો છે , તેવા વાવડ આવ્યા છે હોં, અલ્યા રાજેન્દ્ર !

Categories: પલ્લવી મિસ્ત્રી