હાસ્ય દરબાર

સુધન ચમકારા - 1 - હરનીશ જાની

October 3, 2007 · 2 Comments

ધર્મ

મેં સ્વામીનારાયણ ભગવાનની કંઠી પહેરી લીધી છે - કારણકે,  એજ એક એવું મંદીર છે કે, જ્યાં મારે મારી પત્નીની સાથે બેસવું પડતું નથી. દુખની વાત એ છે કે, તેણે પણ આનંદથી કંઠી પહેરી લીધી છે.

લગ્ન

મારા બે ભાણા છે. મોટો પરણવા લાયક છે. નાનો ભાઈ મોટાને સલાહ આપે છે - ” પરણવું હોય તો અમેરીકન છોકરીને પરણજે. અમેરીકન છોકરી બે જ વરસમાં તને છોડીને જતી રહેશે. ઈન્ડીયનને પરણીશ તો આખી જીંદગી તારી સાથે રહેશે. “

Categories: હરનીશ જાની

દુષ્ટજન તો - ગોપાલ પરીખ

October 3, 2007 · 4 Comments

(નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)

દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઈ માણે રે,
પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભીમાની રે.

સકળ લોકમાં સૌને નીંદે ને સ્તુતી ન કરે કોઈની રે,
વાચ કાછ મન સદા મલીન જ રાખે, કરમફુટી જેની જનની રે.

કુદ્રશ્ટી ને ત્રુષ્ણા ભોગી, પરસ્ત્રી જેને નવ માત રે.
જીહ્વા થકી કદી સત્ય ના બોલે,પરધન હાથથી નવ છોડે રે.

મોહ માયામાં ડુબેલો રહે છે, વૈરાગ્ય ના મળે જેના મનમાં રે.
રામનામ કદીયે ના લેવે, સકળ તીરથથી સદા છેટો રે.

પુરો લોભી ને કપટ સહીત છે, કામક્રોધ સદાના સંગી રે,
ભણે ભગત તેનું દરસન કરતાં કુળ ઈકોતેર ડુબ્યા રે.

- ગોપાલ પરીખ

Categories: હાસ્ય-કવીતા

નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી

October 3, 2007 · 6 Comments

શું શોધે છે તું આટલી રાત્રે ?’
‘હું નામ શોધું છું.’
‘નામ ? કેમ, તારે તારું નામ બદલવું છે ? એવું તે શું બની ગયું કે તારે તારું નામ બદલી નાંખવું પડે ?’
‘મારે મારું નામ બદલવું પડે એવું કશું જ નથી બન્યું. હું તો આપણી રન્નાના બાબા માટે નામ શોધું છું.’
‘ફોઈના બદલે માસી ક્યારથી નામ પાડતી થઈ ગઈ ?’
‘ફોઈ હોય તો જ નામ પાડે એવું હવે ક્યાં રહ્યું છે ? અને ધારો કે રહ્યું હોય તોપણ મેં કોઈ સારું નામ શોધી રાખ્યું હોય તો એની ફોઈને મદદરૂપ થવાય ને ?’
‘એ કરતાં તું મને મદદરૂપ થાય તો કેવું ?’
‘એ કઈ રીતે ?’
‘બેડરુમની લાઈટ બંધ કરી દઈને. મને હવે ઉંઘ આવે છે.’
‘પણ પછી અંધારામાં હું નામ શોધું કઈ રીતે ?’
‘અરે ? તારે તો નામ જ શોધવાનું છે ને ? ક્યાં કોઈ વસ્તુ કે વ્યક્તીને શોધવાની છે?  અત્યારે કોઈ નામ શોધી રાખ. સવારે લખી લેજે.’
‘સવાર સુધીમાં એમાંના કેટલાક નામો હું ભુલી જાઉં તો ?’
‘ભુલી જવાય એવાં નામ શોધ્યાં તોય શું ને ના શોધ્યાં તો ય શું ?’

‘એ તમે નહીં સમજો. તમારાથી થાય તો મને મદદ કરો.’
‘ભલે, કઈ રાશી પરથી નામ શોધવાનું છે ?’
‘કન્યા રાશી.  પ…ઠ…ણ અક્ષરો પરથી.’
‘લે, એ તો સાવ સહેલું છે. ‘ઠાકોરજી’ નામ લખી લે.’
‘21મી સદીમાં તમે આ કઈ સદીનું નામ લાવ્યા ?’
‘ભગવાનનું નામ સદીઓની સદીઓ સુધી અમર રહેવાનું.’
‘મજાક જ કરવી હોય તો તમે સુઈ જાવ.’
‘ના, ના…. સીરીયસલી. હવે ચાલ, તું જ નામ બોલ.’

‘બોલું ? તમે સાંભળશો ?’
‘છુટકો છે કંઈ ?’
‘જાવ ત્યારે. મારે તમને કંઈ નથી કહેવું.’
‘અરે, અરે ! તું તો રીસાઈ ગઈ. ચાલ, બોલ જોઉં !’

‘બોલું ? પાવક.’
‘પાવક ? એ તો શીરા માટે શ્રાવક જેવું લાગે.’
‘તો પૌરવ ?’
‘કૌરવના સગાભાઈ જેવું લાગે છે.’
‘તો પછી પાર્શ્વ ?’
‘સારું. પણ કોઈ પાર્શ્વભાઈ કહે ત્યારે કેવું લાગે ?’
‘હં… પાર્થ કેવું છે ?’
‘હવે તો ગલીએ ગલીએ અર્ધો ડઝન પાર્થ મળી આવે.’
‘પ્રીયવદન સરસ નામ છે ને ?’
‘ના, અહીંથી ગાંધીનગર જેટલું લાંબુ નામ છે.’
‘તો પછી પ્રસન્ન ?’
‘આટલા બધા ટેન્શન વચ્ચે આજના યુગમાં કોઈ પ્રસન્ન રહી શકે ખરું ? કોઈ એપ્રોપ્રીએટ નામ શોધ યાર.’

‘તમે જ ત્યારે એવું કોઈ નામ શોધી આપો ત્યારે ખરા.’
‘જે વસ્તુ અજરામર નથી. નાશવંત છે તેવી વસ્તુ કે નામ પાછળ આટલો બધો સમય, શક્તી, બુદ્ધી અને સૌથી કીંમતી એવી ઉંઘ બગાડવાનું કોઈ કામ છે ?’
‘કામ વગર એમ જ કંઈ હું મથામણ કરતી હોઈશ ? આપણે કોઈ સારું, નામ શોધી નહીં રાખીએ અને એની ફોઈ પરેશ, પ્રકાશ, પલ્લવ, પ્રવીણ કે પંકજ જેવું કોઈ ચીલાચાલુ કે આલતુ-ફાલતુ નામ પાડી દે તો ?’

‘તો આપણે નહીં સ્વીકારવાનું. તો આપણે જે નામ પાડીએ એ જ નામે એને બોલાવવો.’
‘તે ના ચાલે. એક વાર એનું નામ પડ્યું એટલે ખલ્લાસ.

જુઓને,  હેમાબેનની દીકરીનું ‘કાદમ્બરી’ કેવું સરસ નામ છે. પણ એ નામ પાડવામાં વાર કરી અને બધા ‘ભોટી’ કહીને જ બોલાવીએ છીએ ને ?
‘કેયૂરી’ બે છોકરાંની મા બની ગઈ તો પણ ‘ઠકી’ નું લેબલ વાગ્યું’તું તે ઉખડ્યું જ નહીં.
આપણી ‘ધરા’ ને આપણે કેટલીવાર ‘ધરા’ કહીને બોલાવી ? કાયમ ‘ડોલી’ કહીને જ બોલાવીએ છીએ ને ?’

‘તને સાચું કહું ? વ્યક્તીનું નામ ગમે તે હોય. વ્યક્તી પોતે તો જે છે તે જ રહેવાની.’
‘એટલે ?’
‘એટલે એમ કે વ્યક્તીનું નામ હોય ‘પ્રજ્ઞેય’ (ઘણું જાણનાર) પણ એ પોતાના દેશના પ્રાઈમ મીનીસ્ટરનું નામ પણ નહીં જાણતો હોય.
કોઈનું નામ હોય.
‘પ્રણવ’ (ૐકાર) જેણે જીંદગીમાં કદી ‘ૐકાર’ ન કર્યો હોય, પણ અભીમાનથી બધાંની સામે સદાય ‘હુંકાર’ જ કર્યો હોય.  
નામ હોય ‘પ્રણય’ (પ્રેમ) પણ એ આખી દુનીયાને નફરતની નજરે જોતો હોય.
નામ હોય ‘પારસ’ (જે લોખંડને સ્પર્શે તો સોનું બની જાય.) પણ એવો ડફોળ પાકે કે સોનાને અડે તો સોનું પણ લોખંડ થઈ જાય.
નામ હોય ‘પુજીત’ (પુજાનાર) ને એ પુજાય ખરો, પણ ફુલોથી નહીં પણ લોકોની ગાળોથી.
નામ હોય ‘પ્રબુદ્ધ’ (જાગેલું) પણ એણે ક્યારેય અજ્ઞાનની ઉંઘમાંથી ન જાગવાની પ્રતીજ્ઞા લીધી હોય.
મારો કહેવાનો મતલબ એ કે…. નામમાં તે વળી શું છે ?

‘તમે નામની એનાલીસીસમાં આટલો સમય બરબાદ કર્યો, તે કરતાં મને મદદ કરી હોત તો બીજાં દસ નવાં નામ મળી જાત ને ? અને ભલે તમે એમ કહો કે ‘નામમાં તે બળ્યું શું છે ?’
પણ તમે જ વિચારો કે ‘પતંજલી ’ નામ ઋષિમુનીઓને જ સારું લાગે, એ નામનો, ઍકટર કોઈ દી’ સાંભળ્યો છે ?
પુનીત, પાવન, પુષ્કર, પરમ કે પુંડરીક નામનો કોઈ દાણચોર પાક્યો છે ?
પદ્મનાભ, પ્રીયવત, પ્રીયકાંત કે પ્રીયવદન નામનો ભીખારી કોઈ દી’ ભીખ માંગતો જોયો છે ?
પર્જન્ય, પ્રદ્યુમ્ન, પૌવીક, પીનાક કે પાર્થીવ નામનો પટાવાળો કોઈ ઓફીસમાં કામ કરતો ભટકાયો છે ?’

‘માની લે કે નથી ભટકાયો તો શું ?’
‘તો આટલું જ કે, નામ પાડીએ તો બહુ વીચારીને, સમજીને, કોઈ સરસ, સુંદર, મનભાવન, પ્રેક્ટીકલ, એપ્રોપ્રીએટ નામ પાડવું જોઈએ.’
‘તને આશા છે કે એવું નામ મળશે ?’
‘ચોક્કસ, મારી પાસે ‘ગુજરાતી શબ્દકોશ’ છે. એમાંથી મળશે.’
‘ઓહ ! આટલી રાત્રે તું આ ‘દળદાર ગ્રંથ’ માંથી નામ શોધવા બેસીશ ?’
‘તમે ચીંતા ન કરો. હું બેડરુમની લાઈટ બંધ કરીને નીચેના માળે ડ્રોઈંગરુમમાં જઈને નામ શોધીશ.’

‘હાશ ! થેન્ક યુ ! ગુડ નાઈટ.’
‘ગુડનાઈટ કહેતાં પહેલાં એક વાત કહું ?’
‘કહે, પણ એક જ વાત હોં ! ’
‘તમારી ફોઈએ તમારું નામ ‘કુંભકર્ણ’ પાડ્યું હોત તો વધુ એપ્રોપ્રીએટ ના હોત ?! ’

 – પલ્લવી મિસ્ત્રી

હાસ્યકળશ છલકે’ પુસ્તકમાંથી

તેમની જીવનઝાંખી અહીં વાંચો.

Categories: પલ્લવી મિસ્ત્રી