હાસ્ય દરબાર

નસકોરાં માહાત્મ્ય

September 18, 2007 · 2 Comments

          રાતના અગીયારેક વાગ્યા હશે. તમે નીદ્રાદેવીનો પહેલો પ્રસાદ ચેનથી માણી રહ્યા છો. ત્યાં તમારી બાજુમાં સુતેલી તમારી પત્ની તમને ગોદો મારીને બડબડે છે – આ નસકોરાં બંધ કરો તો સારું. અને તમે એ સુખની દુનીયામાંથી તમારી કઠણાઈ ભરેલી દુનીયામાં પાછા આવી જાઓ છો. ફરી તંદ્રાની એ અપ્રતીમ ક્ષણો પાછી મેળવવા તમે વ્યર્થ પ્રયત્નો કરો છો.

            અડધો ક્લાકના ફરીથી નીદ્રાદેવીને શરણે જવાના વ્યર્થ પ્રયત્નોથી કંટાળી, તમે રોજની જેમ ઘરમાં બેચાર આંટા મારી લો છો. બેકયાર્ડમા ચાંદની કેવીક જામી છે તેનું અવલોકન કરી લો છો. અને છેવટે બધાં દુ:ખોના આધાર જેવા કોમ્પ્યુટરના કીબોર્ડ અને મુશકના સહારે આવી પુગો છો. પાંચેક રમતો રમી, ઇમેલો જોઈ લો છો; મીત્રોને ‘જય શ્રીકૃષ્ણ’ કરી દો છો.   તમારું માંડ જ વધતું બેન્ક બેલેન્સ ફરી એક વાર જોઈ લો છો. ગઈકાલે આવેલા એકાદ નવા નક્કોર વીચારને અક્ષરદેહ આપો છો. મીત્રોના બ્લોગ પર લટાર મારી આવો છો. અને બે’ક કલાક રહી ફરી પથારીમાં પાછા ફરો છો.

             આંખો ઉઘમાં થોડી ઘેરાય છે તો ખરી, પણ તમારી જીવનસખીનાં નસકોરાંનું શ્રવણ કરતાં તમને બ્રહ્મજ્ઞાન લાધે છે કે, નસકોરાંમાં જ નાદબ્રહ્મનું સાચું સુખ સમાયેલું   છે. તેને ઉઠાડી બદલો વાળવાની ભાવના તો ક્યારની નશ્ટ થયેલી છે, કારણકે તમે જાણો છો કે કોઈની ઉંઘ ઉડાડવાથી તેનું કલ્યાણ થશે કે તમને ઉંઘ મળશે તે માન્યતા ભુલભરેલી છે. તેનાં નસકોરાંની વધી રહેલી તીવ્રતા તમારામાં ક્ષણીક ઈર્શ્યાભાવ પણ જગાડી જાય છે.

           ફરી થોડાં પાસાં ફેરવી, જીવનની વ્યર્થતા માટે ખરખરો કરી, તમે પાછા ઉઠો છો. ગઈકાલે વાંચવાનું બાકી રહેલું છાપું પુરું કરો છો. વાંચેલા સમાચાર ફરી વાંચી જાઓ છો. તેના સારા-નરસાપણા માટે તમારાં પોતાનાં આગવાં અને અતી મુલ્યવાન મુલ્યાંકનો બાંધી દો છો. અમેરીકાના પ્રેસીડેન્ટ અને ભારતના વડાપ્રધાન તમારી સલાહ લેતા નથી તે માટે દુ:ખ અનુભવો છો. ગુણવંત શાહ અને સુરેશ દલાલ તમારો અભીપ્રાય લે તો તેમના લેખો કેટલા વધુ ઉત્કૃશ્ટ બને તેવો મીથ્યા અહંકાર પણ સેવી લો છો. પુરાતત્વ અને ઈતીહાસ તમારા પ્રીય વીશયો છે. તે વીશયોની તમારી ગઈકાલની વંચાઈ રહેલી ચાલુ ચોપડીનાં થોડાં વધારે પાનાંની સફર પણ કરી આવો છો. ઇજીપ્તના ‘તુતનખામન’ કે નીનીવેના ‘સેન્નાચરીબ’ની સાથે થોડી વાતચીત કરી લો છો.

           ‘या निशा सर्वभूताणाम्, तस्याम् जागर्ति संयमी। એ શ્લોક દરરોજની જેમ યાદ કરી તમારી આ સંયમી અને જ્ઞાની અવસ્થા માટે તમે ગર્વ અનુભવો છો. માથે આવી પડેલી જાગૃતાવસ્થામાં તમારા વર્ધમાન થઈ ગયેલા બહુશ્રુતપણા માટે તમે સંતોશની લાગણી અનુભવો છો. સુઈ રહેલા સૌ અજ્ઞાન પ્રાણીઓ આ લાભથી   કેવા વંચીત છે  તેવો વીચાર રોજની જેમ કરી તમે મન મનાવો છો. તેમના માટે તમે કરુણાનો ભાવ પણ રોજની જેમ અનુભવો છો. તેમને જગાડી આ અપ્રતીમ ધર્મલાભમાં સહભાગી બનાવવાની દુશ્ટ ઈચ્છાને તમે માંડ માંડ ખાળો છો.

           હવે તો આંખો બરાબરની ઘેરાયેલી છે. પાંચેક વાગ્યાના સુમારે તમે પાછા નીદ્રાદેવીને શરણે જાઓ છો. પણ છ વાગ્યા ન વાગ્યા, અને તમે ઝબકીને જાગી જાઓ છો. કોઈ મહાન વીચાર તમારા મનમંદીરનાં બારણાં પર ટકોરા મારી રહ્યો છે. કોઈ નવી કવીતા પ્રાગટ્યની રાહ જોઈ રહી છે. તમે હવે સાવ તરોતાજા થઈ ગયા છો. તમારો આજનો ઉંઘનો પુરવઠો અધુરો રહી ગયાનો અસંતોશ થઈ જાય છે. છતાં આટલી તો આટલી પણ ઉંઘ આજે આપી તે માટે તમે પરમ કૃપાળુ પરમાત્માનો મનોમન આભાર માની લો છો.

            નીત્યકર્મ પતાવી, થોડાં આસનો કરી, તમે યોગસાધનામાં ઉત્તરોત્તર થઈ રહેલી તમારી પ્રગતી માટે સંતોશ અનુભવો છો.  ઘડીયાળ સામે દ્રશ્ટીપાત કરતાં, ચા બનાવવાનો સમય થઈ ગયો છે, તે ખબર પડે છે. અને દેવોને ય દુર્લભ એવા એ ગરમાગરમ પીણાંની લીજ્જત માણવા અને મણાવવા તમે પ્રવૃત્ત થાવ છો.

            બપોરની વામકુક્ષી જ હવે તો આગલી આશા છે. એ અડધો કલાકની મહાન પળોની આકાંક્ષામાં તમે નવા દીવસની તમારી યાત્રા ફરી એક વાર આરંભો છો. અને બપોરેય નસકોરાં બોલે તેટલું, કોઈના ગોદા વીનાનું ઉંઘી શકો એવી, તમારી જાતને જ શુભેચ્છા પાઠવો છો. 

         ‘ यस्यां जागर्ति भूतानि,  सा नीशा पश्यतो मुनेः । ‘ વાળો શ્લોકનો બીજો ભાગ તમને બપોરે ઉંઘવામાં વધુ બંધબેસતો લાગે છે. એટલે  બધાં અજ્ઞાન (!) પ્રાણીઓ જાગતાં હોય ત્યારે; ભલે વામકુક્ષીને બહાને પણ નસકોરાં-સભર એક નાનો શો બ્રેક લઈને (ક્યા બાત હૈ !)  તમે  પથારીમાં લંબાવી દો છો !   

- સુરેશ જાની

પહેલી વાર ‘ હાસ્યમેવ જયતે ‘ પર પ્રકાશીત

Categories: હાસ્ય લેખ

2 responses so far ↓

  • મગજના ડોક્ટર // September 18, 2007 at 7:16 am

    ‘ यस्यां जागर्ति भूतानि, सा नीशा पश्यतो मुनेः । ‘ વાળો શ્લોકનો બીજો ભાગ તમને બપોરે ઉંઘવામાં વધુ બંધબેસતો લાગે છે. એટલે બધાં અજ્ઞાન (!) પ્રાણીઓ જાગતાં હોય ત્યારે; ભલે વામકુક્ષીને બહાને પણ નસકોરાં-સભર એક નાનો શો બ્રેક લઈને (ક્યા બાત હૈ !) તમે પથારીમાં લંબાવી દો છો !
    BHAI SURESH,
    THOSE WHO CAN NOT TAKE AFTER LUNCH BREAK FOR 20 MINUTES WILL DIE FAST.
    ALL NEEDS “VAMA KUKSHI…” FOR 20 MINUTES.

  • mayuri_patel79 // October 3, 2007 at 8:15 am

    verry fani

Leave a Comment